National

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં વિજળી સંકટ: ભારત પાસે બચ્યો છે આટલો સ્ટોક

નવી દિલ્હી: (Delhi) દુનિયાના અન્ય દેશોની સાથે હવે ભારતમાં પણ વિજળી સંકટ (Power crisis) ઉભું થયું છે. ભારતમાં 135 કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાં અડધાથી વધુ એવા છે જ્યાં કોલસાનો (Coal) સ્ટોક ખતમ થવાનો છે. આમાંના ઘણા પાવર પ્લાન્ટ્સ પાસે માત્ર 2-4 દિવસનો સ્ટોક બાકી છે. જો આવું થશે તો દેશના ઘણા ભાગોમાં અંધકાર છવાઈ જશે અને આમાં રાજધાની દિલ્હીનો પણ સમાવેશ થશે. રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગોમાં પણ વીજ કાપ શરૂ થયો છે. કોલસા આધારિત પ્લાન્ટ થર્મલ પાવર પ્લાન્ટની (Thermal power plant) શ્રેણીમાં આવે છે. ભારતમાં 71 ટકા વીજળી થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

શું છે વિજળી સંકટનું કારણ?

કોરોના મહામારીની બીજી લહેર નબળી પડતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં વીજળીની માંગ ઝડપથી વધી છે. માંગમાં વધારો થવાનું એક કારણ ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધારો પણ છે. 2019 ની સરખામણીમાં આ વર્ષના ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કોલસાનો વપરાશ પણ લગભગ 18 ટકા વધ્યો છે. સમગ્ર વિશ્વમાં માંગ વધતાં વૈશ્વિક કોલસાની કિંમતોમાં 40 ટકાનો વધારો થયો છે, જે ભારતની કોલસાની આયાતને બે વર્ષના નીચલા સ્તર પર લાવે છે. ઇન્ડોનેશિયાથી આવતા કોલસાની કિંમત લગભગ 60 ડોલર પ્રતિ ટનથી વધીને 200 ડોલર પ્રતિ ટન થઈ છે. ભારત તેની કોલસાની 30 ટકા માંગ દેશની બહારથી પૂરી કરે છે. વૈશ્વિક સ્તરે કોલસાના ભાવમાં થયેલા વધારાનું પરિણામ એ આવ્યું કે દેશની અંદર કોલ ઇન્ડિયાએ પણ કોલસાના ભાવમાં વધારો કર્યો.

વિજળી બચાવો, જવાબદાર નાગરિક બનો

વીજળીના ઉત્પાદનમાં રુકાવટ આવવાથી વીજળીની સપ્લાઈમાં ઘટાડો થઈ શકે છે, જે વપરાશકર્તાઓને પાવર કટના સ્વરુપે ભોગવવો પડશે. તેવામાં ટાટા પાવરે પોતાના ગ્રાહકોને વીજળીને સાચવીને વાપરવાની વીનંતી કરી છે જેથી વીજળી 24 કલાક સુધી ચાલૂ રહે. શનિવારે મોકલવામાં આવેલા SMSમાં લખ્યું છે કે પૂરા ઉત્તર ભારતમાં કોલસાનો સિમિત સ્ટોક બચ્યો છે તો બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી વીજળીના સપ્લાઈમાં મુશ્કેલી આવી શકે છે. કૃપા કરીને સંભાળીને વીજળી વાપરો. જવાબદાર નાગરીક બનો. અસુવિધા માટે માફી.

ચીનના પૂર્વોત્તર વિસ્તારોમાં શરૂ થયેલી વીજ કટોકટી હવે વધી રહી છે. પરિસ્થિતિ એટલી હદે પહોંચી ગઈ છે કે ઘણા કારખાના, મોલ, દુકાનો બંધ કરવી પડી છે. ઉત્પાદન અટકી જવાને કારણે આવશ્યક ચીજવસ્તુઓની અછત પણ છે. એપલ, ટેસ્લા જેવી મોટી કંપનીઓને પણ વીજળીની અછતને કારણે પોતાનું ઉત્પાદન કાપવું પડ્યું છે. કોલસાની અછતને પહોંચી વળવા માટે ચીન હવે વિદેશમાંથી ઝડપથી આયાત કરવા આગ્રહ કરી રહ્યું છે. ચીન અને ભારત બાદ હવે પશ્ચિમ એશિયન દેશ લેબેનોનમાં પણ વીજળીની કટોકટી ગંભીર બની છે. લેબનોને બળતણની અછતને કારણે કેટલાક દિવસો સુધી વીજળી કાપવાની જાહેરાત કરી છે. લેબેનોનના બે સૌથી મોટા પાવર સ્ટેશનએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે આખું લેબેનોન અંધકારમાં ડૂબી ગયું છે. રાજકીય અસ્થિરતા અને સંઘર્ષે લેબેનોનમાં વીજળીની કટોકટી વધારી છે.

Most Popular

To Top