નવી દિલ્હી: (New Delhi) ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લઇ કેન્દ્રીય આરોગ્ય સચિવ (Union Health Secretary) રાજેશ ભૂષણે (Rajesh Bhushan) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખીને કોરોનાવાયરસ રોગચાળાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધોની (Restrictions) ફરીથી સમીક્ષા કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે જે તે રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતાં જણાય તો તેવી સ્થિતિમાં રાજ્યોએ પ્રતિબંધોની સમીક્ષા કરવી જોઈએ. તેમણે કહ્યું કે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં સુધારો કરવો જોઈએ અને જો જરૂર હોય તો તેઓ વધારાના નિયંત્રણો દૂર પણ કરી શકે છે.
આરોગ્ય સચિવે કહ્યું, હાલમાં ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી રાજ્યો પોતાના વિસ્તારની સ્થિતિને જોતા નિર્ણય લઈ શકે છે. જો કે રાજ્યોએ કોરોનાની સ્થિતિ અંગે પણ દેખરેખ ચાલુ રાખવી જોઈએ. જો તેઓ ઇચ્છે તો કોરોનાને રોકવા માટે પાંચ તબક્કાની નીતિ ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોરોના નિયમનો અમલ કરાવી શકે છે. સ્વાસ્થ્ય સચિવે તેમના પત્રમાં કહ્યું છે કે આખા વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. તેથી કોરોનાના સંક્રમણને રોકવા જે નિયમો લાગુ કરવામાં આવ્યા હતા તેમની સમીક્ષા કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે 10 ફેબ્રુઆરી 2022 થી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે. તેમણે કહ્યું કે વર્ષની શરૂઆતના મહિનાઓમાં કોરોનાની ઝડપને જોતા ઘણા રાજ્યોએ એરપોર્ટ અને રાજ્યની સરહદો પર વધારાના નિયંત્રણો લાદ્યા હતા. જો કે, જ્યારે કોરોના રોગચાળા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાપન ચુસ્ત રાખવું જરૂરી છે, ત્યારે એ નક્કી કરવું પણ જરૂરી છે કે લોકોની અવરજવર અને રાજ્યો વચ્ચે આર્થિક પ્રવૃત્તિઓમાં કોઈ અડચણ ન આવે.
શું દેશમાં કોરોનાને એંડેમિક જાહેર કરાશે?
દેશમાં ઓમિક્રોનના સંક્રમણની સ્થિતિ શાંત પડતા શાળાઓ, કોલેજો, ઓફિસો અને દુકાનો પણ પહેલાની જેમ ફરી ખુલી રહી છે. પરંતુ હજી પણ વાયરસ આપણી વચ્ચે જીવંત છે. એવામાં કોરોનાની મહામારી હવે એંડેમિક (સ્થાનિક) ફેઝમાં પહોંચી ગઇ છે તેવી જાણકારી મળી છે. એંડેમિક એ વૈજ્ઞાનિક શબ્દ તરીકે અહીં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આનો અર્થ એ છે કે કોઈપણ રોગચાળો અથવા ચેપ કાયમ માટે સમાપ્ત થવાનો નથી. એટલે કે હવે આપણે તેની સાથે રહેવાનું છે. રોગચાળો સ્થાનિક તબક્કામાં પહોંચવાનો અર્થ એ છે કે તે સંપૂર્ણપણે સમાપ્ત થવાની સંભાવના નથી. પરંતુ રોગચાળાથી વિપરીત આ તબક્કામાં બધા લોકો ચેપનું ઓછું જોખમ ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કેસોની સંખ્યા અને મૃત્યુની સંખ્યાના આધારે તેને પેંડેમિક જાહેર કર્યો. હવે તે વિવિધ દેશો પર નિર્ભર છે કે તેઓ તેમને એંડેમિક અને એપિડેમિક જાહેર કરે.