નવી દિલ્હી : ભારતથી (India) પાકિસ્તાન (Pakistan) ગયેલી અંજુનો મામલો ચર્ચામાં છે. હાલ તે ભારત ફરી નથી ત્યારે આ વચ્ચે નસરુલ્લાનો એક વીડિયો (Video) વાઈરલ થયો છે. જેમાં તે ખુલાસો કરે છે કે અંજુ ઉર્ફે ફાતિમાના વીઝા (VISA) એક વર્ષ માટે એક્સટેન્ડ કરી દેવામાં આવ્યાં છે. એટલે કે હવે પાકિસ્તાનમાં અંજુ એક વર્ષ સુધી રહી શકે છે.
નસરુલ્લાએ પાકિસ્તાની મીડિયા સમક્ષ આ વાતનો ખુલાસો આપ્યો હતો કે પાકિસ્તાનની સરકાર તેમજ અધિકારીઓ તેને સહયોગ આપી રહ્યાં છે. આ સાથે અંજુ ભારત પરત કેમ પરત ન ફરી તે સવાલનો જવાબ આપતા નસરુલ્લાએ કહ્યું ભારત પરત ફરવામાં અંજુને ખતરો છે. તેની ફેમિલીને ટોર્ચર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારત પરત ફરવાનો નિર્ણય અંજુનો છે. અમારા તરફથી તેનાં પર કોઈ દબાણ નથી. આ સાથે નસરુલ્લાએ તેમના નિકાહની અટકળો પર પણ ખુલાસો આપ્યો છે અને કહ્યું કે હા અમે નિકાહ કરી લીધા છે.
નસરુલ્લાએ અંજુને પાકિસ્તાની નાગરિકતા મળવાના સમાચારો પર પોતાનું મૌન તોડ્યું હતું. અને આ અંગે ખુલાસો આપતા નસરુલ્લાએ કહ્યું કે અંજુને પાકિસ્તાની નાગરિકતા અપાવવા માટે ભૂતકાળમાં તે ઈસ્લામાબાદ ગયો હતો. પરંતુ હવે બંને ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં પરત ફર્યા છે. નાગરિકતાના સમાચારને યોગ્ય ઠેરવતા નસરુલ્લાએ પહેલીવાર કહ્યું છે કે તે અંજુને નાગરિકતા અપાવવા માટે ઈસ્લામાબાદ ગયો હતો.
આ સાથે નસરુલ્લાએ કહ્યું કે પતિ અરવિંદે શુક્રવારે ભીવાડીના ફૂલબાગ પોલીસ સ્ટેશનમાં અંજુ અને નસરુલ્લા વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ અંગે સવાલ પૂછવા પર નસરુલ્લાએ કહ્યું કે આનાથી શું થયું? નસરુલ્લાએ કહ્યું કે જો કેસ થયો છે તો થવા દો હું કોઈ વાતથી ડરતો નથી. અંજુના ભારત આવવા અંગે નસરુલ્લાએ કહ્યું છે કે જો તમે અંજુને સુરક્ષા નહીં આપો તો સ્વાભાવિક છે કે તે ભારત નહીં જાય.
અંજુ શરૂઆતથી જ કહી રહી છે કે તે ટૂંક સમયમાં ભારત પરત ફરશે. પરંતુ હવે નસરુલ્લાના શબ્દોથી સ્પષ્ટ છે કે જો અંજુને સુરક્ષા નહીં મળે તો તે ભારત પરત નહીં ફરે. બીજી તરફ અંજુના પતિ અરવિંદે અંજુ અને નસરુલ્લા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે અંજુ વિરુદ્ધ લગ્ન કરીને છેતરપિંડી અને પરિણીત હોવા છતાં તેને પાકિસ્તાનથી વોટ્સએપ કોલ પર ધમકી આપવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.