Business

ભારતે નિકાસ બંધ કરી તો ઘઉં વિશ્વભરમાં થયા મોંઘા, ચોખાના ભાવમાં પણ વધારો!

નવી દિલ્હી: ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા (Russia) -યુક્રેન (Ukraine) યુદ્ધ (War) સહિતના અનેક પરિબળોએ વિશ્વની સામે ખાદ્ય કટોકટી ઊભી કરી છે. તમામ દેશો પહેલા તેમની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારતે (India) આ કારણોસર ઘઉં (Wheat) સહિત કેટલીક આવશ્યક ચીજોની નિકાસ પર પણ નિયંત્રણો લાદી દીધા છે. જોકે, ભારતના આ નિર્ણયની વૈશ્વિક બજારમાં વિપરીત અસર જોવા મળી છે. નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી, વૈશ્વિક ઘઉંના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક પહોંચી ગયો છે.

એક વર્ષ પહેલાં કરતાં દોઢ ગણા વધુ
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના જણાવ્યા અનુસાર, યુક્રેન પર રશિયાના હુમલા બાદ બંને દેશોમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. આ દરમિયાન ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણે મે મહિનામાં સતત ચોથા મહિને ઘઉંના ભાવમાં વધારો થયો છે. મે મહિનામાં વૈશ્વિક ઘઉંના ભાવમાં 5.6 ટકાનો વધારો થયો છે અને હાલમાં તે ગયા વર્ષના મે મહિના કરતાં 56.2 ટકા વધુ છે. આ માર્ચ 2008ના રેકોર્ડ સ્તર કરતાં માત્ર 11 ટકા નીચે છે.

આ કારણોસર ઘઉંના વૈશ્વિક ભાવમાં વધારો થઈ રહ્યો છે
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને કહ્યું, ‘યુક્રેનમાં લડાઈને કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. આ સાથે, ઘણા ટોચના નિકાસ કરનારા દેશોમાં ખરાબ હવામાનને કારણે ઉત્પાદનને અસર થવાની પણ સંભાવના છે. આ બધાની વચ્ચે ભારતે નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી. આ પરિબળોને કારણે ઘઉંના ભાવમાં સતત વધારો થયો છે. જો કે, એક સારી વાત એ છે કે મે મહિનામાં બરછટ અનાજના વૈશ્વિક ભાવમાં થોડો ઘટાડો થયો છે. જોકે, મે મહિનામાં 2.1 ટકાની નરમાઈ પછી પણ તેમની કિંમતો એક વર્ષ અગાઉની સરખામણીમાં 18.1 ટકા વધુ છે.

ખાદ્ય ચીજવસ્તુઓમાં સ્થિર, અનાજના ભાવ તંગ
FAOએ જણાવ્યું હતું કે મે મહિનામાં એકંદર પ્રાઇસ ઇન્ડેક્સ એક મહિના પહેલાની સરખામણીમાં 0.6 ટકા ઘટીને 157.4 પોઇન્ટ પર આવી ગયો છે. જો કે, આ એક વર્ષ પહેલા એટલે કે મે 2021 કરતાં માત્ર 22.8 ટકા વધુ છે. બીજી તરફ, અનાજનો પ્રાઇસ ઇન્ડેક્સ એપ્રિલ 2022થી મે મહિનામાં 2.2 ટકા અને મે 2021થી 29.7 ટકા વધીને 173.4 પોઈન્ટ પર પહોંચ્યો છે. આ દર્શાવે છે કે ખાદ્ય ચીજવસ્તુઓના સરેરાશ ભાવમાં ઘટાડો થયો હોવા છતાં લોકોને અનાજના મામલામાં રાહત મળી નથી.

ચોખા પણ મોંઘા, ખાંડ-મકાઈના ભાવમાં ઘટાડો
સંગઠને કહ્યું કે મે 2022માં ચોખાના ભાવ સતત પાંચમા મહિને પણ વધ્યા છે. તેમણે કહ્યું કે લગભગ દરેક મોટા માર્કેટ સેગમેન્ટમાં ક્વોટેશન વધ્યા છે, પરંતુ તે રાહતની વાત છે કે સૌથી વધુ ટ્રેડેડ વેરાયટી ઇન્ડિકાના ભાવમાં સૌથી ઓછો 2.6 ટકાનો વધારો થયો છે, ખાસ કરીને ભારતમાં પૂરતા પુરવઠાને કારણે. બીજી તરફ મકાઈ અને ખાંડના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. યુ.એસ.માં પાકની સ્થિતિમાં સુધારો, આર્જેન્ટિનામાં મોસમી પુરવઠો અને બ્રાઝિલમાં લણણીની સિઝન શરૂ થવાને કારણે મે મહિનામાં મકાઈના ભાવમાં 3 ટકાનો ઘટાડો થયો હતો.

Most Popular

To Top