હાલમાં અમેરિકાની સંસદ સમક્ષ ત્યાંના ગુપ્તચર તંત્રે પોતાનો વૈશ્વિક જોખમો અંગેનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો છે તેમાં તેણે જણાવ્યું છે કે ચીન અને પાકિસ્તાન સાથે ભારતનો તનાવ વધી શકે છે અને તેમાંથી બંને દેશો સાથે સંઘર્ષ પણ સર્જાઇ શકે છે. ખાસ કરીને આ બાબતમાં ચીન બાબતે ભારતે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. પાકિસ્તાન ભારત સાથે સીધા સંઘર્ષમાં ઉતરવાની હિંમત કરી શકે તેમ નથી પરંતુ ચીનનો હાથો બનીને તે છમકલા કરી શકે છે અને ચીનને મદદરૂપ થઇ શકે છે.
અમેરિકન ગુપ્તચર સમુદાયે સાંસદોને જણાવ્યું છે કે તેને ભારત અને પાકિસ્તાન તથા ભારત અને ચીન વચ્ચે તનાવ વધવાનો ભય છે અને તેમની વચ્ચે સંઘર્ષ સર્જાવાની પણ શક્યતા જણાય છે. આ સાથે તેણે એવું પણ નોંધ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળ ભૂતકાળ કરતા એવી વધુ શક્યતા છે કે પાકિસ્તાન તરફથી થતી ઉશ્કેરણીઓનો ભારત છદ્મ અથવા ખરેખરો લશ્કરી બળથી જવાબ આપે. આ મૂલ્યાંકન અમેરિકી ગુપ્તચર સમુદાય દ્વારા અમેરિકી કોંગ્રેસને આપવામાં આવતા વાર્ષિક ભય આકારણીનો ભાગ છે અને તે એક કોંગ્રેસનલ સુનાવણી દરમ્યાન ડિરેકટર ઓફ નેશનલ ઇન્ટેલીજન્સની કચેરી દ્વારા રજૂ કરવામાં આવી હતી.
ભારત અને ચીન જ્યારે તેમના સરહદી મુદ્દાઓ ઉકેલવા માટે દ્વિપક્ષી મંત્રણાઓમાં રોકાયેલા છે ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો ૨૦૨૦ના ઘાતક સંઘર્ષના સંજોગોમાં તનાવભર્યા જ રહ્યા છે એમ આ અહેવાલ જણાવે છે. વિવાદાસ્પદ સરહદ પર ભારત અને ચીન બંને દ્વારા લશ્કરી તૈનાતી વિસ્તૃત બનાવવામાં આવી તે બાબત બંને અણુ સત્તાઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષનું જોખમ વધારે છે એમ પણ આ અહેવાલ જણાવે છે.
ચીન અને ભારત વચ્ચેના સંબંધો ૨૦૨૦ના મે મહિનામાં લડાખમાં થયેલ લશ્કરી સંઘર્ષ પછી થંભી જેવા ગયા છે. આ અહેવાલના જણાવ્યા મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની કટોકટી ખાસ ચિંતાનો વિષય છે કારણ કે આ બંને અણુશસ્ત્ર સજ્જ દેશો વચ્ચે ઉશ્કેરણીની સાયકલ વધવાનો ભય છે. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ શસ્ત્ર વિરામ ૨૦૨૧ની શરૂઆતથી ચાલી રહ્યો છે પરંતુ ભારત વિરોધી ઉગ્રવાદી જૂથોને ટેકો આપવાનો પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારત આવી ઉશ્કેરણીનો લશ્કરી જવાબ આપે તેવી શક્યતા ભૂતકાળ કરતા વધારે છે.
