Columns

ભારતે બાંગ્લા દેશની મ્યાનમાર સરહદે પેદા થયેલી કટોકટીનો લાભ લેવો જોઈએ

બાંગ્લા દેશમાં એક તરફ હિન્દુઓ પર અત્યાચારો વધી ગયા છે તો  બીજી તરફ ગંભીર સંકટથી ઘેરાયેલું છે. મ્યાનમારના વિદ્રોહી અરાકાન આર્મીએ બાંગ્લા દેશની ૨૭૦ કિલોમીટરની સરહદ પર અચાનક કબજો કરી લીધો છે. રોકેટ લોન્ચર અને ડ્રોનનો ઉપયોગ કરીને સરહદ ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. અરાકાન આર્મીના હુમલા બાદ બાંગ્લા દેશનાં લોકોમાં ગભરાટ છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ હુમલો ભારતના ગુપ્તચર તંત્રના નિર્દેશ પર કરવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્ય ભેજું ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલનું છે. બાંગ્લા દેશની સ્થિતિ એવી છે કે ત્યાં રાજકીય અને આર્થિક સંકટની સાથે દેશની સરહદો પણ જોખમમાં મૂકાઈ ગઈ છે. હકીકતમાં મ્યાનમારની આતંકવાદી અરાકાન આર્મીએ બાંગ્લા દેશના ટેકનાફ વિસ્તારના કેટલાક ભાગો પર કબજો કરી લીધો છે.

બાંગ્લા દેશ અને મ્યાનમારની સરહદ પર અરાકાન આર્મી અને બાંગ્લા દેશી દળો વચ્ચે સતત ગોળીબાર થઈ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે સરહદ નજીક બાંગ્લા દેશી સેના પણ મેદાન છોડીને ભાગી ગઈ છે. જો કે બાંગ્લા દેશ સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ તેની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. જ્યાં અરકાન આર્મીએ પોતાનું નિયંત્રણ મજબૂત રીતે સ્થાપિત કર્યું છે તે બાંગ્લા દેશનો વિસ્તાર ઊંડાં જંગલો અને પર્વતોથી ઘેરાયેલો છે. અરકાન આર્મી પાસે બાંગ્લા દેશી સેના કરતાં વધુ કુશળતા ધરાવતા લડવૈયાઓ છે.

આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં અરકાન આર્મીનો લાંબા સમય સુધી પ્રતિકાર કરવો બાંગ્લા દેશની સેના માટે શક્ય ન હતું.અરકાન આર્મી મ્યાનમારની સેના સાથે પણ લડી રહી છે. તેની પાસે લગભગ ૩૦ હજાર સૈનિકો અને અદ્યતન શસ્ત્રો છે. જો બાંગ્લા દેશ સાથે ભારતના સંબંધો બહુ ખરાબ ન થયા હોત તો અરકાન આર્મી બાંગ્લા દેશ પર આ રીતે હુમલો કરવાની હિંમત ન કરી હોત. અરાકાન આર્મી જાણે છે કે આજે ભારત અને બાંગ્લા દેશ વચ્ચે જે પ્રકારનાં તણાવ અને પરિસ્થિતિ પેદા થયાં છે તે જોતાં ભારત બાંગ્લા દેશને કોઈ પણ પ્રકારની સૈન્ય સહાય આપી શકે તેમ નથી.

અરાકાન આર્મીની રચના ૨૦૦૯ માં મ્યાનમારમાં બૌદ્ધ રખાઈન સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ ભૂતપૂર્વ વિદ્યાર્થી કાર્યકર્તા ત્વન મુરાત નાઈંગ દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે ઉત્તરી મ્યાનમારમાં કાચિન ઈન્ડિપેન્ડન્સ આર્મી(KIA)પાસે આશરો લીધો હતો.અરકાન આર્મીએ સૌ પ્રથમ તેના સંગઠનના ભાગરૂપે કાચિન પ્રાંતની જેડ ખાણોમાં કામ કરતા માણસોને સામેલ કર્યા હતા. રખાઈનમાં ઘૂસણખોરી કરતાં પહેલાં તેણે શાન રાજ્યમાં KIA અને અન્ય આતંકવાદી જૂથો સાથે મ્યાનમારની સેના સામે લડવાનો અનુભવ મેળવ્યો હતો.

