ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ વન ડે સિરિઝની છેલ્લી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે રમાઈ રહી છે. આ મેચમાં પહેલાં બેટિંગ કરતા ભારતીય બેટ્સમેનોએ ચેમ્પિયનની જેમ બેટિંગ કરી હતી.
વાઈસ કેપ્ટન શુભમન ગિલે શાનદાર સદી (112) ફટકારી હતી, જ્યારે કોહલીએ લાંબા સમય બાદ અડધી સદી (52) બનાવી હતી. શ્રૈયસ ઐય્યરે પોતાનું ફોર્મ જાળવી રાખતા વધુ એક હાફ સેન્ચુરી (78) ફટકારી હતી. રાહુલે પણ 40 રન બનાવ્યા હતા. આ બેટ્સમેનાના સારા પ્રદર્શનના પગલે સિરિઝની છેલ્લી વન-ડેમાં 356 રન બનાવ્યા હતા. આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને જીતવા માટે 357 રન બનાવવા પડશે.
વન ડે સિરિઝની પહેલી બે મેચની જેમ આજે છેલ્લી અને ત્રીજી મેચમાં પણ વાઈસ કેપ્ટન શુભમન ગિલે પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. પહેલી બે મેચમાં અડધી સદી ફટકારનાર ગિલે આ મેચમાં ક્લાસિક સેન્ચુરી ફટકારી છે. વન ડે કેરિયરની તેની આ સાતમી સદી છે. ગિલ 112 રન બનાવી આઉટ થયો હતો. ગિલને આદિલ રાશિદે બોલ્ડ કર્યો હતો. બીજી તરફ ઐય્યરે પણ પોતાનો ક્લાસ બતાવતા ઝડપી અડધી સદી ફટકારી હતી. તે 78 રન બનાવી આદિલ રાશિદનો જ શિકાર બન્યો હતો.
શુભમન ગિલે ઈતિહાસ રચ્યો
આ મેચમાં ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલે ઇતિહાસ રચ્યો. ગિલે વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2500 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી. ગિલે 31 જાન્યુઆરી 2019ના રોજ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડ સામે પોતાની વનડે ડેબ્યૂ કરી હતી. ભારત માટે પોતાની 50મી ODI મેચ (50મી ઇનિંગ) રમતી વખતે, શુભમન ગિલે આ જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો.

ગિલે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો. હાશિમ આમલાએ તેની 51મી ODI ઇનિંગ્સમાં 2500 રનનો આંકડો પાર કર્યો હતો. ગિલને વનડેમાં 2500 રન પૂરા કરવા માટે 25 રનની જરૂર હતી અને તેણે ગુસ એટકિન્સન દ્વારા ફેંકાયેલી ભારતીય ઇનિંગ્સની 10મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકારીને આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું.
કોહલીએ અડધી સદી ફટકારી
મેચમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ગઈ મેચનો સદી બનાવનાર રોહિત શર્મા બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રોહિત ફાસ્ટ બોલર માર્ક વુડની બોલિંગમાં વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે બે બોલમાં ફક્ત 1 રન બનાવ્યો.

આ પછી શુભમન ગિલ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી અને બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ. કોહલીએ 50 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી છે. તે અંગત 52 રન બનાવી આદિલ રાશીદની બોલ પર કેચ આઉટ થયો હતો. કોહલીએ 55 બોલમાં 52 રન બનાવ્યા હતા. કે.એલ. રાહુલે પણ 40 રન બનાવ્યા હતા. હાર્દિક લાંબુ રમી શક્યો નહોતો. તે રાશીદનો શિકાર બન્યો હતો. અક્ષર પણ જલ્દી આઉટ થઈ ગયો હતો.
ભારતીય ટીમમાં 3 ફેરફાર
આ મેચ માટે ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે સ્પિનર વરુણ ચક્રવર્તી પગની પિંડીના દુઃખાવાના કારણે બહાર છે. કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ઇંગ્લેન્ડે જેમી ઓવરટનની જગ્યાએ ટોમ બેન્ટનને પ્લેઇંગ-11માં સામેલ કર્યો.
ભારત સિરિઝ જીતી ચૂક્યું છે
3 વનડેની સિરિઝ ભારત અગાઉ જ જીતી ચુક્યું છે. ભારતીય ટીમે નાગપુરમાં રમાયેલી શ્રેણીની પહેલી મેચ 4 વિકેટથી જીતી હતી. ત્યારબાદ રોહિત બ્રિગેડે કટક ODI માં પણ બ્રિટિશરો ને 4 વિકેટે હરાવ્યું. ભારતીય કેપ્ટન રોહિત શર્માનો કરિશ્મા કટકમાં જોવા મળ્યો. રોહિત 119 રનની તોફાની ઇનિંગ રમીને ફોર્મમાં પાછો ફર્યો.
