નવી દિલ્હી: એશિયા કપ (Asia Cup) અને વર્લ્ડ કપને (World cup) લઈને પાકિસ્તાનનો (Pakistan) ડ્રામા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. એશિયા કપ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ મુજબ નક્કી કરવામાં આવી હોવા છતાં પાકિસ્તાન હંગામો કરી રહ્યું છે. પાકિસ્તાનના રમતગમત મંત્રી અહેસાન મજારીએ કહ્યું હતું કે તેઓ ફરીથી ભારતને (India) આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન ન આવવાનો વિરોધ કરશે અને જો ટીમ ઈન્ડિયા અહીં નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ માટે તટસ્થ જગ્યાએ તેની મેચની માંગ કરશે. આ વચ્ચે IPL ચેરમેન અરુણ ધૂમલનું મોટું નિવેદન આવ્યું છે. તેણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ધૂમલે કહ્યું છે કે ગમે તે થાય ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
ધૂમલ હાલમાં ICC ચીફ એક્ઝિક્યુટિવ્સની મીટિંગ (CEC) માટે ડરબનમાં છે. તેમણે પુષ્ટિ કરી કે BCCI સેક્રેટરી જય શાહ અને PCB પ્રતિનિધિ ચીફ ઝકા અશરફ ગુરુવારની ICC બોર્ડની બેઠક પહેલા શેડ્યૂલને અંતિમ રૂપ આપવા માટે મળ્યા હતા. ધૂમલે કહ્યું BCCI સેક્રેટરી PCB ચીફ ઝકા અશરફને મળ્યા અને એશિયા કપનું શેડ્યૂલ ફાઈનલ થઈ ગયું. તેમણે કહ્યું લીગ રાઉન્ડમાં પાકિસ્તાનની ચાર મેચો હશે જ્યારે શ્રીલંકામાં નવ મેચ રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બંને મેચનો સમાવેશ થાય છે. જો બંને ટીમો ફાઈનલ રમશે તો ત્રીજી મેચ પણ શ્રીલંકામાં રમાશે.
પાકિસ્તાની મીડિયા તરફથી આવતા અહેવાલોને ફગાવી દઈ ધૂમલે કહ્યું એવી કોઈ ચર્ચા થઈ નથી જેમાં ભારત પાકિસ્તાનો પ્રવાસ કરશે. તેમણે કહ્યું તમામ સંભાવનાઓ વચ્ચે ભારત 2010ની જેમ જ શ્રીલંકાના દામ્બુલામાં પાકિસ્તાન સામે રમશે. ઘરઆંગણે પાકિસ્તાનની એકમાત્ર મેચ નેપાળ સામે હશે. ત્યાં રમાનારી અન્ય ત્રણ મેચો અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા અને શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન હોઈ શકે છે.
એશિયા કપ 31 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે જ્યારે એશિયા કપની ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. તે જ સમયે અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી ODI વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારત પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ સાથે જ પાકિસ્તાને નેધરલેન્ડ અને શ્રીલંકા સામે પ્રથમ બે મેચ રમવાની છે.
જાણો શું છે મામલો
ગયા વર્ષથી એશિયા કપના સ્થળને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે તટસ્થ સ્થળે ટુર્નામેન્ટ યોજવાની જાહેરાત કર્યા બાદ PCBનું નાટક ચાલુ છે. પીસીબીના ભૂતપૂર્વ વડા રમીઝ રાજાએ પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટ ન યોજવા સામે વિરોધ દર્શાવ્યો હતો અને વર્લ્ડ કપ માટે ભારત નહીં આવવાની ધમકી આપી હતી. ત્યારબાદ નજમ સેઠી પીસીબીના વચગાળાના અધ્યક્ષ બન્યા. તેણે પણ આવી જ ધમકી આપી હતી. જો કે પાછળથી ઘણી બેઠકો પછી,ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલ પર આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેમાં ચાર મેચ પાકિસ્તાનમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે સુપર-ફોર અને ફાઈનલ સહિત અન્ય તમામ મેચો શ્રીલંકામાં યોજાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.