દુબઇ: ભારતીય ટીમના (Indian Team) માજી કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) રવિવારે એશિયા કપમાં પાકિસ્તાન (pakistan) સામેની મેચમાં અર્ધસદી ફટકારી હતી, જે એશિયા કપમાં તેની સતત બીજી અર્ધસદી રહી હતી, તેની સાથે જ વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક અર્ધસદી કરનારો બેટ્સમેન બન્યો હતો. કોહલીની આજની અર્ધસદી ટી-20 ઇન્ટરનેશનલમાં તેની 32મી અર્ધસદી રહી હતી. બીજા ક્રમે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 31 સદી સાથે બીજા ક્રમે છે. કોહલીએ આજે 36 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે પોતાની અર્ધસદી પુરી કરી હતી અને તે 44 બોલમાં 60 રન કરીને આઉટ થયો હતો.
રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચમાં ટી-20માં સર્વાધિક રન કરવાનો રચ્યો ઇતિહાસ
દુબઇ, તા. 04 : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે અહીં પાકિસ્તાન સામેની સુપર ફોરની મેચ દરમિયાન ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારો બેટર બનવાનો ઈતિહાસ રચ્યો હતો.પાકિસ્તાન સામે એશિયા કપ 2022ના સુપર 4ની બીજી મેચમાં રોહિતે 12 રન બનાવતાની સાથે ટી-20 ઇન્ટરનેશનલમાં પુરૂષ અને મહિલા ક્રિકેટરો મળીને સૌથી વધુ રન બનાવવાનો આ રેકોર્ડ બનાવ્યો હતો.
પાકિસ્તાન સામેની મેચ પહેલા 3520 રન સાથે પુરૂષોની યાદીમાં રોહિત શર્મા ટોચ પર હતો, પરંતુ મહિલા ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડની બેટર સુઝી બેટ્સના નામે આ મેચ પહેલા તેના કરતા વધુ રન હતા. સુઝીના નામે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 3531 રન હતા. પરંતુ હવે રોહિત પાકિસ્તાન સામે સુપર 4 મેચમાં 12 રન બનાવ્યા બાદ સુઝી બેટ્સને હરાવીને ટી20 ઇન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે.
રોહિત મેચમાં 28 રન બનાવીને આઉટ થયો હતો.તેણે 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. રોહિતના હવે ટી-20 ઇન્ટરનેશનલમાં 3548 રન છે. તે હવે ટી-20માં સૌથી વધુ રન બનાવનાર (મહિલા અને પુરૂષો)ની યાદીમાં પ્રથમ ક્રમે છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે રોહિત 165 છગ્ગા સાથે બીજા ક્રમે છે. પહેલા ક્રમે 171 છગ્ગા સાથે ન્યૂઝીલેન્ડનો ઓપનર માર્ટિન ગપ્તિલ છે.