ચીને તેના હોતાન પ્રાંતમાં બે નવી કાઉન્ટિઓની રચના કરી અને તેમાં ભારતના લદાખના કેટલાક પ્રદેશનો પણ સમાવેશ કર્યો તેની સામે ભારતે આજે વિધિવત વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે આ રીતે કાઉન્ટિઓ બનાવવાથી આ પ્રદેશ પરના ચીનના બળપૂર્વકના કબજાને કાયદેસર માન્યતા મળી જતી નથી. ગયા મહિને ચીને હોટન પ્રાંતમાં હેઆન અને હેકાંગ નામની બે નવી કાઉન્ટીઓ બનાવવાની જાહેરાત કરી હતી. આ કાઉન્ટીઓના કેટલાક વિસ્તારો લદ્દાખના ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે આ વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ છે અને ચીનનો દાવો સંપૂર્ણપણે ગેરકાયદે છે. જ્યારે બીજો મામલો બ્રહ્મપુત્રા નદી સાથે સંબંધિત છે. ચીન બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવી રહ્યું છે, જેને લઈને ભારતે વાંધો વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીને પોતાના હોતાન પ્રાંતમાં બે નવી કાઉન્ટિઓની રચનાની જાહેરાત હાલમાં કરી છે. આ કાઉન્ટિઓમાંથી એકમાં મૂળ ભારત પાસે હતો તે લદાખના અકસાઇ ચીન વિસ્તારનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આ અકસાઇ ચીન પર ચીને ક્બજો જમાવી રાખ્યો છે. કાઉન્ટિઓની રચના અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે આ કથિત કાઉન્ટિઓના ભાગો ભારતના સંઘપ્રદેશ લદાખમાં પડે છે અને ચીનના આ પગલાની કોઇ અસર આ પ્રદેશના સાર્વભૌમત્વ પરના ભારતના સતત દાવા પર પડશે નહીં. નવી કાઉન્ટિઓની રચના આ વિસ્તાર પરના ભારતના દાવા પર કોઇ અસર કરશે નહીં અને આ રચનાથી ચીનના ગેરકાયદે અને બળપૂર્વકના કબજાને કાયદેસરતા મળી જતી નથી એમ જયસ્વાલે વધુમાં જણાવ્યુ હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે આ વિસ્તારના ભારતીય પ્રદેશ પર ચીનના ગેરકાયદે અને બળપૂર્વકના કબજાને ક્યારેય સ્વીકાર્યો નથી. તેમણે જણાવ્વું હતું કે અમે ચીન સમક્ષ રાજદ્વારી ચેનલો મારફતે એક વિધિવત વિરોધ નોંધાવ્યો છે.
ઝિન્હુઆ ન્યૂઝ એજન્સી, કે જે ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા છે તેણે આપેલ માહિતી પ્રમાણે હેઆન કાઉન્ટિ અને હેકાંગ કાઉન્ટિની રચના ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી અને સ્ટેટ કાઉન્સિલની મંજૂરી પછી સ્થાપવામાં આવી છે. હેઆનની કાઉન્ટી સીટ (વડુ મથક) હોંગલીયુ ટાઉનશીપ છે જ્યારે હેકાંગની કાઉન્ટિ સીટ શેયિડુલા ટાઉનશીપ છે. આમાંથી નવા રચવામાં આવેલ હેઆન પ્રદેશમાં અકસાઇ ચીન પ્રદેશના એક મોટા વિસ્તારનો સમાવેશ થાય છે જે અકસાઇ ચીન અંગે ભારત દાવો કરે છે કે તે ચીને ગેરકાયદેસર રીતે ભારત પાસેથી લઇ લીધું છે. ચીને યોગાનુયોગે આ જાહેરાત એના કેટલાક દિવસો પછી કરી છે કે જ્યારે બંને દેશોના ખાસ પ્રતિનિધિઓએ લગભગ પાંચ વર્ષ પછી તેમની સરહદી મંત્રણાઓ શરૂ કરી હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ સરહદને લગતી મંત્રણાઓ માટે ગયા મહિને તેમના ચીની સમકક્ષ વાંગ યીને બૈજીંગમાં મળ્યા હતા. બંને દેશો વચ્ચે એપ્રિલ ૨૦૨૦માં મડાગાંઠ સર્જાઇ તે પછી મંત્રણાની પ્રક્રિયા સ્થગિત થઇ ગઇ હતી, જે ચાલુ થયા બાદ બંને દેશો લદાખમાં સરહદી વિસ્તારોમાંથી દળો પાછા ખેંચી લેવા સહમત થયા હતા. અને તે મુજબ તેમણે દળો પાછા ખેંચવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી.