નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 8.2 ટકા હતી. આ આંકડા ખૂબ પ્રભાવશાળી માનવામાં આવી રહ્યા છે કારણ કે ઘણી પ્રતિષ્ઠિત રેટિંગ એજન્સીઓએ અનુમાન લગાવ્યું હતું કે ચોથા ક્વાર્ટરમાં (Fourth Quarter) ભારતનો વિકાસ દર 6.7 ટકાની આસપાસ રહેશે.
ભારતના ત્રીજા ક્વાર્ટરના વિકાસ દરે વિશ્વભરના આર્થિક નિષ્ણાતોને પણ આશ્ચર્યચકિત કર્યા છે. તે 8.4 ટકાના આશ્ચર્યજનક દરે વૃદ્ધિ પામ્યો હતો જ્યારે નિષ્ણાતોનું માનવું હતું કે તેનો વિકાસ દર 7 ટકાની આસપાસ રહેશે. અર્થશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું કે ભારત માટે ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિની ગતિ ચાલુ રાખવી શક્ય નથી.
નાણાકીય વર્ષ 2023-2024ના ચોથા ક્વાર્ટર (Q4FY24) માટે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ ડેટા શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. જીડીપી દરની જાહેરાત પહેલા ઘણી મોટી નાણાકીય સંસ્થાઓએ માર્ચ ક્વાર્ટરમાં અગાઉના ક્વાર્ટરની તુલનામાં વૃદ્ધિ દર ધીમો રહેવાની આગાહી કરી હતી. નાણાકીય વર્ષ 24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ ભારતનો જીડીપી 7.8 ટકાના દરે વધ્યો હતો. કેન્દ્ર દ્વારા મૂડી ખર્ચ (કેપેક્સ)માં મોટો વધારો અને સતત બે નબળા ત્રિમાસિક ગાળા પછી માંગમાં તેજીથી અર્થતંત્રને ફાયદો થયો હતો.
એપ્રિલમાં આઠ મૂળભૂત ક્ષેત્રોનો વિકાસ દર 6.2% હતો
નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ્સ અને વીજળીના ઉત્પાદનમાં તંદુરસ્ત વિસ્તરણને કારણે એપ્રિલમાં આઠ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વૃદ્ધિ વધીને 6.2 ટકા થઈ હતી. માર્ચમાં આઠ ક્ષેત્રોના ઉત્પાદનમાં 6 ટકાનો વધારો થયો છે. આ મુખ્ય ક્ષેત્રોની વૃદ્ધિ જેમાં કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે જેની વિકાસ એપ્રિલ 2023 માં 4.6 ટકા હતો.