છેલ્લા એક વર્ષથી કોરોનાએ આખા વિશ્વને ધમરોળી નાખ્યું છે. એક વર્ષ થવા છતાં પણ કોરોનાથી મુક્તિ મળી નથી. કોરોના વાયરસ પણ દિવસેને દિવસે પોતાનું સ્વરૂપ બદલતો જ રહે છે. એક સ્વરૂપને નાથવા માટે આયોજનો કરવામાં આવે તો તુરંત બીજું સ્વરૂપ લઈ લે છે. આ કારણે જ કોરોના સામેની લડતમાં રસી બનાવવા માટે પણ વૈજ્ઞાનિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી છે.
હવે રસી તૈયાર થઈ ગઈ છે, પરંતુ સામે જેમ જેમ સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે તેમ તેમ કોરોનાના કેસની સંખ્યા વધુને વધુ વધી રહી છે. જો કોરોનાના વ્યાપને નાથવો હોય અને તેને જીવલેણ બનતો અટકાવવો હોય તો હવે એક જ ઉપાય છે, અને તે છે મોટાપાયે રસીકરણ.
ભારતમાં હાલમાં બે પ્રકારની રસી આપવામાં આવી રહી છે. શુક્રવારે ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ 15 લાખ ડોઝ આપવામાં આવ્યાં. રસીકરણની સામે કોરોનાના કેસની સંખ્યા પણ વધી જ રરી છે. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થવાની સાથે એક જ દિવસમાં 10 હજાર કોરોનાના કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાના નવા સ્ટ્રેઈનથી સંક્રમિત થનારાઓનો આંક પણ 200થી વધી ગયો છે. આ સાથે પંજાબમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી હોવાથી આ બંને રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા ટીમ મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે હવે કોરોનાને કાબુમાં લેવા માટે રસીકરણની ગતિ તેજ કરવાનો નિર્ણય કર્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની રસી લઈ લીધી છે.
મોદીએ રસી લીધા બાદ મોટાભાગના રાજકારણીઓ દ્વારા પણ રસી લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજકારણીઓની સાથે સાથે દેશની પ્રજા પણ હવે રસી લેવા માટે રસ બતાવી રહી છે. તિબેટિયન ધર્મગુરૂ દલાઈ લામાએ પણ કોરોના સામેની વેક્સિન લઈ લીધી છે. ભારતમાં અત્યાર સુધીમાં આશરે 2 કરોડ લોકોને કોરોના સામેની વેક્સિનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
જોકે, અત્યારે પણ વેક્સિનેશનમાં અમેરિકા આગળ છે. અમેરિકા દ્વારા રોજના 20 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારત હવે આગામી દિવસોમાં 20 લાખના આંક સુધી પહોંચશે. ભારતે રોજના એક કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવો પડે તેમ છે. જો તેમ થશે તો જ કોરોના પર અંકુશ લઈ શકાશે.
ભારતમાં અત્યાર સુધીમાં થયેલા વેક્સિનેશનમાં કોઈ મોટી આડઅસર જોવા મળી નથી. અત્યાર સુધીમાં થયેલા વેક્સિનેશનમાં 2 કરોડ લોકોનો સમાવેશ થઈ ચૂક્યો છે. જોકે, ભારતની હાલની અંદાજીત વસ્તી 136 કરોડ છે. જેથી વેક્સિનેશનના અંતિમ લક્ષ્યાંક સુધી પહોંચવામાં વાર લાગે તેમ છે.
જો આ રીતે જ ચાલે તો આખા ભારતમાં વેક્સિનેશન પુરૂં થવામાં એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ જાય તેમ છે. ભારતને હાલમાં વધી રહેલા કોરોનાની સ્થિતિમાં આ પાલવે તેમ નથી. જેથી ભારતે વેક્સિનેશન ડ્રાઈવને વધુ સઘન બનાવવી પડશે. ભારતે રોજના વેક્સિનેશનનો આંક એક કરોડ સુધી લઈ જવો પડશે. શક્ય હોય તો તેનાથી પણ વધારે કોરોનાની રસીના ડોઝ આપવાની તૈયારીઓ કરવી પડશે.
હજુ પણ કોરોનાની રસી સામે લોકોમાં ડરનો માહોલ છે. સરકારે આ ડર દૂર કરવો પડશે. લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. જો તેમ થશે તો જ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપથી પુરી કરી શકાશે.
હાલમાં સરકારે 45 વર્ષથી વધુની વય અને કો-મોર્બિડ લોકોને માટે જ વેક્સિનેશન ડ્રાઈવ રાખી છે પરંતુ જેમ બને તેમ ઝડપથી પ્રત્યેક વ્યક્તિ વેક્સિન લઈ શકે તેવી વ્યવસ્થા કરવી પડશે. જો વેક્સિનેશનને સઘન બનાવી શકાશે તો જ કોરોના સામેની લડતમાં જંગ જીતી શકાશે તે નક્કી છે.