કોરોનાની આખા વિશ્વમાં બીજી લહેર ચાલી રહી છે. પહેલી લહેરમાં જે ખાનાખરાબી સર્જાઈ હતી તેનાથી વધારે ખાનાખરાબી બીજી લહેરમાં સર્જાઈ રહી છે. વિશ્વના અન્ય દેશોમાં કોરોના બીજી લહેરમાં એટલો મારક રહ્યો નથી પરંતુ ભારતમાં (India) કોરોનાએ મૃતદેહોનાં ઢગલા કરી દીધા છે. ભારતમાં સ્મશાનો ઉભરાઈ જતાં નવા સ્મશાન ઉભા કરવા પડી રહ્યાં છે. ઓક્સિજન ઘટી રહ્યો છે. ઓક્સિજન ઘટવાને કારણે પણ દર્દીઓના મોત થઈ રહ્યાં છે. આઈસીયુમાં બેડ નહીં મળવાને કારણે પણ દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. આ સંજોગોમાં જો કોરોનાનો સામનો કરવો હોય તો રસીકરણથી વિશેષ કશું જ નથી. જેમ જેમ રસીકરણ વધું થશે તેમ તેમ કોરોના કાબુમાં આવી જશે. વિશ્વના મોટા છ દેશોએ મોટાપાયે રસીકરણકરીને પોતાના દેશમાં કોરોનાને કાબુમાં પણ કરી લીધો છે. ભારતે તેની પરથી બોધપાઠ લેવાની જરૂરીયાત છે. આગામી તા.1લી મેથી આખા ભારતમાં તમામ પુખ્તવયના માટે રસીકરણની કામગીરી શરૂ થવાની છે ત્યારે સરકાર દ્વારા કોરોનાના દર્દીને સારવારની સાથે સાથે રસીકરણમાં પણ એટલું જ કે તેનાથી પણ વધારે ધ્યાન આપવાની જરૂરીયાત છે. મોટાપાયે રસીકરણ (Vaccination) શરૂ કર્યાં પછી રસીનો જથ્થો જ ઘટી જાય તેવી સ્થિતિ નહીં સર્જાય તે માટે સરકારે અત્યારથી જ જાગૃત થવું પડશે.
વિશ્વ અને ભારતમાં થયેલા વિવિધ સરવેના આંકડાઓ કહે છે કે જેણે કોરોનાની રસી લીધી છે, ચાહે તે પહેલો ડોઝ હોય કે બીજો, તેને કોરોના થવાના ચાન્સ ઓછા છે. જુજ લોકો છે કે જેણે રસી લીધા બાદ કોરોના થયો હોય. જો કોરોના થયો હોય તો રસી લેનાર વ્યક્તિ ઝડપથી સાજી પણ થઈ જાય છે. પહેલા ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન નામની બે જ રસી હતી પરંતુ સરકારે હવે સાત જેટલી રસીને મંજૂરી આપી દીધી છે. માત્ર સરકારી કેન્દ્રો કે હોસ્પિ.માં જ નહીં પરંતુ હવે તમામ ક્લિનિકથી માંડીને દરેક સ્થળે વેક્સિન મુકી આપવા માટેના આયોજનો સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે. સરકાર દ્વારા જો ખરેખર રસી માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને સામે લોકો દ્વારા પણ રસી લેવા માટે એટલો જ ઉત્સાહ બતાવવામાં આવશે તો તેનાથી કોરોનાને કાબુમાં કરવામાં મોટી સફળતાં મળશે.
એ સમજવાની જરૂરીયાત છે કે હાલમાં દુનિયામાં છ દેશમાં કોરોનાના વેક્સિનને કારણે કોરોનાને કાબુમાં કરી શકાયો છે. આ દેશમાં વેક્સિન લેવાને કારણે કોરોનાના કેસમાં 97 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ દેશમાં બ્રિટન, અમેરિકા, ઈઝરાયલ, સ્પેન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. બ્રિટનમાં 49 ટકા વસતીનું રસીકરણ થઈ ગયું છે. માત્ર 49 ટકા રસીકરણને પગલે કોરોનાના કેસ 98 ટકા જેટલા ઘટી ગયા છે. આ જ રીતે ઈઝરાયલમાં 61 ટકા વસતીને રસી આપી દેવામાં આવી છે. ઈઝરાયલમાં કોરોનાના કેસ એટલી હદે ઘટી ગયા છે કે ત્યાંની સરકારે જાહેરમાં માસ્ક પહેરવામાંથી છુટ આપી દીધી છે. રસીકરણને કારણે અમેરિકામાં કોરોનાના કેસમાં 80 ટકાનો ઘટાડો થઈ ગયો છે. આ જ રીતે રસીકરણને કારણે સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે.
કોરોના વાયરસને અટકાવી શકાવાનો નથી. પરંતુ રસીકરણથી કોરોનાના કેસને અને તેની ગંભીરતાને જરૂરથી અટકાવી શકાશે. જરૂર છે હવે માત્ર સરકાર દ્વારા રસીનો પર્યાપ્ત જથ્થો લોકોને ઉપલબ્ધ કરાવવાની, રસી મુકાવી શકાય તેવા સેન્ટરો ઉભા કરવાની, ચાહે તે સરકારી હોય કે ખાનગી અને સાથે સાથે લોકો ઝડપથી રસી લેવા માંડે તે માટે પ્રોત્સાહિત કરવાની. હાલમાં સરકારે રસી માટે ચાર્જ રાખ્યો છે પરંતુ સરકાર જો તેને નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવે તો પણ સરકારને એવી મોટી ખોટ જાય તેમ નથી. જેટલો ખર્ચ કોરોનાના દર્દીની સારવાર માટે સરકારને કરવો પડી રહ્યો છે તેના કરતાં રસીનો ખર્ચ અનેકગણો ઓછો છે. સરકાર અને લોકો હવે કોરોનાના રસીકરણ માટે પ્રતિબદ્ધતા દાખવે તે ખૂબ જ જરૂરી છે.