મ્યાનમારની જ્યારે સેનાએ ફેબ્રુઆરી ૨૦૨૧ માં આંગ સુન સૂ કીની સરકારને ઉથલાવી દીધી ત્યારે અરાકાન આર્મીએ તેની નિંદા કરી હતી, પરંતુ તરત જ હથિયાર ઉપાડ્યાં  નહોતાં. આ પછી લગભગ બે વર્ષ સુધી અરાકાન આર્મીએ રાજકીય પાંખ દ્વારા રાજકારણમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું. યુનાઈટેડ લીગ ઓફ અરાકાન (યુએલએ) એ કોરોના રોગચાળા દરમિયાન મ્યાનમારમાં રસીકરણ અભિયાન ચલાવ્યું હતું.

નવેમ્બર ૨૦૨૩ માં અરાકાન આર્મીએથ્રી બ્રધરહુડ એલાયન્સના ભાગરૂપે શાન રાજ્યમાં બળવાખોર જૂથો સાથે મળીને સેના સામે મોટા પાયે આક્રમણ શરૂ કર્યું હતું. થોડા મહિનાઓમાં અરાકાન આર્મીએ રખાઈન અને ચિન રાજ્યમાં મુખ્ય લશ્કરી થાણાંઓ કબજે કરી લીધાં હતાં.મ્યાનમારના રખાઈન રાજ્યનો લગભગ ૮૦ ટકા હિસ્સો અરાકાન આર્મીના કબજામાં છે અને આ વિસ્તાર ભારત માટે વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે. અરાકન આર્મીના સતત હુમલાને કારણે મ્યાનમારની સરકારના મ્યાનમાર અને બાંગ્લા દેશને અલગ કરતાં લગભગ ૨૭૦ કિલોમીટરના સરહદી વિસ્તાર પર નિયંત્રણ ગુમાવ્યું છે.

અગાઉ જાન્યુઆરીમાં તેણે ચીન પ્રાંતના પલેટવા શહેર પર કબજો કર્યો હતો, જે મ્યાનમાર આર્મી માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ભારત અને બાંગ્લા દેશ સરહદની નજીક સ્થિત છે અને આ શહેરમાં કરોડો ડોલરના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે જેને ભારતનું સમર્થન છે.  આ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત અને મ્યાનમારના વિસ્તારો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી સ્થાપિત કરી શકાય તેમ છે.આ સિવાય મ્યાનમારના ચિન પ્રાંત અને ભારતના મિઝોરમ રાજ્ય વચ્ચે ૫૧૦ કિલોમીટરની સરહદ છે. જ્યારે મ્યાનમારના આ વિસ્તારમાં સેના અને વિદ્રોહીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હોય ત્યારે મોટી સંખ્યામાં શરણાર્થીઓ મિઝોરમમાં આશ્રય લે છે. માર્ચ ૨૦૨૨ ના ડેટા અનુસાર મ્યાનમારના ૩૧ હજારથી વધુ શરણાર્થીઓ મિઝોરમમાં રહેતાં હતાં અને તે બધા ચિન પ્રાંતમાંથી આવ્યા હતાં તેથી આ ક્ષેત્રમાં સંઘર્ષ વધવાથી ભારતની ચિંતા પણ વધી રહી છે. જો કે હાલમાં ભારત અરાકન આર્મી સાથે સોદાબાજી કરીને બાંગ્લા દેશ પર દબાણ વધારી શકે તેમ છે.