તનાવ વધ્યો હોવાનો બંને દેશોનો ખયાલ સંઘર્ષનું જોખમ વધારી દે છે એ મુજબ આ અહેવાલ જણાવે છે. પાકિસ્તાન બહુ બહુ તો કાશ્મીરમાં ઉંબાડિયા કરી શકે, પરંતુ અત્યારે તો તે પણ બહુ થઇ શકતા નથી પરંતુ ચીન લદાખમાં તથા અરૂણાચલ સરહદ સહિતના વિસ્તારોમાં તેની ગતિવિધિઓ ચાલુ રાખી રહ્યું છે અને ભારત માટે આ વિશેષ સાવધાની રાખવાની બાબત છે. અને ચીન જે રીતે તેની લશ્કરી સજ્જતા વધારી રહ્યું છે તે બાબતે અમેરિકી ગુપ્તચર તંત્રનો જે અહેવાલ આવ્યો છે તે જોતા ભારતે વિશેષ સતર્ક રહેવની જરૂર છે.
અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે ચીન સેંકડો નવી મિસાઇલ સાઇટો બાંધી રહ્યું છે, સામૂહિક વિનાશના વધુ શસ્ત્રો બનાવી રહ્યું છે અને એવું લશ્કર તે બનાવવા માગે છે કે જે અમેરિકાને પણ એક મોટા પાયા પરના અને લાંબા સંઘર્ષમાં ટક્કર આપી શકે. ગુપ્તચરોએ માહિતી આપી છે કે ચીનની લશ્કરી તૈયારીઓમાં પરમાણુ લોન્ચરો, સામૂહિક વિનાશના શસ્ત્રો અને સ્પેસ મિસાઇલોનો સમાવેશ થાય છે. સ્પેસ મિસાઇલો એવા શસ્ત્રો છે કે જે અવકાશમાં ફરતા ઉપગ્રહોને પણ તોડી પાડી શકે છે.
આ આકારણી વૉશિંગ્ટન અને બૈજિંગ વચ્ચે વધેલા તનાવ વચ્ચે આવી છે જે તાજેતરમાં અમેરિકાના આકાશ પર દેખાયેલા ચીની જાસૂસી બલૂનના બનાવ પછી વધુ વકર્યો છે. ચીની પ્રમુખ ઝી જિનપિંગ રશિયાને યુક્રેન સામેના યુદ્ધમાં સહાય આપવાનું વિચારી રહ્યા છે એવા અહેવાલોએ પણ તનાવ વકરાવ્યો છે. અમેરિકા સાથે તો ચીનનો તનાવ વધ્યો છે પરંતુ તેના તરતના પાડોશી તરીકે ભારતે આ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે અતિ મહત્વાકાંક્ષી ચીન ગમે તે કરી શકે છે.
અમેરિકાના ડિરેકટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સની કચેરીએ વર્ષ ૨૦૨૩ માટેના ખતરાના મૂલ્યાંકનનો અહેવાલ જારી કર્યો છે તેમાં ચીનની લશ્કરી સજ્જતા અંગે ચેતવણીઓ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સતત આઠમા વર્ષે ચીને પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. સેનેટની સમિતિચ સમક્ષ અહેવાલ રજૂ કરવા ઉપસ્થિત થયેલા અમેરિકી નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેકટર એરવિલ ડી. હેઇન્સે જણાવ્યું હતું કે ચીન માને છે કે તે પોતાના વિસ્તારમાં પ્રભુત્વ જમાવવાનું અને પોતાની વૈશ્વિક પહોંચ વધારવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.
બીજી બાજુ બૈજિંગથી મળતો અહેવાલ જણાવે છે કે ચીની પ્રમુખ ઝી જિનપિંગે ચીની લશ્કરને ઝડપથી વધુ સજ્જ કરીને તેને વર્લ્ડ ક્લાસનું બનાવવા માટે હાકલ કરી છે. ચીનની લશ્કરી મહત્વાકાંક્ષા હવે જાણીતી છે અને તે પોતાના લશ્કરને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. જો કે આની સામે ભારતનું લશ્કર પણ પુરતું સજજ છે. ચીન ભારતીય સરહદે કોઇ મોટું પગલું ભરવા આગળ વધે નહીં તે માટે ભારતે ખાસ સાવધ રહેવું પડશે.