નવી દિલ્હી: પાકિસ્તાનનું (Pakistan)પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ જળ વિવાદ (Indus Water Treaty) પર વાતચીત માટે આવતા અઠવાડિયે ભારતની (India) મુલાકાતે આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે પાકિસ્તાનના સિંધુ જળ કમિશનર સૈયદ મોહમ્મદ મેહર અલી શાહે કહ્યું કે, સિંધુ જળ સંધિ પર મંત્રણા નવી દિલ્હીમાં (New Delhi) 30-31 મેના રોજ થશે. તેમજ આ પ્રતિનિધિમંડળ વાઘા બોર્ડર પરથી જશે.
પાકલ દળ, લોઅર કાલનાઈ ડેમની મુલાકાત નહીં
સિંધુ જળ કમિશનર શાહે કહ્યું કે પૂરની આગાહીના ડેટા શેર કરવા પર વાતચીત થશે અને PCIW (પાકિસ્તાનના સિંધુ નદી માટેના કમિશનર) ના વાર્ષિક અહેવાલ પર પણ ચર્ચા કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ નિર્માણાધીન પાકલ દળ અને લોઅર કાલનાઈ ડેમની મુલાકાત લેશે નહીં, પરંતુ તેના વિશે અને અન્ય પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સંધિ છે
સિંધુ જળ સંધિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીના પાણીના વિતરણ માટેની સંધિ છે. વિશ્વ બેંક (અગાઉની ‘ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ’) આ સંધિમાં મધ્યસ્થી કરી હતી. આ સંધિ પર કરાચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેને સિંધુ જળ સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પાકિસ્તાન અને ભારતમાં વાર્ષિક બેઠક યોજાય છે
ભારત અને પાકિસ્તાને માર્ચમાં સિંધુ જળ સંધિને તેની સાચી ભાવનામાં લાગુ કરવાની તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. બંને દેશોએ આશા વ્યક્ત કરી હતી કે કાયમી સિંધુ કમિશનની આગામી બેઠક ભારતમાં વહેલી તકે યોજાશે. સિંધુ જળ સંધિની સંબંધિત જોગવાઈઓ હેઠળ, પાકિસ્તાન અને ભારતમાં દર વર્ષે એકાંતરે બેઠક યોજાય છે. સિંધુ નદીનો વિસ્તાર લગભગ 11.2 લાખ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ વિસ્તાર પાકિસ્તાન (47 ટકા), ભારત (39 ટકા), ચીન (8 ટકા) અને અફઘાનિસ્તાનમાં (6 ટકા) છે. સિંધુ નદીની આસપાસના વિસ્તારોમાં લગભગ 300 મિલિયન લોકો વસે છે. વિભાજન દરમિયાન સિંધુ નદીની ખીણ અને તેની નહેરો પણ વિભાજિત કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાન તેના પાણીના હિસ્સા માટે સંપૂર્ણપણે ભારત પર નિર્ભર હતું.