Gujarat

ભારત-યુએસ ટ્રેડ ડીલથી ‘ન્યૂ ઈન્ડિયા’ની વૈશ્વિક શક્તિ પ્રગટ થઈ – ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર,તા.5

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ વિશ્વ સમક્ષ નવા ભારતની આર્થિક શક્તિ અને વૈશ્વિક દૃષ્ટિકોણનો સ્પષ્ટ પરિચય કરાવે છે, એવી પ્રતિક્રિયા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ કરાર માત્ર ઉદ્યોગ પૂરતો સીમિત નથી, પરંતુ બે મહાન અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં, નવી તકોના સર્જન અને વૈશ્વિક કલ્યાણની ભાવનાને મજબૂત બનાવતો કરાર છે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ સાથે મળીને આગળ વધે ત્યારે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને નવી દિશા મળે છે. આ ટ્રેડ ડીલથી ‘મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ’ના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને વધુ બળ મળશે. મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ દ્વારા 18 ટકાનો ટેરિફ ઘટાડો થવાથી ઉત્પાદન ક્ષેત્ર, MSME, નિકાસકારો તેમજ રોજગાર સર્જનમાં નોંધપાત્ર પ્રોત્સાહન મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ તથા જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં આગેવાન છે. ભારત-અમેરિકા વચ્ચેના આ ઐતિહાસિક કરારથી આ તમામ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને નવી ગતિ મળશે અને ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ તથા MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે.
ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વૈશ્વિક બજારોના નવા દ્વાર ખુલશે અને ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધુ મજબૂત બનશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન-સેન્ટ્રિક ડિપ્લોમસી અંગે જણાવ્યું હતું કે કે ભારત-યુએસ સંબંધો વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને નવી ઊંચાઈ આપશે. તેમણે ગુજરાતના તમામ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતાં.

Most Popular

To Top