National

ઇંધણના ભાવ નવી ઉંચાઈએ: 7 રાજ્યોમાં પેટ્રોલ 100 રુપિયા વટાવી ગયો

નવી દિલ્હી: (Delhi) દેશમાં સોમવારે ફરી પેટ્રોલ-ડીઝલના (Petrol Diesel) ભાવમાં વધારા સાથે હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ (price rise) પ્રતિ લિટર 100 રૂપિયાને વટાવી ગયો હતો. રાજ્યની માલિકીની ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રાઈસ નોટિફિકેશન મુજબ, દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 29 પૈસા અને ડીઝલમાં 30 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા છ અઠવાડિયામાં 24 વખત વધારો કરવામાં આવતા ઇંધણના ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.41 રૂપિયા પ્રતિ લિટરની સર્વાધિક સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે ડીઝલની કિંમત હવે પ્રતિ લિટર 87.28 રૂપિયા થઈ ગયો છે. વેટ અને સ્થાનિક કરના આધારે જુદા જુદા રાજ્યોમાં ઇંધણના ભાવો બદલાય છે. જેના કારણે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો – રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની સપાટીને વટાવી ગયો છે.

આ મહિનાની શરૂઆતમાં તેલંગણાના કેટલાંક જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું હતું. તેમજ રાજ્યની રાજધાની હૈદરાબાદમાં સોમવારે પેટ્રોલની કિંમત લિટર દીઠ 100.20 રૂપિયા અને ડીઝલની કિંમત 95.14 રૂપિયા થઈ ગઈ છે. હૈદરાબાદ દેશમાં બીજું મેટ્રો શહેર બન્યું છે જ્યાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ 100 રૂપિયાને પાર કરી ગયો છે. મુંબઈ 29 મેના રોજ 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવને પાર કરનાર દેશનું પ્રથમ મેટ્રો શહેર હતું. મુંબઈમાં હાલમાં પેટ્રોલની કિંમત 102.58 રૂપિયા અને ડીઝલ 94.70 રૂપિયા છે.

રાજસ્થાનના શ્રી ગંગાનગર જીલ્લામાં દેશનું સૌથી મોંઘું પેટ્રોલ 107.53 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. જ્યારે ડીઝલ 100.37 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. તેમજ આ શહેરમાં પ્રીમિયમ અથવા એડિટિવ લેસ્ડ પેટ્રોલ 110.81 અને ગ્રેડ ડીઝલ 104.03 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. દેશમાં 4 મેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલ આ 24મો વધારો છે. આ સાથે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 6.01 રૂપિયા અને ડીઝલના ભાવમાં 6.55 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

Most Popular

To Top