ભલે અમેરિકા દેવાના ડુંગરમાં હોય, ચીન તેને ગાંઠતું નહીં હોય, પરંતુ આજે પણ અમેરિકા વિસ્વની સૌથી મોટી મહાસત્તા છે. વિશ્વના શક્તિશાળી દેશોમાં અમેરિકાનો પ્રથમ નંબર છે. તાજેતરમાં ગ્લોબલ ફાયરપાવર દ્વારા વર્ષ 2025માં લશ્કરી શક્તિઓ ધરાવતા દેશોનું રેન્કિંગ કરવામાં આવ્યું હતું. આ યાદીમાં કુલ 145 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ટોચના ત્રણ દેશમાં અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યાદીમાં અમેરિકા ટોચ પર છે. જ્યારે રશિયા બીજા ક્રમે છે. ભારત માટે આનંદની વાત એ છે કે તેણે ટોપના 5 દેશમાં સ્થાન મેળવ્યું છે. ચીન ત્રીજા નંબરે છે અને ભારત ચોથા સ્થાને છે. જ્યારે દક્ષિણ કોરીયા પાંચમા સ્થાને છે. ગત વર્ષે પણ પ્રથમ પાંચમાં આ જ દેશો હતા અને તેમાં કોઈ જ ફેરફાર થયો નથી. ભારતમાં મંદીની સાથે સાથે અનેક વિપરીત પરિસ્થિતિઓ આવી હોવા છતાં પણ ભારતનો ચોથો ક્રમ જળવાયેલો રહ્યો છે. તે ભારત માટે મોટી વાત છે.
ગ્લોબલ ફાયર પાવર દ્વારા દર વર્ષે આ રેન્કિંગ આપવામાં આવે છે. આ યાદી તૈયાર કરવા માટે આ સંસ્થા દ્વારા 60થી પણ વધુ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં લશ્કરી એકમોની સંખ્યા, નાણાકીય પરિસ્થિતિ, લોજિસ્ટિક ક્ષમતા અને ભૂગોળ સહિત અન્ય પેરામીટરનો સમાવેશ કરાયો છે. આ પાવર ઈન્ડેક્ષમાં જેનો ઓછો સ્કોર હોય તે દેશની લશ્કરી તાકાતને વધારે માનવામાં આવે છે. જેમાં અમેરિકાનો સ્કોર 0.744 છે. એટલે કે અમેરિકા પ્રથમ સ્થાને છે. જ્યારે રશિયાનો ઈન્ડેક્ષ 0.788 છે. ચીનનો સ્કોર 0.788 છે. ભારતનો સ્કોર 0.1148 છે. જ્યારે દક્ષિણ કોરીયાનો સ્કોર 0.1656 છે. આ યાદીમાં બ્રિટન છઠ્ઠા ક્રમે, ફ્રાન્સ સાતમા ક્રમે, જાપાન આઠમા ક્રમે, તૂર્કી નવમા ક્રમે અને ઈટાલી દસમા ક્રમે છે. જ્યારે જે મોટો ફેરફાર થયો છે તે એ છે કે પાકિસ્તાનનો ક્રમ 12મો આવ્યો છે.
અગાઉ પાકિસ્તાન 9મા ક્રમે હતું. એટલે કે પાકિસ્તાન પ્રથમ દસમાથી ફેંકાઈ ગયું છે. પાકિસ્તાનની આ યાદી પ્રમાણે લશ્કરી તાકાત ઘટી જવા પામી છે. પાકિસ્તાનની સાથે સાથે ઓસ્ટ્રેલિયા અને યુક્રેનની પણ લશ્કરી તાકાતમાં ઘટાડો થયો છે. જ્યારે વેનેઝુએલા, કઝાકિસ્તાન અને જોર્ડનની લશ્કરી તાકાત વધી છે. આ યાદીમાં સૌથી છેલ્લું સ્થાન ભૂટાનનું છે. ભૂટાનનો ક્રમ 145મો છે. લશ્કરી તાકાતના મામલે એશિયન દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરીયા અને જાપાને ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે આફ્રિકન દેશોમાં ઈજિપ્ત 19મા ક્રમે છે. નાઈજીરીયા 31માં ક્રમે છે. ઈઝરાયલ આ યાદીમાં 15મા સ્થાને આવે છે.
જ્યારે ઈરાન તેની બરાબર પાછળ 16મા સ્થાને છે. હાલમાં કેટલાક દેશોની વિસ્તારવાદી નીતિઓને કારણે અન્ય દેશોએ લશ્કરી તાકાતમાં વધારો કરવો પડી રહ્યો છે. ભારતે પણ પડોશમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશને કારણે પોતાની લશ્કરી તાકાત સતત વધાર રહેવું પડે છે. આજ રીતે અમેરિકા ‘જગત જમાદાર’ બનવા માટે પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું છે. રશિયા પણ અમેરિકાની રાહે જ છે. રશિયાએ પણ આખા વિશ્વમાં પોતાનું આધિપત્ય જમાવવા માટે લશ્કરી તાકાતમાં સતત વૃદ્ધિ જરૂરી છે.
ચીન પણ આ બંને સુપર પાવર દેશની પાછળ જ છે. આ આખી યાદીમાં ભારતનું ચોથું સ્થાન અન્ય દેશો માટે લાલબત્તી સમાન છે. ભારતની લશ્કરી તાકાત ભલે અમેરિકા, રશિયા અને ચીન કરતા ઓછી છે પરંતુ સાથે સાથે ભારતની એટલી તો તાકાત છે જ કે જો આ ત્રણેય દેશ ભારત સાથે બાથ ભીડે તો ભારત તેમના દાંત ખાટા જરૂરથી કરી નાખે. દર વર્ષે ભારતનું સંરક્ષણ બજેટ વધતું રહે છે. ભારતની ઈકોનોમી પણ વધતી રહે છે. બની શકે કે ભવિષ્યમાં સુરત આ યાદીમાં પ્રથમ સ્થાને પણ આવી શકે. જોકે, ભારત માટે આ મંઝીલ હજુ ઘણી દૂર છે તે નક્કી છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)