વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીનું (Crypto Currency) ચલણ વધી રહ્યું છે. યુરોપીયન દેશોમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપી દેવામાં આવી છે. ટેસ્લા કારના નિર્માતા એલન મસ્ક બિટકોઈનમાં (Bitcoin) પેમેન્ટ લેવાની વાતને જાહેરમાં કહી ચૂક્યા છે, ત્યારે હવે ભારત સરકાર (Indian Government) પણ ડિજીટલ (Digital) એટલે કે ક્રિપ્ટો કરન્સીના વર્લ્ડમાં પગરણ માંડે તેવા સંકેત મળ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી કંઈક એવા સંકેત મળ્યા છે જે સૂચવે છે કે આવતા વર્ષે રિઝર્વ બેન્ક ડિજીટલ કરન્સી લોન્ચ કરી શકે છે. એટલે કે આવતા વર્ષે ભારત પાસે પોતાની ક્રિપ્ટો કરન્સી હશે. તેના માટે RBI દ્વારા એક પ્લાન બનાવવામાં આવી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ના બેન્કિંગ એન્ડ ઈકોનોમિક કોન્કલેવમાં કેન્દ્રીય બેન્કના એક ઉચ્ચ અધિકારીએ આ અંગેના સંકેત આપ્યા છે.
RBI ની પાયલોટ ડિજીટલ કરન્સી વિશે જાણો
RBI ના અધિકારી પી. વાસુદેવ એ એક ન્યૂઝ પેપરને જણાવ્યા મુજબ આવતા વર્ષે પહેલાં ત્રિ માસિકમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ડિજીટલ કરન્સી લોન્ચ કરવામાં આવી શકે છે. આ યોજનાને લઈને RBI ઘણી ઉત્સુક છે. આવતા વર્ષના પહેલાં ક્વાર્ટરમાં RBI સેન્ટ્રલ બેન્ક ડિજીટલ કરન્સી (CBDCs) લોન્ચ કરી શકે છે. આ વર્ચ્યુઅલ (Virtual) કરન્સી હશે. તે એક પ્રકારે ભારતીય રૂપિયાનું વર્ચ્યુઅલ સ્વરૂપ જ હશે. આ અગાઉ RBI ના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં CBDCsના સોફ્ટ લોન્ચની સંભાવના છે. જોકે, તેમણે કોઈ ડેડલાઈન જાહેર કરી નથી.
પીએમ મોદીએ ક્રિપ્ટોકરન્સી વિશે સિડનીમાં નિવેદન કર્યું
દરમિયાન ગુરુવારે પીએમ મોદીએ સિડની ડાયલોગ્સમાં ક્રિપ્ટોકરન્સી અંગે એક નિવેદન કર્યું હતું. મોદીએ વિશ્વને ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ચેતવ્યા હતા. મોદીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી ખોટા હાથોમાં જતી નહીં રહે તેનું ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને યુવાનો આ કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવાનું રહેશે. ખોટા હાથોમાં આ કરન્સી જતી રહે તો વિશ્વને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે તેવી ચિંતા પણ મોદીએ વ્યક્ત કરી હતી. બે દિવસ પહેલાં RBIના ગર્વનર શક્તિકાંત દાસે પણ બિટકોઈનના વપરાશ માટે સાવચેત રહેવા સલાહ આપી હતી. મોદી અને દાસનું નિવેદન એ દર્શાવે છે કે ભારત હજુ ક્રિપ્ટોકરન્સી વિશે ગભરાઈ રહ્યું છે. ડિજીટલ કરન્સીને અવગણી શકાય નહીં પરંતુ તેનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવા બાબતે ભારત સભાન છે. તેથી પોતાની ડિજીટલ કરન્સી લોન્ચ કરવા પહેલાં અનેકગણી ચોક્સાઈ ભારત રાખી રહ્યું છે.