Editorial

અમેરિકા કરતાં ભારતે રશિયાને વધુ મહત્વ આપવું જોઇએ

ભારત અને રશિયાની જુગલબંધી ૭ દાયકાથી પણ વધુ જૂની છે. ૧૩ એપ્રિલ, ૧૯૪૭ના રોજ રુસ (તે વખતનું સોવિયત સંઘ) અને ભારતે અધિકારિક રીતે દિલ્હી અને મોસ્કોમાં મિશન સ્થાપવાનું નક્કી કર્યું. ત્યારથી માંડી આજ દિન સુધી દોસ્તીના આ સંબંધો જળવાઈ રહ્યા છે. પાછલા સાત દાયકામાં આંતરરાષ્ટ્ર્રીય દ્રષ્ટિકોણો બદલાઈ ગયાં છે. જે એક સમયે ગાઢ મિત્રો હતા તે દેશો એકબીજાની સામસામે છે. પરંતુ ભારત અને રશિયા વચ્ચે આજે પણ એ જ ઉષ્માભર્યા સંબંધો જળવાઈ રહ્યા છે.

રશિયા ભારતના દરેક મુશ્કેલ સમયમાં ભારતની સાથે ચટ્ટાન બનીને ઊભું રહ્યું છે. એવા અનેક પ્રસંગો આવ્યા છે જ્યારે દુનિયાની ઐસીતૈસી કરી તે ભારતની પડખે રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રુસ ૨૨ જૂન, ૧૯૬૨માં પોતાનો ૧૦૦મો વીટો વાપરી કાશ્મીર મુદ્દે ખુલ્લેઆમ ભારતની તરફેણમાં આવી ગયું હતું. તે વખતે સુરક્ષા પરિષદમાં આયરલેન્ડે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન જેવા સ્થાયી સદસ્ય સહિત આયરલેન્ડ, ચીલી અને વેનેઝૂલેઆ જેવા અસ્થાયી સદસ્યો પણ ભારતની વિરુદ્ધ એ પ્રસ્તાવના સમર્થનમાં ઊભા થઈ ગયા હતા.

આ પ્રસ્તાવ એ કાશ્મીરને ભારતથી અલગ કરી પાકિસ્તાનને સોંપી દેવાનું મોટુ ષડયંત્ર હતું, પરંતુ રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી અને એકલું ભારતના સમર્થનમાં મહાસત્તાઓ સામે ઊભું થઈ ગયું અને પોતાનો વીટો પાવર વાપરી કાશ્મીરને બચાવી લીધું. આ અગાઉ ૧૯૫૭માં પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પ્રસ્તાવ પારિત કરાવવા માગતું હતું ત્યારે પણ રુસે અમેરિકા અને બ્રિટનના દબાણની પરવાહ કર્યા વગર ભારતના પક્ષના વીટોનો ઉપયોગ કર્યો હતો.

ત્યારથી માંડી આજ દિન સુધી કાશ્મીર મુદ્દે રુસ ભારતની પડખે રહ્યું છે. હાલમાં ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દેવાના નિર્ણયને પણ ભારતનો આંતરિક મામલો હોવાનું કહી ભારતનું પરોક્ષ સમર્થન કર્યું હતું. ૧૯૬૧માં રશિયાએ પોતાનો ૯૯મા વીટોનો ઉપયોગ કર્યો હતો અને એ પણ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની મદદ કરવા માટે. તે વખતે ગોવા મુદ્દે રશિયાએ ભારતના સમર્થનમાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.

જો કે, વિતેલા પાંચ વર્ષમાં રશિયાનો ભારત પ્રત્યેનો પ્રેમ થોડે ઘણે અંશે ઓછો થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે અને તેનું સૌથી મોટું કારણ ભારત અને ચીન વચ્ચેની નિકટતાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતાં ત્યારે તેમણે પાકિસ્તાનને બદલે ભારતને વધુ નિકટ બનાવવાનું પસંદ કર્યું હતું. પરંતુ અમેરિકા એવો દેશ છે કે, જ્યાં સુધી તેની ગરજ હોય ત્યાં સુધી તે આવા દેશોની પડખે રહે છે અને જરૂરિયાત પૂર્ણ થઇ જતાં જ તેને કરવટ બદલતાં વાર લાગતી નથી.

