ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. બંને દેશોની સરકારો ટૂંક સમયમાં 63,000 કરોડ રૂપિયાથી વધુના આ સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે, જે હેઠળ ભારતીય નૌકાદળને 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર રાફેલ મરીન જેટ મળશે.
સોદો પૂર્ણ થયા પછી રાફેલ મરીન એરક્રાફ્ટની ડિલિવરી 2029 ના અંતથી શરૂ થશે અને 2031 સુધીમાં ભારતીય નૌકાદળને બધા 26 એરક્રાફ્ટ મળી જશે. આ વિમાનોનું ઉત્પાદન ફ્રેન્ચ ખાનગી ઉડ્ડયન કંપની દસોલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવશે.
આ રાફેલ-એમ વિમાનોને INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય જેવા વિમાનવાહક યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધી, ભારતીય નૌકાદળના આ બંને જહાજો જૂના મિગ 29-કે ફાઇટર પ્લેન સાથે તેમના મિશન પૂર્ણ કરે છે. રાફેલ-એમ વિમાનોનો કાફલો જૂના થઈ રહેલા મિગ-૨૯કે વિમાનોના કાફલાનું સ્થાન લેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સોદા હેઠળ, 26 રાફેલ જેટ ઉપરાંત ફ્રાન્સ કાફલાનું મેઈન્ટેનન્સ, લોજિસ્ટિકલ સપોર્ટ અને કર્મચારીઓની તાલીમ માટે પણ જવાબદાર રહેશે. આ ઉપરાંત, ઓફસેટ જવાબદારીઓ હેઠળ આ વિમાનોના ભાગો અને સાધનો ફક્ત ભારતમાં જ બનાવવાના રહેશે. આ પેકેજમાં નૌકાદળના કર્મચારીઓની તાલીમનો પણ સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ આ સોદાને મંજૂરી આપી દીધી છે. રાફેલ મરીન એ રાફેલ ફાઇટર એરક્રાફ્ટનું એક સંસ્કરણ છે જે એરક્રાફ્ટ કેરિયર્સ માટે રચાયેલ છે, જે તેના અદ્યતન એવિઓનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને હવાઈ યુદ્ધમાં નિપુણતા માટે જાણીતું છે.
રાફેલ-એમ વિમાનવાહક જહાજોથી હાથ ધરવામાં આવતા મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં મજબૂત લેન્ડિંગ ગિયર, એરેસ્ટર હુક્સ અને શોર્ટ ટેક-ઓફ બટ એરેસ્ટેડ રિકવરી (STOBAR) કામગીરી કરવા માટે મજબૂત એરફ્રેમ છે.
આ એક એવી તકનીક છે જેનો ઉપયોગ નૌકાદળના વિમાનવાહક જહાજો પર ફાઇટર વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગ માટે થાય છે, કારણ કે વિમાનવાહક જહાજોના રનવે ટૂંકા હોય છે. આવી સ્થિતિમાં, ફાઇટર પ્લેનને ખૂબ જ ઓછા અંતરે ઉડાન ભરવી અને ઉતરવું પડે છે.
ભારતીય વાયુસેના (IAF) પહેલાથી જ અંબાલા અને હાશિમારા સ્થિત તેના એરબેઝ પર 36 રાફેલ ફાઇટર જેટ ચલાવે છે. તમને જણાવી દઈએ કે, દસોલ્ટ એવિએશનના 36 રાફેલ ફાઇટર જેટ માટે ફ્રાન્સ સાથેનો આ સોદો મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
નવા રાફેલ મરીન સોદાથી ભારતીય વાયુસેનાની ક્ષમતાઓમાં વધારો થશે, જેમાં તેની ‘બડી-બડી’ એરિયલ રિફ્યુઅલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે. આ સુવિધા ભારતીય વાયુસેનાના લગભગ 10 રાફેલ વિમાનોને હવામાં જ ઇંધણ ભરવા સક્ષમ બનાવશે, જેનાથી તેમની ઓપરેશનલ રેન્જમાં વધારો થશે.
