Sports

અંતિમ ઓવર સુધી ગયેલી રોમાંચક મેચમાં ભારત સામે પાકિસ્તાનનો 5 વિકેટે વિજય

દુબઇ : એશિયા કપની આજે અહીં રમાયેલી સુપર ફોરની (Super Four) મેચમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે અપાવેલી આક્રમક શરૂઆત અને વિરાટ કોહલીની અર્ધસદીની મદદથી ભારતીય ટીમે (Indian Team) નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવીને મૂકેલા 182 રનના લક્ષ્યાંકને પાકિસ્તાને મહંમદ રિઝવાનની 71 રનની ઇનિંગની મદદથી રોમાંચક તબક્કે અંતિમ ઓવરના પાંચમા બોલે 5 વિકેટે આંબી લઇને મેચ 5 વિકેટે જીતી હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને બાબર આઝમ અને મહંમદ રિઝવાને સારી શરૂઆત અપાવી હતી પણ બાબર ફરી એકવાર 14 રન કરીને આઉટ થયો હતો. રિઝવાન અને ફખરે તે પછી 41 રનની ભાગીદારી કરી હતી, ફખર 15 રન કરીને આઉટ થયો હતો. રિઝવાન અને મહંમદ નવાઝે 73 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. નવાઝ 20 બોલમાં 42 રન કરીને આઉટ થયો હતો. રિઝવાન 51 બોલમાં 71 રન કરીને આઉટ થયો હતો અને તે પછી ખુર્શદીલ શાહ અને આસિફ અલીએ મળીને 33 રનની ભાગીદારી કરીને સ્કોર 180 સુધી લઇ આવ્યા હતા અને અંતિમ ઓવરના પાંચમા બોલે 2 રન કરીને પાકિસ્તાને મેચ 5 વિકેટે જીતી લીધી હતી.

આ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને રાહુલે આક્રમક શરૂઆત અપાવી હતી અને આ બંનેએ પાવરપ્લેમાં જ 50 રનની ભાગીદારી કરી હતી. પાવરપ્લેની છઠ્ઠી ઓવરના પહેલા બોલે રોહિત શર્મા અંગત 20 બોલમાં 28 રન કરીને આઉટ થયો હતો અને તેની થોડીવાર પચી રાહુલ પણ 28 રન કરીને આઉટ થતાં ભારતીય ટીમે 62 રનમાં બે વિકેટ ગુમાવી હતી. તે પછી વિરાટ કોહલી એક છેડે જળવાયેલો રહ્યો હતો અને સામે છેડેથી તેના જોડીદારો બદલાતા રહ્યા હતા, જેમાં સૂર્યકુમાર યાદવ 13, ઋષભ પંત 14, હાર્દિક પંડ્યા શૂન્ય રને આઉટ થતાં ભારતનો સ્કોર 14.4 ઓવરમાં 5 વિકેટે 131 રન થયો હતો. દીપક હુડા પણ 16 રન કરીને આઉટ થયો હતો અને તે પછી કોહલી છેલ્લી ઓવરના ચોથા બોલે 60 રન કરીને આઉટ થયો હતો. તે પછીના બે બોલે રવિ બિશ્નોઇએ બે ચોગ્ગા મારતા ભારતનો સ્કોર 181 પર પહોંચ્યો હતો.

Most Popular

To Top