નવી દિલ્હી: કોમનવેલ્થ ગ્રુપના સેક્રેટરી જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડે પીડિત શ્રીલંકાને (Srilanka) ભારતની (India) સહાયતા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે શ્રીલંકાને અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરવામાં મદદ કરવા માટે ભારતની ઉદાર અને બહુપક્ષીય સહાય સુખદ છે. સેક્રેટરી જનરલ સ્કોટલેન્ડે વૈશ્વિક ખાદ્ય સંકટનો સામનો કરવામાં ભારતની મુખ્ય ભૂમિકા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે કોમનવેલ્થ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ સર્વગ્રાહી અભિગમ લાવવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે શ્રીલંકા ભારતની ઉદાર અને બહુપક્ષીય સહાય જોઈને ખુશ છે. તે કોમનવેલ્થની ભાવના અને મૂલ્યો બંનેનું ઉદાહરણ આપે છે.
વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે કે અમે રાષ્ટ્રોનો પરિવાર છીએ અને પરિવારના લોકો જરૂરિયાતના સમયે એકબીજાની મદદ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકતાંત્રિક માધ્યમથી શ્રીલંકાના લોકોને સ્થિરતા અને આર્થિક પુનઃપ્રાપ્તિ માટે મદદ કરી છે. જણાવી દઈએ કે ભારતે આ વર્ષે શ્રીલંકાને આર્થિક સંકટનો સામનો કરવા માટે 3.8 બિલિયન યુએસ ડોલરથી વધુની મદદ કરી છે.
શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનની જરૂર છે
સ્કોટલેન્ડે વધુમાં જણાવ્યું હતું કે શ્રીલંકા જે અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે તેના નેતાઓના સમર્પણ અને દ્રઢતા તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનની જરૂર છે. વૈશ્વિક ખાદ્ય સંકટ પર, સ્કોટલેન્ડે કહ્યું કે સંઘર્ષ, આબોહવા પરિવર્તન અને COVID-19 ની આર્થિક અસરો જેવા ઘણા પરિબળોને કારણે વિશ્વ તેનો સામનો કરી રહ્યું છે.
ખાદ્ય કટોકટી દૂર કરવા માટે બનાવેલ ચાર્ટર
સ્કોટલેન્ડે કહ્યું કે તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ગંભીર સંકટને પહોંચી વળવા માટે સૌથી વધુ જરૂરિયાતવાળા દેશો અને સમુદાયોને તાત્કાલિક વ્યવહારિક અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે હાકલ કરી છે. જૂનમાં કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)માં નેતાઓ ચાર્ટર પર સંમત થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. નેતાઓએ ખાદ્ય સુરક્ષા માટે એક નવો અને વધુ સર્વગ્રાહી અભિગમ લાવવાના જૂથના પ્રયાસોને સમર્થન આપ્યું હતું. સ્કોટલેન્ડે કહ્યું કે આ ચાર્ટર અમને ભારત જેવા દેશો સાથે વધુ ખાદ્યપદાર્થોનું ઉત્પાદન કરવા અને જમીનને વધુ ટકાઉ રીતે સંચાલિત કરવા માટે સક્ષમ બનાવશે. વૈશ્વિક પડકારોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં ભારત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારતની ચાર દિવસીય મુલાકાતે છે
ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડ ચાર દિવસની ભારત મુલાકાતે આવી હતી. અહીં તેમણે ક્લાઈમેટ ચેન્જ, કોરોના રોગચાળા પછી આર્થિક પુનઃપ્રાપ્તિ અને વેપારને વેગ આપવાની રીતો જેવા અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર તેમના ભારતીય વાર્તાલાપકારો સાથે વાતચીત કરી. ભારત અને શ્રીલંકા બંને કોમનવેલ્થના 56 સભ્યોમાં સામેલ છે.