Sports

બેંગ્લુરુ ટેસ્ટ ત્રીજો દિવસઃ રોહિત કમનસીબ રહ્યો, કોહલીના નામે વધુ એક રેકોર્ડ, ભારતનો સ્કોર 231/3

બેંગ્લુરુઃ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરિઝની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ન્યુઝીલેન્ડની ટીમ 402 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ન્યુઝીલેન્ડે ભારતને 356 રનની લીડ આપી હતી. દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 231 બનાવ્યા હતા. દિવસની છેલ્લી બોલે વિરાટ કોહલી આઉટ થયો હતો. તેણે 70 રન બનાવ્યા હતા. હજુ ભારત હજુ 125 રન પાછળ છે.

આ અગાઉ 356 રનની મોટી લીડ સાથે ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતમાં દબાણમાં જણાઈ હતી. બંને ઓપનરોએ ધીમી પણ મક્કમ બેટિંગ કરી 50થી વધુ રનની ભાગીદારી કરી હતી. ટી બ્રેક બાદ બંને ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્માએ હાથ ખોલ્યા હતા.

ડિફેન્સ કરવા જતા રોહિત બોલ્ડ થયો
જોકે, જયસ્વાલ સિક્સ ફટકારવા જતા સ્ટમ્પિંગ થઈ ગયો હતો. ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી બાદ રોહિત પણ આઉટ થયો હતો.  તે ખૂબ જ કમનસીબ રીતે આઉટ થયો હતો. સ્પિનર ​​એજાઝ પટેલના બોલનો બચાવ કર્યા બાદ ફરતો બોલ તેના સ્ટમ્પ સાથે અથડાયો હતો.

રોહિત શર્મા પણ વિશ્વાસ ન કરી શક્યો કે તેની સાથે શું થયું. પોતાના ભાગ્ય પર અફસોસ વ્યક્ત કરતાં તે ક્રીઝ પર ઊભો રહ્યો હતો. હિટમેને 63 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 95 રન પર બીજો અને સૌથી મોટો ફટકો પડ્યો હતો.

કોહલીએ 9000 રન પૂરા કર્યાં
રોહિતના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ યુવા બેટ્સમેન સરફરાઝ સાથે બાજી સંભાળી હતી અને તાબડતોબ બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ ઝડપી અડધી સદી ફટકારી હતી. આ સાથે જ વિરાટ કોહલીના નામે નવો રેકોર્ડ થયો હતો. કોહલીએ 9000 રન પૂરા કર્યા હતા.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન પૂરા કરી લીધા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 70 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી છે. આ સિવાય વિરાટે સરફરાઝ ખાન સાથે 100 રનની ભાગીદારી પણ કરી હતી.

સરફરાઝની વન ડે સ્ટાઈલમાં ફિફ્ટી
આ સાથે જ યુવાન બેટ્સમેન સરફરાઝ ખાને પણ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી બેંગલુરુ ટેસ્ટ મેચમાં જોરદાર બેટિંગ કરી અને માત્ર 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. સરફરાઝ ખાનની ટેસ્ટ ક્રિકેટમાં આ ચોથી ફિફ્ટી છે. આ દરમિયાન સરફરાઝે વિરાટ કોહલી સાથે અડધી સદીની ઈનિંગની ભાગીદારી પણ કરી હતી.

રચિન રવિન્દ્રએ સદી ફટકારી
આ અગાઉ આજે સવારે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે રમવાનું શરૂ કર્યું ત્યારે તેને શરૂઆતી આંચકાનો સામનો કરવો પડ્યો હતો. ડેરીલ મિશેલને 18 રનના અંગત સ્કોર પર મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો જ્યારે ટોમ બ્લંડેલને જસપ્રિત બુમરાહ 5 રન પર આઉટ કર્યો હતો. ગ્લેન ફિલિપ્સ 14 રને અને મેટ હેનરીને રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કરી મેચમાં ભારતની વાપસી કરાવી હતી.

એક સમય હતો જ્યારે એવું લાગતું હતું કે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને 300ની અંદર આઉટ કરી દેશે પરંતુ એવું થયું નહીં. ભારતીય મૂળના રચિન રવિન્દ્રએ તેના મનપસંદ મેદાન પર શરૂઆતમાં ધીમી બેટિંગ કરી પરંતુ બાદમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેણે 124 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

બીજા છેડે પૂર્વ કેપ્ટન ટિમ સાઉથીએ પણ રચિનને સારો સાથ આપ્યો હતો. ફાસ્ટ બોલર સાઉથીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે લંચ સુધી તેની ઇનિંગ્સમાં 50 બોલનો સામનો કર્યો હતો, જ્યારે 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 49 અણનમ રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ટિમ સાઉથીએ ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો છે.

Most Popular

To Top