તેનું સીધું ઉદાહરણ છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનના તાલિબાનના સાથ થી મોટા બનેલા અલકાયદાએ અમેરિકામાં તેના જ નાગરિકો અને તેના જ વિમાનનો ઉપયોગ કરીને તેના ટ્વિન ટાવર તોડી પાડ્યાં હતાં. આ હુમલાએ અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાની હાલતના ચીંથરે ચીંથરા ઉડાવી દીધા હતા. દુનિયામાં થયેલા આતંકવાદી હુમલાઓમાં આ હુમલાને સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે. આ હુમલા બાદ સમસમી ઉઠેલા અમેરિકાએ અલકાયદાને સબક શિખવવા અફઘાનિસ્તાનમાં એન્ટ્રી કરી અને હવે તેને અટૂલૂં મૂકીને સૈન્ય પાછા બોલાવી લીધા. આ જ કારણ છે કે, હાલમાં ફરી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે.

તેનું બીજુ અને મોટુ ઉદાહરણ છે નોર્ધન એલાયન્સ. અમેરિકા જ્યારે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને હાંકી કાઢવા માંગતું હતું ત્યારે સ્થાનિક કક્ષાએ અને વ્યુહાત્મક રીતે જો કોઇએ તેને સૌથી વધુ સાથ આપ્યો હોય તો તે નોર્ધન એલાયન્સ છે. હવે અફઘાનિસ્તાનમાં તેને નોર્ધન એલાયન્સની જરૂર નથી એટલે તેની મુશ્કેલીમાં સાથ આપવાની વાત તો દૂર તેની મદદ માટે એક શબ્દનું ઉચ્ચારણ પણ અમેરિકા કરતું નથી. તેવી જ હાલત કુર્દ લડાકુંઓની છે. કુર્દ લડાકુંઓએ પણ અફઘાનિસ્તાન પર કબજો કરવામાં અમેરિકાને ખભે ખભા મિલાવીને સાથ આપ્યો પરંતુ જ્યારે તુર્કી અને કુર્દ લોકો સામ સામે થયાં ત્યારે અમેરિકાએ હાથ ઊંચા કરી દીધા.

આ તો વાત અમેરિકાની છે. તેના દેશની પોલીસી બનાવવા માટે તે સ્વતંત્ર છે પરંતુ આપણા દેશની પોલીસી તો આપણે જ નક્કી કરવાની હોય છે. આ વાત પણ સનાતન સત્ય છે કે, અમેરિકા સાથે નજીકના સંબંધ કેળવવામાં રશિયા સાથેના ઘાઢ સંબંધમાં થોડે ઘણે અંશે તિરાડ આવી છે. સંબંધમાં ખટાશ આવી ગઇ છે તેવું તો કહી શકાય તેમ નથી પરંતુ, રશિયાના ભારત પ્રત્યેના પ્રેમમાં થોડી ઓટ તો આવી જ છે. અને કોઇપણ દેશ હોય આવી ખટાશ આવે તે સ્વાભાવિક છે કારણ કે, દુનિયા આખી જાણે છે કે અમેરિકા અને રશિયા વચ્ચે જન્મજાત વેર છે.

જ્યારે રશિયા કોઇ પણ જાતની શરત વગર ભારતની પડખે ઊભું રહેતું હોય ત્યારે ભારત તરફથી પણ તેને એવી અપેક્ષા હોય છે પરંતુ વિતેલા કેટલાંક વર્ષોમાં ભારતને રશિયાને બદલે અમેરિકાને વધારે મહત્વ આપ્યું તે જગજાહેર છે. ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાની જાહેરાત કરી હતી ત્યારે આ ઘાતક સિસ્ટમથી અમેરરિકાને પણ ડર સતાવી રહ્યો હોવાથી પહેલાં તો તેણે ભારતને સમજાવવાની કોશિશ કરી  અને પછી ધમકી આપી છે કે રશિયા પાસેથી ખરીદી કરશો તો આપણા સંબંધો બગડશે. ભારત અને રશિયાએ તેની પરવા વગર ડિલ ચાલુ રાખી છે. રશિયાએ એ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગમે તેનો ગમે એટલો વિરોધ હોય એસ-૪૦૦ની ડિલિવરી શરૂ કરી દેવાશે. જળ, ભૂમિ અને આકાશ ત્રણેય ક્ષેત્રમાં શસ્ત્રો આપવામાં અને ટેનોલોજી વિકસાવવામાં રશિયા હંમેશા ભારત સાથે રહ્યું છે ત્યારે હવે રશિયા અને ભારતના સંબંધની સમીક્ષા કરવાનો ફરી એક વખત સમય આવી ગયો છે.

Most Popular

To Top