નવી દિલ્હી : ભારતમાં (India) વર્ષાંતે યોજાનારા વન ડે વર્લ્ડકપમાં (One day worldcup) રમવા માટે પાકિસ્તાનની (Pakistan) ટીમ ભારત (India) આવશે તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. આઈસીસીના પ્રમુખ ગ્રેગ બાર્કલે અને સીઈઓ જ્યોફ એલાર્ડિસે બુધવારે પાકિસ્તાનની મુલાકાત લઇને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પાસેથી તેમની ભાગીદારી અંગે ખાતરી માગી હતી, પરંતુ હવે સમાચાર એવા આવ્યા છે કે પાકિસ્તાન સરકારની પરવાનગી પર વાત અટકી પડી છે.
આ વર્ષે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વન ડે વર્લ્ડકપ યોજાવાનો છે. બીસીસીઆઈએ એશિયા કપ માટે પાકિસ્તાનમાં રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ નિર્ણય બાદથી પાકિસ્તાન એક યા બીજી રીતે ભારતમાં આવીને વર્લ્ડકપમાં ન રમવાની બહાનાબાજી કરી રહ્યું છે. બાર્કલે અને એલાર્ડિસ પીસીબી ચીફ નજમ સેઠીને મળ્યા અને ભારતમાં ટુર્નામેન્ટ રમવા અંગે તેમનો અભિપ્રાય માગીને તેમને હાઇબ્રિડ યોજનાનો આગ્રહ ન રાખવા વિનંતી કરી હતી. સેઠી પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે પાકિસ્તાન સરકારને પોતાની ટીમના ભારતમાં રમવા માટે વાંધો હોઈ શકે છે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની ટીમને ભારત જવાની મંજૂરી નહીં મળે એવું કહેવામાં આવી રહ્યું છે.