Editorial

આગામી દાયકાઓમાં ચીનને વસ્તી ઘટાડાની, ભારતને વસ્તી વધારાની સમસ્યાઓ નડશે


તાજેતરમાં બહાર પડેલા ચીનના વસ્તીગણતરીના અહેવાલ પછી એ વાતની ચર્ચા શરૂ થઇ છે કે ભારત હવે થોડા વર્ષમાં વિશ્વનો સૌથી વસ્તી ધરાવતો દેશ બની જશે. ચીનની વસ્તી ગણતરીનો અહેવાલ બહાર પડી ગયો છે જે મુજબ તેની વસ્તી તેના અત્યાર સુધીના સૌથી ધીમા દરે વધીને ૧ અબજ ૪૧ કરોડ પર પહોંચી છે અને આ દેશે દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા દેશ તરીકેનો પોતાનો દરજ્જો હજી જાળવી રાખ્યો છે પણ સત્તાવાર અંદાજો પ્રમાણે આવતા વર્ષથી આ દેશની વસ્તી ઘટવાનું શરૂ થઇ જઇ શકે છે. ચીનમાં પણ ભારતની માફક દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ચીનની સરકારે હાલમાં તેનો સાતમો વસ્તી ગણતરી અહેવાલ બહાર પાડ્યો છે જે મુજબ ચીનના તમામ ૩૧ પ્રાંતો, સ્વાયત્ત પ્રદેશો અને મ્યુનિસિપલ વિસ્તારોની કુલ વસ્તી ૧ અબજ ૪૧ કરોડ ૧૭ લાખ અને ૮૦ હજાર જેટલી થઇ છે.

આ આંકડાઓમાં હોંગકોંગ અને મકાઉની વસ્તીનો સમાવેશ થતો નથી. ૨૦૧૦માં જે વસ્તી હતી તેના કરતા પ.૩૮ ટકા અથવા તો ૭ કરોડ ૨૦ લાખનો ઉમેરો ચીનની વસ્તીમાં થયો છે જે તેનો એક દાયકાનો અત્યાર સુધીનો સૌથી ધીમો વસ્તી વધારો છે. આંકડાઓ સૂચવે છે કે ચીનની વસ્તીએ છેલ્લા દાયકામાં ધીમો વસ્તી વધારો જાળવી રાખ્યો છે. એમ નેશનલબ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ(એનબીએસ)એ જણાવ્યું હતું. ચીન જ્યારથી તેની વસ્તીગણતરીનો અહેવાલ બહાર પાડી રહ્યું છે તેનો વસ્તી વધારાનો દર હાલમાં સૌથી ધીમો રહ્યો છે.

વાર્ષિક વસ્તી વધારાનો દર તો આ છેલ્લા દસ વર્ષ દરમ્યાન ૦.૫૩ ટકા જ રહ્યો છે જે અત્યાર સુધીનો સૌથી નીચો દર છે. ભારતની વસ્તી ૨૦૧૯ના અંદાજ પ્રમાણે ૧ અબજ ૩૬ કરોડ જેટલી છે અને ચીનમાં જ્યારે વસ્તી ઘટાડો થવાની તૈયારી છે ત્યારે ભારતની વસ્તી વધી રહી છે અને યુએનના અંદાજ પ્રમાણે ૨૦૨૭માં ચીનને ઓળંગીને ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે. એક અંદાજ પ્રમાણે તો ૨૦૨૩ અથવા ૨૦૨૪માં જ વસ્તીની બાબતમાં ચીન કરતા ભારત આગળ નીકળી જશે.

એનબીએસના આંકડા પ્રમાણે ચીનમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા વધીને ૨૬ કરોડ ૪૦ લાખ થઇ છે જે ગયા વર્ષ કરતા ૧૮.૭ ટકા વધારે છે. ચીનમાં કામ કરી શકે તેવા ૧૬થી ૫૯ વર્ષની વયના લોકોની વસ્તી ૮૮ કરોડ છે પણ આ વયજૂથના લોકોની વસ્તી ધીમે ધીમે ઘટશે અને વૃદ્ધ વસ્તી વધતી જશે જેથી ચીને પણ જાપાનની જેમ કામદારોની તંગીની સમસ્યાનો સામનો કરવો પડશે. બીજી બાજુ ભારતમાં મોટી યુવા વસ્તી તેના માટે મિલકત અને જવાબદારી બંને બનશે. યુવા વસ્તીને કારણે અઢળક કામદારો તો મળી શકશે પરંતુ અતિ વિશાળ વસ્તીને કારણે ભારતને અત્યારે જ સ્ત્રોતોની તંગી નડી રહી છે અને વધતી વસ્તી સાથે યુવા વસ્તીને પુરતો પગાર અને સારું જીવન ધોરણ આપવામાં ભારતને મુશ્કેલી નડશે. આમ બંને દેશે પોત પોતાની સમસ્યાઓનો સામનો કરવો પડશે.

Most Popular

To Top