Editorial

પાસપોર્ટ રેકિંગમાં ભારતે હજુ આગળ આવવાની જરૂરીયાત

જે તે દેશનો નાગરિક અન્ય દેશમાં ફરવા અને તેની સંસ્કૃતિને જોવા-માણવા માટે અતિઉત્સુક હોય છે પરંતુ ખાટલે મોટી ખોડ વિઝાની છે. જે તે દેશના નાગરિકને અન્ય દેશના વિઝા મળી જાય જ તેવું નથી. અનેક વખત અનેક પ્રવાસીઓને અન્ય દેશના વિઝા મળતા નથી અને તેઓ તે દેશમાં ફરવા માટે જઈ શકતા નથી. આની પાછળ જે તે દેશમાં જઈને વસી જવાની દાનતની સાથે સાથે અન્ય અનેક પરિબળો જવાબદાર છે. આમ તો પહેલેથી જ જે તે દેશમાં જતાં પહેલા વિઝા લેવાના હોય છે. કેટલાક દેશોમાં ઓન એરાઈવલ એટલે કે જે તે દેશમાં ગયા બાદ એરપોર્ટ પરથી તેના વિઝા આપવામાં આવે છે.

જે તે દેશના નાગરિકો દ્વારા અન્ય દેશોમાં જઈને કેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની પરથી જે તે દેશના નાગરિકોને કેટલા દેશોમાં વિઝા વિના પ્રવેશ મળશે તે નક્કી થાય છે. આના આધારે વિશ્વમાં કયા દેશનો પાસપોર્ટ કેટલો પાવરફુલ છે તેનું રેકિંગ નક્કી કરવામાં આવે છે. તાજેતરમાં વિશ્વમાં પાસપોર્ટના રેકિંગ નક્કી કરતી સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા વર્ષ 2023 માટેના પાસપોર્ટ રેકિંગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વમાં સૌથી પાવરફુલ પાસપોર્ટ સિંગાપોરનો બતાવવામાં આવ્યો છે. સિંગાપોરના નાગરિકો વિઝા વિના વિશ્વના 199 પૈકી 192 દેશમાં પ્રવાસ કરી શકે છે.

વર્ષમાં બે વખત રેકિંગ નક્કી કરવામાં આવે છે. પ્રથમ વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં આ રેકિંગનો ઈન્ડેક્ષ જાહેર કરાય છે. હાલમાં જાહેર થયેલા રેકિંગમાં ભારતનો રેન્ક ગત વર્ષની સરખામણીમાં સુધર્યો છે. ગત વર્ષે ભારતનો રેન્ક 87 હતો પરંતુ આ વર્ષે તે 80 થઈ ગયો છે. એટલે કે ભારતના નાગરિકો વિશ્વના 57 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. જ્યારે પાકિસ્તાનનો પાસપોર્ટનો રેન્ક નીચે ઉતરી ગયો છે.

વિશ્વનો ચોથા ક્રમનો સૌથી નબળો પાસપોર્ટ પાકિસ્તાનનો છે. પાકિસ્તાનના નાગરિકો માત્ર 33 જ દેશમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. ભૂતકાળમાં આ રેકિંગમાં જાપાન પ્રથમ ક્રમે હતું. સતત પાંચ વર્ષથી જાપાન પ્રથમ ક્રમે રહ્યું હતું પરંતુ આ વર્ષે જાપાન રેકિંગમાં ત્રીજા સ્થાને સરકી ગયું છે. જ્યારે બીજા સ્થાને જર્મની, ઈટાલી અને સ્પેન છે. આ દેશના નાગરિકો વિશ્વના 190 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. દક્ષિણ કોરીયા, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, લક્સમબર્ગ અને સ્વીડન પણ રેકિંગમાં ત્રીજા સ્થાને છે. જેને વિશ્વની મહાસત્તા તરીકે ઓળખવામાં આવે છે તે અમેરિકાના પાસપોર્ટનો 8મો ક્રમ છે. જ્યારે બ્રિટનનો પાસપોર્ટ 4થા ક્રમે છે.

હાલમાં જાહેર થયેલા રેકિંગમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે, જે દેશોની મહાસત્તાઓ તરીકેની ઓળખ છે તે દેશના પાસપોર્ટ એટલા શક્તિશાળી ગણાતા નથી. અગાઉ એવું કહેવાતું હતું કે બ્રિટનનો પાસપોર્ટ જેની પાસે હોય તે આખા વિશ્વમાં વિઝા વિના ફરી શકે છે. આ સ્થિતિ હવે રહી નથી. જે તે દેશ સાથેના સંબંધોના આધારે જે તે દેશ પોતાને ત્યાં પ્રવાસીઓ વિઝા વિના આવી શકશે તે નક્કી કરવામાં આવે છે. પાસપોર્ટ રેકિંગ કયા દેશના અન્ય દેશો સાથે સંબંધો કેટલા સારા છે તે પણ બતાવે છે. જે તે દેશની આર્થિકથી માંડીને સુરક્ષાની સ્થિતિ પણ વિઝા વિના પ્રવેશ માટેની માન્યતા નક્કી કરે છે.

સિંગાપોરના પાસપોર્ટને હાલમાં ભલે પ્રથમ ક્રમે આપવામાં આવ્યો પરંતુ જે ઈમેજ હાલમાં દુબઈની છે તેવી સ્થિતિ એક સમયે સિંગાપોરની હતી. લોકો સિંગાપોર ફરવા માટે ભારે ઉત્સુક રહેતા હતા. લોકો ખાસ સિંગાપોરમાં ખરીદી માટે જતાં હતા. હાલમાં લોકો દુબઈ ખરીદી માટે જાય છે. આ રેકિંગે એ બતાવી આપ્યું છે કે, પાકિસ્તાનની સ્થિતિ આખા વિશ્વમાં નબળી છે. પાકિસ્તાનની ઈમેજ વિશ્વમાં ખરાબ છે અને એટલે જ તેના પાસપોર્ટને 100મો રેન્ક આપવામાં આવ્યો છે. ભલે પાસપોર્ટ રેકિંગ સામાન્ય બાબત છે પરંતુ તેનાથી જે તે દેશની ઈમેજ નક્કી થતી હોય છે. ભારતે પણ પાસપોર્ટમાં પોતાનો રેન્ક ઉપર આવે તે માટે અન્ય દેશો સાથે સંબંધ સુધારવા પડશે તે નક્કી છે.

Most Popular

To Top