Sports

શ્રીલંકાએ એશિયા કપની યજમાનીમાં રસ દાખવતા પાકિસ્તાને ત્યાં વન-ડે શ્રેણી રમવાથી ઈન્કાર કર્યો

કરાચી: શ્રીલંકન બોર્ડે આખા એશિયા કપની (Asia Cup) યજમાની કરવામાં રસ દાખવતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) (PCB) શ્રીલંકાથી (Srilanka) નારાજ છે અને તેણે શ્રીલંકામાં વન-ડે મેચોની દ્વિપક્ષીય શ્રેણી રમવાની દરખાસ્ત નામંજૂર કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું નજમ સેઠી દ્વારા હાઈબ્રીડ મોડેલની દરખાસ્ત કરાઈ હતી જે મુજબ 4 મેચ પાકિસ્તાનમાં આયોજિત કરવામાં આવે તેની જગ્યાએ શ્રીલંકા ક્રિકેટે (એસએલસી) આખો એશિયા કપ આયોજિત કરવાની દરખાસ્ત કરતા બંને દેશના બોર્ડ વચ્ચેના સંબધોમાં ખટાશ આવી છે.

  • પીસીબીએ શરૂમાં કહ્યું હતું કે તે આ દરખાસ્ત પર વિચાર કરશે પણ હવે તેણે દરખાસ્ત નામંજૂર કરી
  • શ્રીલંકા ક્રિકેટે આખો એશિયા કપ આયોજિત કરવાની દરખાસ્ત કરતા બંને દેશના બોર્ડ વચ્ચેના સંબધોમાં ખટાશ આવી

સૂત્રોએ કહ્યું હતું કે ‘બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે ખટાશ આવવાનો એક દાખલો છે કે પીસીબીએ શ્રીલંકામાં આવતા મહિને વન-ડે મેચોની શ્રેણી રમવાથી ઈન્કાર કર્યો હતો.’ પાકિસ્તાનને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના આગામી રાઉન્ડ હેઠળ આ વર્ષે જુલાઈમાં 2 ટેસ્ટ મેચ રમવા માટે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે. દેખીતી રીતે શ્રીલંકાએ આ સાથે જ વન-ડે શ્રેણી રમવાની દરખાસ્ત પણ પીસીબી સામે મૂકી હતી.

સૂત્રોએ પુષ્ટી કરી હતી કે પીસીબીએ શરૂમાં કહ્યું હતું કે તે આ દરખાસ્ત પર વિચાર કરશે પણ હવે તેણે દરખાસ્ત નામંજૂર કરી છે. પીસીબીએ ભારતીય મીડિયાના અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે બીસીસીઆઈ અને જય શાહે સેઠીની હાઇબ્રિડ મોડલ દરખાસ્તને નકારી કાઢી હતી અને એશિયા કપ શ્રીલંકામાં યોજવા માગે છે. પણ સૂત્રોનું કહેવું છે કે જો ભારતીય બોર્ડ એશિયા કપ પર પોતાની સ્થિતિ નહીં બદલે તો પીસીબી હવે એશિયા કપ અને વર્લ્ડ કપને લઈને કેટલાક મજબૂત નિર્ણયો લેવાની તૈયારી કરી રહ્યું છે.

Most Popular

To Top