છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી બાંગ્લાદેશ આપણે ત્યાં સતત ચર્ચામાં છે. સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા શેખ હસીનાએ બાંગ્લાદેશની અનામત નીતિમાં ફેરફાર કર્યો અને તેમની સામે જન આંદોલન અને વિદ્યાર્થી આંદોલન શરૂ થયું. જુલાઇમાં બાંગ્લાદેશમાં પ્રચંડ વિદ્યાર્થી આંદોલન થયું ઓગસ્ટની શરૂઆતમાં તો તેની પરાકાષ્ઠા આવી ગઇ. પ્રચંડ લોકજુવાળ વચ્ચે શેખ હસીનાએ પાંચમી ઓગસ્ટે વડાપ્રધાનપદેથી રાજીનામુ આપવું પડ્યું અને તેઓ દેશ છોડીને પોતાની બહેન અને કેટલાક સહાયકો સાથે ભાગ્યા અને ભારતમાં આશરો લીધો.
તેઓ ભારતથી બ્રિટન જેવા કોઇ દેશમાં રાજ્યાશ્રય મેળવીને જતા રહેશે અને ત્યાં રહેશે એવી શરૂઆતમાં વાત હતી પરંતુ કોઇ પણ દેશ તરફથી તેમને સાનુકુળ પ્રતિભાવ મળ્યો નહીં અને તેઓ આજ દિન સુધી ભારતમાં જ છે. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમના પ્રત્યાર્પણની માગણી કરવા માંડી છે અને દેખીતી રીતે ભારત માટે જરા દુવિધાની ક્ષણો આવી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે સોમવારે જણાવ્યું હતું કે તેણે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને ઢાકા પરત મોકલવા માટે ભારતને એક લેખિત નોંધ મોકલી છે.
આ વર્ષે ઓગસ્ટની પાંચમી તારીખે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના પ્રચંડ લોક આંદોલન પછી શેખ હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપ્યું અને તેમના ૧૬ વર્ષના એક હથ્થુ શાસનનો અંત આવ્યો હતો. ૭૭ વર્ષીય હસીના ભાગીને ભારત આવી ગયા હતા અને ત્યારથી ભારતમાં જ આશરો લઇને રહી રહ્યા છે. હવે બાંગ્લાદેશ સ્થિત ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ(આઇસીટી)એ હસીના સામે અને તેમના સમયના ઘણા કેબિનેટ મંત્રીઓ, સલાહકારો અને કેટલાક લશ્કરી અને સરકારી અધિકારીઓ સામે માનવતા વિરુદ્ધના અપરાધો અને નરસંહાર બદલ ધરપકડ વોરન્ટ કાઢ્યું છે. ‘’અમે ભારત સરકારને એક નોટ વર્બલ (રાજદ્વારી સંદેશો) મોકલ્યો છે અને કહ્યું છે કે હસીના ન્યાય પ્રક્રિયા માટે સ્વદેશ પરત આવે તેમ ઇચ્છે છે’’ એમ વિદેશી બાબતોના સલાહકારે પત્રકારોને જણાવ્યું હતું. સોમવારે સવારે ગૃહ ખાતાના સલાહકાર જહાગીર આલમે જણાવ્યું હતુ કે તેમની કચેરીએ દેશના વિદેશ મંત્રાલયને પદભ્રષ્ટ વડાપ્રધાનનું ભારતથી પ્રત્યાર્પણ સુનિશ્ચિત કરવા માટે એક પત્ર મોકલ્યો છે.
આલમે કહ્યું હતુ કે ઢાકા અને નવી દિલ્હી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે અને હસીનાને તેના હેઠળ બાંગ્લાદેશ લાવી શકાય છે. ગયા મહિને પોતાની વચગાળાની સરકારના સો દિવસ પુરા થવા પ્રસંગે આ સરકારના વડા મોહમ્મદ યુનુસે કહી જ દીધુ હતું કે તેમની સરકાર હસીનાના પ્રત્યાર્પણની માગણી કરશે. ઓકટોબરમાં કાયદા સલાહકાર આસિફ નઝરૂલે એમ કહ્યું હોવાનું કહેવયા છે કે જો પ્રત્યાર્પણ સંધિની કોઇ જોગવાઇને ટાંકીને ભારત હસીનાનું પ્રત્યાર્પણ કરવાનુ નકારશે તો બાંગલાદેશ સખત વિરોધ નો ધાવશે. દેખીતી રીતે બાંગ્લાદેશની વચગાળાની સરકાર હસીનાના પ્રત્યાપર્ણના મામલે સખત વર્તન અપનાવવા માંડી છે.
શેખ હસીના વડાપ્રધાનપદેથી રાજીનામુ આપીને ભારત ભાગી આવ્યા તે પછી પણ બાંગ્લાદેશમાં તોફાનો ચાલુ રહ્યા અને કેટલાક સ્થળે તો હિન્દુઓ પર હુમલાઓ શરૂ થયા. ભારતે હસીનાને આશરો આપ્યો તે સામેનો લોકોનો રોષ પણ કદાચ આ માટે જવાબદાર હોઇ શકે. બીજી બાજુ કેટલાક કટ્ટરવાદી તત્વોએ પણ આ સ્થિતિનો લાભ ઉઠાવ્યો લાગે છે અને તેમણે બાંગ્લાદેશની પ્રજામાં ભારત વિરોધી લાગણીઓ ભડકાવવાના પ્રયાસો કર્યા હોવાનું જણાય છે.
ભારતના સાંસ્કૃતિક કેન્દ્ર અને અનેક હિન્દુ ધર્મસ્થાનો પર હુમલા થયા અને આ બાબતે ભારત અને બાંગલાદેશના સંબંધોમાં ભારે કડવાશ પણ આવી ગઇ છે. હવે બાંગ્લાદેશ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરે છે ત્યારે ભારત માટે દુવિધાની ક્ષણ ઉભી થઇ છે. જો ભારત હસીનાનું પ્રત્યાર્પણ સહેલાઇથી કરી દે તો તેની છાપ એક વિદેશી મિત્ર નેતાને છેહ આપ્યાની ઉભી થઇ શકે છે અને જો તે શેખ હસીનાનું બાંગ્લાદેશને પ્રત્યાર્પણ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દે તો પ્રત્યાર્પણ સંધિનો ભંગ કરનાર દેશ તરીકેની તેની છાપ સર્જાઇ શકે છે. આથી આ બાબતમાં ખૂબ સમજી વિચારીને પગલા ભરવા પડશે. ભારત સરકાર હવે કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું રહે છે.