અરૂણાચલ પ્રદેશ: રક્ષા પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત પોતાના ક્ષેત્રની સુરક્ષા માટે સીમા પરના પડકારોને નિષ્ફળ કરવાની દરેક ક્ષમતા ધરાવે છે. સિંહે એમ પણ કહ્યું હતું કે ભારત ક્યારેય યુદ્ધને પ્રોત્સાહન આપતું નથી અને હંમેશા તેના પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માગે છે.
જો કે ‘ભારતીય સેના સીમા પર કોઈપણ પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે’ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે, એમ તેમણે અહીં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) પુલના ઉદ્ઘાટન દરમિયાન કહ્યું હતું.
‘ભારત એક એવો દેશ છે જે ક્યારેય યુદ્ધને પ્રોત્સાહન આપતું નથી અને હંમેશા તેના પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માંગે છે…. જો ઉશ્કેરવામાં આવે તો દેશ કોઈપણ પ્રકારની પરિસ્થિતીનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે’, એમ સિંહે કહ્યું હતું.
‘ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર અથડામણ થઈ હતી, જેમાં બંને બાજુના કેટલાક જવાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી’, એમ સેનાએ જણાવ્યું હતું.
રક્ષા મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે સીમાને મજબૂત કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ટોચની પ્રાથમિકતા આપે છે.
‘નવો પુલ માત્ર સ્થાનિક લોકો માટે અવરજવરને સરળ બનાવશે નહીં, પણ સૈનિકો, ભારે સાધનો અને યાંત્રિક વાહનોને ઝડપથી અગ્ર વિસ્તારોમાં જવામાં મદદ કરશે’, એમ તેમણે કહ્યું હતું.
પશ્ચિમ સિયાંગ અને અપર સિયાંગ જિલ્લાઓ વચ્ચે આલો-યિંગકિયોંગ રોડ પર 100-મીટરનું ‘ક્લાસ-70’ સ્ટીલના કમાનવાળો પુલ, સીમા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે બીઆરઓ દ્વારા રૂ. 724.3 કરોડના ખર્ચે બવાવવામાં આવેલા 28 પ્રોજેક્ટ્સમાંનું એક છે. સિંઘે બીઆરઓના અન્ય 27 પ્રોજેક્ટનું પણ વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. તેમાંથી લડાખમાં આઠ, જમ્મુ અને કાશ્મીરમાં ચાર, અરુણાચલ પ્રદેશમાં પાંચ, સિક્કિમ, પંજાબ અને ઉત્તરાખંડમાં ત્રણ-ત્રણ અને રાજસ્થાનમાં બેનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ અવસર પર બોલતા મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર હિમાલયા બેલ્ટના સીમા વિસ્તારોમાં વિકાસ લાવવા માટે વચનબદ્ધ છે. છેલ્લા 8 વર્ષમાં અરૂણાચલ પ્રદેશમાં કરાયેલા માળખાગત વિકાસે રાજ્યને ઘણી મદદ કરી છે.