National

IMDનું ઓરેન્જ એલર્ટ: કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ

દિલ્હી: (Delhi) સમગ્ર દેશમાં જે ખુશનુમા વાતાવરણ જૂન એન્ડમાં કે જુલાઈની શરૂઆતમાં જોવા મળે છે તે આ વર્ષે મે મહિનાની શરૂઆત જ જોવા મળી રહ્યું છે. દેશના અનેક ભાગોમાં વરસાદી (Rainy) માહોલ છે. આ માહોલ 4 મે સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલને કારણે ભારે ગરમી માંથી લોકોને છુટકારો મળ્યો છે. કેટલાક સ્થળો પર તો વરસાદને કારણે રીતસરનું ઠંડુ વાતાવરણ (Atmosphere) બની ગયું છે. મે મહિનામાં ઠંડા પાણીથી ન્હાતા લોકોને આ વર્ષે ગરમ પાણીથી ન્હાવાનો વારો આવ્યો છે.

દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, કચ્છ, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર, કેરલ, કર્ણાટક વગેરેમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અને બરફ વર્ષાને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને વાવાઝોડું ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિ દેશના અનેક રાજ્યોમાં 4 મે સુધી રહેશે.

દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં વરસાદના કારણે ફરી એકવાર લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. જોકે ગઈકાલે અનેક જગ્યાએ વાવાઝોડા અને વરસાદે તબાહી સર્જી હતી. બિહારના બેગુસરાયમાં તોફાન વચ્ચે એક વૃક્ષ ધરાશાયી થતાં 2 મહિલાઓના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 મેથી 4 મે દરમિયાન વરસાદને કારણે ઘણા રાજ્યોમાં વાતાવરણ ખુશનુમા રહેશે. હવામાન વિભાગે તામિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં 3 મે સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના જયપુર, ભરતપુર, અજમેર, બિકાનેર અને જોધપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે પવન (40-50 કિમી પ્રતિ કલાક) ની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે. જયપુર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે.

બીજી તરફ દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થઈ રહી છે. શિમલામાં આગામી કેટલાક દિવસો સુધી હિમવર્ષા ચાલુ રહેશે. ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે હિમવર્ષા થઈ શકે છે. મળતી માહિતી મુજબ 3500 મીટરથી વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગ ભોપાલ કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે જબલપુર, મંડલા, ડિંડોરી, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયરમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે વિભાગે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે.

વૈજ્ઞાનિકો પણ દિલ્હી-એનસીઆરમાં તેમજ દેશના અન્ય ભાગોમાં હવામાનના ઘટનાક્રમને સમજી શક્યા નથી. આ વર્ષે જાન્યુઆરીમાં દેશના કેટલાક ભાગોમાં એટલી ઠંડી હતી કે 11 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. જ્યારે માર્ચ એપ્રિલમાં ભારે ગરમી પડી હતી. તો બીજી તરફ છેલ્લા ચાર વર્ષ દરમિયાન માર્ચ મહિનામાં આ વર્ષે જેટલો વરસાદ થયો છે તેટલો જોવા મળ્યો નથી. એપ્રિલમાં ક્યારેક તાપમાન વધી જતું, તો ક્યારેક વરસાદને કારણે થોડી ઠંડી પડતી હતી. મેની શરૂઆત પણ તીવ્ર અને ઠંડા પવનો સાથે થઈ હતી. દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાઓ પર વચ્ચે-વચ્ચે હળવો વરસાદ પણ થઈ રહ્યો છે.

Most Popular

To Top