National

ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ જલદીથી જલદી યુક્રેન છોડે, એમ્બેસીએ ફરી સલાહ આપી

કિવ: યુક્રેનમાં (Ukrain) તણાવ સતત વધી રહ્યો છે અને સુરક્ષાની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીયો (Indians) હાજર છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ (Student) પણ સામેલ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ગયા છે. ભારત સરકાર તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લઈ રહી છે અને યુક્રેનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. દરમિયાન કિવમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy) વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો (Citizens) માટે નવી એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. આમાં દરેકને વહેલામાં વહેલી તકેે અસ્થાયી ધોરણે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે.

ભારતીય દૂતાવાસે તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં વધતા તણાવ અને અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીય નાગરિકો, જેમને રહેવાની જરૂર નથી અને તમામ વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે. વ્યવસ્થિત અને સમયસર પ્રસ્થાન માટે ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ્સનો તેઓ લાભ લઈ શકે છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તે ચાર્ટર્ડ ફ્લાઇટ બાબતે જે તે કોન્ટ્રાક્ટર સાથે સતત સંપર્કમાં રહે. સમય રહેતા ત્યાંથી નિકળી જાય. સાથે દૂતાવાસના ફેસબુક, વેબસાઇટ અને ટ્વિટર અપડેટ માટે જોડાયેલા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

આ પહેલાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા હતા. જો કોઈએ પણ યુક્રેનમાં પોતાના પરિવારજનોને લઈને કોઈ મદદ કે જાણકારી જોઈએ તો હેલ્પલાઇ નંબર  011-23012113, 011-23014104 અને 011-23017905 પર કોલ કરી શકે છે. આ સિવાય ટોલ ફ્રી નંબર 1800118797 પર પણ કોલ કરી શકાય છે. 

યુક્રેન પર રશિયન સેના દ્વારા સંભવિત હવાઈ હુમલાના સંકેતો મળ્યા છે. સેટેલાઇટ તસવીરો પરથી આ સંકેત મળ્યા છે. શુક્રવારે સાંજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે રશિયન સેના આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે. રશિયાની સૈન્યનું અઠવાડિયા સુધી લક્ષ્ય યુક્રેનની રાજધાની કિવ હશે. બાઈડને જણાવ્યું કે મને ખબર નથી કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આક્રમણ કરવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. અમેરિકન અનુમાન મુજબ, સરહદો પર રશિયન સૈનિકોની સંખ્યા હવે વધીને 1 લાખ 90 હજાર થઈ ગઈ છે. રશિયા વધુ એક સૈન્ય અભ્યાસ કરવાનું છે જેમાં બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલનું પ્રક્ષેપણ કરવામાં આવશે.

Most Popular

To Top