Sports

ગુરુવારે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થનારી મેચમાં શ્રીલંકા સામે વધુ એક મોટો વિજય મેળવવાની ભારતને ખેવના

કોલકાતા : ભારતીય ટીમ (Indian Team) આવતીકાલે અહીં ઇડન ગાર્ડન પર રમાનારી બીજી વન ડેમાં મેદાને (Garden) ઉતરશે ત્યારે પોતાના ટોચના ત્રણ બેટ્સમેનોના શાનદાર ફોર્મથી પ્રોત્સાહિત ટીમ ઇન્ડિયાની નજર સીરિઝ જીતવા પર રહેશે. મંગળવારે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ મેચમાં કોહલીની 73મી ઇન્ટરનેશનલ સદી ઉપરાત રોહિત શર્મા અને શુભમન ગીલની અર્ધસદીઓની મદદથી ભારતે 67 રને જીત મેળવી હતી.

શ્રીલંકા માટે એકમાત્ર પોઝિટિવ બાબત કેપ્ટન શનાકાની સદી હતી. એક તબક્કે 179 રનમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાએ શનાકાના અણનમ 108 રનની મદદથી 306 રન બનાવ્યા હતા. શનાકા આ ફોર્મ ચાલુ રાખવા માંગે છે પરંતુ તેને બીજા છેડેથી પણ સમર્થનની જરૂર પડશે. ટોપ થ્રીમાં ભારતીય બેટ્સમેનો ફુલ ફોર્મમાં છે ત્યારે શ્રીલંકન ટીમ પણ પોતાના કેપ્ટનની નોટઆઉટ શતકીય ઇનિંગમાંથી પ્રેરણા લઇને બીજી વન ડેમાં જીત મેળવીને સીરિઝમાં વાપસી કરવા માગશે.

ઇડન ગાર્ડન રોહિત શર્માનું મનપસંદ મેદાન, અહીં જ શ્રીલંકા સામે બેવડી સદી ફટકારી હતી
ઈજામાંથી પરત ફરેલા ભારતીય સુકાની રોહિત શર્માએ પણ ગુવાહાટીમાં શ્રીલંકન બોલર્સ સામે ફટાફટી બોલાવીને 67 બોલમાં 83 રન ફટકાર્યા હતા. પોતાના ફેવરિટ ઈડન ગાર્ડન્સમાં આવતા પહેલા રોહિતનું ફોર્મમાં પરત આવવું એ ભારતીય ટીમ માટે સારો સંકેત છે. આઠ વર્ષ પહેલા જ્યારે બંને ટીમો અહીં છેલ્લા વન ડે રમી હતી ત્યારે રોહિતે 264 રનની ઇનિંગ રમી હતી. તેણે અહીં જ જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી વન ડે સદી ફટકારી હતી.

ટીમ ઇન્ડિયા માટે હજુ પણ ચિંતાનો વિષય બની રહેલું કેએલ રાહુલનું ફોર્મ
યુવા ઓપનર શુભમન ગિલે પણ 60 બોલમાં 70 રન કરીને તેની પસંદગીની ટીકા કરનારાઓને જવાબ આપ્યો હતો. ટીમમાં ઈશાન કિશનને બદલે તેના સમાવેશ માટે ઘણી ટીકા થઈ હતી, પરંતુ ગિલ તેના કેપ્ટનના વિશ્વાસ પર ખરો રહ્યો. ગયા વર્ષે વનડેમાં શાનદાર દેખાવ કરનાર શ્રેયસ અય્યર ચોથા નંબર પર પણ નિરાશ થયો નથી. ભારતીય બેટિંગમાં ચિંતાનું એક માત્ર કારણ કેએલ રાહુલનું ખરાબ ફોર્મ છે.વિકેટકીપરની ભૂમિકા પણ ભજવી રહેલો રાહુલ સતત નિષ્ફળ રહ્યો છે.

મહંમદ સિરાજ અને ઉમરાન મલિકને કારણે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ રિધમમાં
ગુવાહાટીમાં મહંમદ સિરાજે ઝડપી બોલિંગની કાબેલિયત દર્શાવીને પાંચ ઓવરમાં 15 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તે ઈડનની સપાટ પિચ પર મહંમદ શમી સાથે ભારતીય આક્રમણની આગેવાની કરશે. આ ઉપરાંત સ્પીડ સ્ટાર ઉમરાન મલિકે મિડલ ઓવરોમાં સારી બોલિંગ કરી હતી દાસુન શનાકાએ ભલે સદી ફટકારી હોય પણ જો કે મલિકનું પ્રદર્શન મેચ બાય મેચ સુધરી રહ્યું છે.

Most Popular

To Top