આખરે પાકિસ્તાનની (Pakistan) સાન ઠેકાણે આવી ખરી. આમ તો જ્યારથી ભારત અને પાકિસ્તાન આઝાદ થયા ત્યારથી પાકિસ્તાને ભારતને (Bharat) દુશ્મન માની લીધું છે. ત્રણ ત્રણ વખત યુદ્ધ કરીને પાકિસ્તાન ભારત સામે હારી ચૂક્યું છે. આટલી હાર બાદ પણ પાકિસ્તાનના અભરખા પુરા થયા નહોતાં. ભારત સામે સીધી રીતે બાથ ભીડી નહી શક્યું તો પાકિસ્તાન ચીનની સોડમાં ભરાઈ ગયું. ચીન સાથે મળીને સિલ્ક રૂટ તૈયાર કરવા માટે આયોજનો કર્યાં. ચીને (China) પાકિસ્તાનનો પુરેપુરો ઉપયોગ કર્યો અને ચીનથી પીઓકેમાં રસ્તો પણ બનાવી દીધો. જોકે, છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં બદલાયેલી સ્થિતિને પગલે પાકિસ્તાનને પણ સમજણ આવવી શરૂ થઈ છે. અમેરિકામાં (America) ટ્રમ્પની વિદાય અને બાઈડન યુગની શરૂઆત સાથે પાકિસ્તાન સાથે ચીનનું વલણ બદલાયું અને પાકિસ્તાનને લાગ્યું કે હવે ભારત સાથે ફરી દોસ્તી (Friendship) કરી લેવામાં જ મજા છે.
પાકિસ્તાને બે વર્ષ પહેલા વેપારના મામલે ભારત સાથે છેડો ફાડી નાખ્યો હતો. ભારત સરકારે જમ્મુ એન્ડ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હટાવીને બે ભાગ કરી દઈને 370ની કલમ નાબુદ કરી દેતા પાકિસ્તાનને ગુસ્સો આવી ગયો હતો. પાકિસ્તાને ભારત સરકારના આ નિર્ણયના વિરોધમાં ભારત સાથેના વેપાર પર પ્રતિબંધ મુકી દીધો. આ પ્રતિબંધને કારણે ભારતને ખાસ નુકસાન થયું નથી પરંતુ પાકિસ્તાન માટે મુશ્કેલ સ્થિતિ થઈ ગઈ હતી.
ભારતમાંથી મોટાભાગે કપાસ, યાર્ન, વ્હાઈટ સુગરની સાથે અન્ય વસ્તુઓની પાકિસ્તાનમાં નિકાસ થતી હતી. જેને કારણે પાકિસ્તાનને આ વસ્તુઓની ખોટ પડવા લાગી. બે વર્ષ સુધી તકલીફ ભોગવ્યા બાદ હવે પાકિસ્તાનને સમજ પડી ગઈ કે ચીન સાથે દોસ્તી કરવાથી સરવાળે નુકસાન જ છે. આ કારણે જ પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવાની દિશામાં કદમ માંડ્યા હતાં. પાકિસ્તાને ભારત વિરૂદ્ધ બખાળા કાઢવાના બંધ કરી દીધા. ઉપરથી એવું કહેવાની શરૂઆત કરી દીધી કે બંને દેશ સાથે મળીને ચાલશે તો પ્રગતિ કરી શકશે. છેલ્લા કેટલાક સમયથી સરહદ પર પણ યુદ્ધવિરામ પાકિસ્તાન દ્વારા કરી દેવામાં આવ્યો છે.
ભારતે એક સાચા પડોશીની જેમ પાકિસ્તાનની આ પહેલને આવકારી છે. ભારત પહેલેથી જ કહેતું આવ્યું છે કે જો પાકિસ્તાન ભારત સાથે સમજીને ચાલશે તો તેનો લાભ તેને મોટો થશે જ. બે વર્ષ સુધી તકલીફો ભોગવ્યા બાદ હવે પાકિસ્તાને ફરી ભારત સાથે વેપાર પરના પ્રતિબંધને ઉઠાવી લીધો છે. આ પ્રતિબંધ ઉઠાવી લેતાં પાકિસ્તાનના જ વેપારીઓ ભારે ખુશ થઈ ગયા છે. પ્રતિબંધને કારણે પાકિસ્તાનમાં આવશ્યક દવાઓની પણ મોટી ખોટ પડી ગઈ હતી. કોરોનાની મહામારીમાં ઉપરથી આ પ્રતિબંધને કારણે પાકિસ્તાનમાં તબીબી સારવારમાં મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ હતી. જેને કારણે ગત વર્ષે મે માસમાં પાકિસ્તાન દ્વારા આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા માટે ભારતમાંથી દવા અને કાચામાલની આયાત કરવાની મંજૂરી આપી જ દીધી હતી. હવે પાકિસ્તાનની ઈકોનોમિક કોઓર્ડિનેશન કાઉન્સિલે ભારતમાંથી કપાસ,યાર્ન અને ખાંડની આયાત કરવા માટે મંજૂરી આપી દીધી છે.
પાકિસ્તાનના નાણાંપ્રધાન અઝહરે કહ્યું હતું કે ભારતમાંથી 0.5 મિલિયન ટન સફેદ ખાંડની આયાત કરવામાં આવશે. આ આયાત ખાનગી સેકટર કરી શકશે. આ ઉપરાંત જૂન માસથી ભારતમાંથી કપાસની પણ પાકિસ્તાન આયાત કરી શકશે. અઝહરે એમને એમ આ જાહેરાત કરી નથી. હકીકત એ છે કે આ વખતે પાકિસ્તાનમાં કપાસનું ઓછું ઉત્પાદન થયું છે. જેને કારણે પાકિસ્તાનના કાપડ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેથી કપાસની આયાત કરવી તે તેના માટે મજબુરી બની ગઈ છે. પાકિસ્તાનમાં કપાસની 12 મિલિયન ગાંસડીના અંદાજ સામે ફક્ત 7.7 મિલિયન ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે.
પાકિસ્તાનને આ જે સમજણ આવી છે તે લાંબો સમય સુધી ટકી રહે તે જરૂરી છે. આઝાદી પછીના સતત કટ્ટરવાદને કારણે સરવાળે પાકિસ્તાનને જ મોટું નુકસાન થવા પામ્યું છે. પ્રગતિની બાબતમાં ભારત પાકિસ્તાન કરતાં અનેકગણું આગળ વધી ગયું છે. જોકે, કૂતરાની પુંછડી વાંકી તેવી કહેવત છે, જે હજુ સુધી પાકિસ્તાનના કેસમાં લાગુ પડી જ છે પરંતુ હવે પાકિસ્તાન આ કહેવતને ખોટી પાડે છે કે ફરી સાચી પાડે છે તે જોવું રહ્યું!