સોશ્યલ મિડિયા પર પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મ્યાનમારના બળવાખોર જૂથ અરાકાન આર્મીએ બાંગ્લા દેશ સરહદ પર કબજો કરી લીધો છે અને તે બાંગ્લા દેશની અંદર ૨૭૦ કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે.બાંગ્લા દેશ ત્રણ બાજુથી ભારત અને એક બાજુ મ્યાનમારથી ઘેરાયેલું છે. આ શ્રેણી ઉત્તરમાં ભારત અને દક્ષિણમાં બંગાળની ખાડી સાથે ૨૭૦ કિલોમીટર સુધી વિસ્તરે છે. મ્યાનમારનો રખાઈન પ્રાંત બાંગ્લા દેશની સરહદે છે અને તે અરાકાન આર્મીના નિયંત્રણમાં છે. અરાકાન આર્મીએ બાંગ્લા દેશની સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે. અરાકાન આર્મીના નિયંત્રણ હેઠળનો ૨૭૦ કિ.મી. વિસ્તાર સરહદની લંબાઈ છે પણ તે બાંગ્લા દેશની અંદરનો વિસ્તાર નથી. અરાકાન આર્મી બાંગ્લા દેશની અંદર ઘૂસી ગઈ છે તે વાત બરાબર નથી.

અરાકાન આર્મીએ માત્ર મ્યાનમારમાં જ નહીં પરંતુ બાંગ્લા દેશના સરહદી વિસ્તારોમાં પણ પોતાનો પ્રભાવ વધાર્યો છે, જેના કારણે તેનો બાંગ્લા દેશની સેના સાથે સંઘર્ષ થવાની સંભાવના છે. આ સ્થિતિ માત્ર બાંગ્લા દેશ માટે જ નહીં પરંતુ ભારત માટે પણ ચિંતાનો વિષય છે.ભારતે અરાકાન આર્મી સાથે સંપર્ક સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. મ્યાનમારના રખાઈન રાજ્યમાં ભારત દ્વારા નિર્મિત સિત્તવે પોર્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સિત્તવે બંદર એ કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોને બંગાળની ખાડી અને મ્યાનમાર દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડે છે.મ્યાનમારના જુન્ટાએ હજુ સુધી સિત્તવે પોર્ટ પર નિયંત્રણ જાળવી રાખ્યું છે, પરંતુ અરાકાન આર્મીના વધતા પ્રભાવને જોઈને ભારત આ ક્ષેત્રમાં પોતાનાં હિતોની રક્ષા માટે પગલાં લઈ રહ્યું છે.

રાજદ્વારી નિષ્ણાતો માને છે કે બાંગ્લા દેશની વર્તમાન પરિસ્થિતિ અરાકાન આર્મીએ  સમજી લીધી છે અને લાગ જોઈને હથોડો માર્યો છે. બાંગ્લા દેશમાં બળવા પછી હિંદુઓ પર થયેલા અમાનુષી અત્યાચારોએ ભારતને ગુસ્સે કરી દીધું છે. આ કારણે ભારતમાં એક મોટો વર્ગ બાંગ્લા દેશ પર હુમલાની માંગ કરી રહ્યો છે.ભારતે મ્યાનમારની બાંગ્લા દેશ સરહદે પેદા થયેલી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવો જોઈએ, તેમ નિષ્ણાતો માને છે.

જો ભારત તેમાં સફળ થાય તો બાંગ્લા દેશ ભારત પ્રત્યેની દુશ્મનાવટના કારણે ઘણા ટુકડાઓમાં વિભાજિત થઈ શકે છે. જો આમ થશે તો બાંગ્લા દેશમાં કટ્ટર માનસિકતા ધરાવતાં લોકોને ફટકો પડશે.બાંગ્લા દેશની વર્તમાન સરકારની કૃતઘ્નતા અને અરાકાન આર્મીના હુમલાથી ઊભી થયેલી કટોકટીએ ભારત સામે બેવડો પડકાર ઊભો કર્યો છે. એક તરફ ભારતે બાંગ્લા દેશ સાથેના સંબંધોને સંતુલિત કરવા પડશે, તો બીજી તરફ રખાઈન રાજ્યમાં તેના વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સને બચાવવા માટે પગલાં ભરવાં પડશે.
 આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top