સુરત : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા દુબઈમાં આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો (IGJS) ની બીજી આવૃત્તિને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીરના હસ્તે પ્રારંભ થયેલા દુબઈમાં ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શોમાં 25 દેશોના બાયરો ઉમટી પડ્યા હતા. પ્લેન ગોલ્ડ જ્વેલરી, લુઝ ડાયમંડ અને અને ગોલ્ડ-ડાયમંડ જ્વેલરીના સારા ઓર્ડર મળ્યાં છે.આવતીકાલે 10 નવેમ્બરે આ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું સમાપન થશે. આ શોનું આયોજન 8મીથી 10મી નવેમ્બર દરમિયાન ઈન્ટર કોન્ટિનેન્ટલ દુબઈ ફેસ્ટિવલ સિટી, દુબઈ ખાતે કરવામાં આવ્યું હતું.
નાણાકીય વર્ષ 2021-22માં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં 14% હિસ્સો યુએઈમાં ભારતનો રહ્યો છે. ભારતીય રત્ન અને ઝવેરાતની નિકાસ માટે UAE મહત્ત્વનું બજાર રહ્યું છે. ભારત-UAE CEPAનો લાભ લેવા માટે બંને દેશોના ઉદ્યોગકારો સક્રિય રહ્યાં છે. ગલ્ફ કો ઓપરેશન કાઉન્સિલના સભ્યો જેમ કે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા સાથે વેપાર સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ બની રહ્યાં છે. કોરોના કાળ પછી પ્રથમવાર આ એક્ઝિબિશન યોજાયું હતું.
UAE માં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું કે, મોટી સંખ્યામાં ટોચના ભારતીય ઉત્પાદકો મોટી સંખ્યામાં આવેલા વૈશ્વિક ખરીદદારોને ભારતમાં નિર્મિત જેમ્સ અને જ્વેલરી ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થામાં જેમ એન્ડ જવેલરીનું મોટું યોગદાન છે .CEPA દુબઈને વિશેષ મહત્વ આપે છે.
જીજેઇપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, “આજે ભારત જ્વેલરી પિરામિડના શિખર પર ઊભું છે અને IGJS શો પ્રોડક્ટ ડિઝાઇનની ઊંડાણ દર્શાવે છે. જેણે આ વૈશ્વિક પ્રેક્ષકોને ચોક્કસ આનંદિત કર્યા હશે. ભારત-UAE CEPA પછી, UAE માં ભારતની એકંદરે રત્ન અને ઝવેરાતની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2022ના સમયગાળા માટે 12.36% વધીને USD 2.9 અબજ થઈ છે. IGJS એ વ્યાપારી સંબંધો બાંધવા અને CEPA દ્વારા પૂરી પાડવામાં આવેલી વેપારની તકોનો લાભ લેવા માટે એક નિર્ણાયક પ્લેટફોર્મ છે. ‘દુબઈ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગ્રૂપના વાઇસ ચેરમેન ચંદુ સિરોયાએ જણાવ્યું હતું કે, દુબઈ એ વિશ્વનું જ્વેલરી ડેસ્ટિનેશન છે. કારણકે અમારી પાસે અહીં યુએઈમાં 195 થી વધુ રાષ્ટ્રીયતાના લોકો રહે છે. અહીંના જ્વેલર્સે સારી રીતે વિશ્વની ડિમાન્ડને સમજે છે. UAE ને જ્વેલરી સપ્લાય કરીને ભારત મહત્વની ભૂમિકા ભજવે છે.’
ભારત હીરાના ઉત્પાદન, રંગીન રત્નો, સોનાના આભૂષણો, લેબ-ગ્રોન ડાયમંડ્સના નવા સૂર્યોદય ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર
GJEPC ના વાઇસ ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં જેમ અને જ્વેલરીની નિકાસના સંદર્ભમાં, ભારત હીરાના ઉત્પાદન, રંગીન રત્નો, સોનાના આભૂષણો, ચાંદીના આભૂષણો… અને લેબ-ગ્રોન ડાયમંડ્સના નવા સૂર્યોદય ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે. IGJS દુબઈ ખાતે વર્ષો જૂની હસ્તકલા તકનીકો સાથે બનેલા સંગ્રહો તેમજ આંતરરાષ્ટ્રીય બજારોને આકર્ષતી નવીનતમ ટેક્નોલોજી વડે બનાવેલી જ્વેલરીનું પ્રદર્શન કરે છે.
“દુબઈમાં ઈન્ડિયા જ્વેલરી એક્સપોઝિશન (IJEX) સેન્ટરનુ 98% કામ પૂર્ણ થઈ જવા સાથે સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે. આ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે દુબઈમાં ભારતીય જ્વેલરીના સ્ત્રોત માટે કાયમી, વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સેવા આપશે. એક્ઝિબિશનમાં નિલેશ કોઠારી (કન્વીનર આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, GJEPC) અને મિલન ચોક્સી (સહ-સંયોજક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, GJEPC) ઉપસ્થિત રહ્યાં હતાં.