National

કેરળમાં, ચંડીગઢ અને આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન, દેશમાં 38 કેસ નોંધાયા

નવી દિલ્હી: (New Delhi) દુનિયાની સાથે સાથે કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આ પ્રકાર દેશના આઠ રાજ્યોમાં (State) ફેલાઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. રાજ્યમાં 19 લોકોમાં આ ચેપની પુષ્ટિ થઈ છે. જે બાદ રાજસ્થાનમાં (Rajasthan) નવ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. રવિવારે ઓમિક્રોનના વધુ 6 દર્દીઓ મળી આવ્યા હતા. આ દર્દીઓ ચંદીગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર (Maharashtra) અને કેરળમાં જોવા મળ્યા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ આઠ રાજ્યોમાં 38 લોકો ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર બન્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 18 કેસ મળ્યા છે. તો રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિએન્ટના 9 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 3, કર્ણાટકમાં 3 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિએન્ટના બે કેસ સામે આવ્યા છે. ચંડીગઢ અને આંધ્ર પ્રદેશમાં એક-એક દર્દી મળ્યા છે. એક કેસ કેરળમાં મળી આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ હતુ કે દુનિયાભરના 59 દેશોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ઘણા દેશોમાં તે ઝડપથી ફેલાય રહ્યો છે. ભારત સરકાર ઓમિક્રોન વેરિએન્ટને લઈને ખુબ ગંભીર જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર લોકોને માસ્ક પહેરવા અને ખાસ સાવધાની રાખવા માટે એલર્ટ કરી રહી છે. 

આજે કર્ણાટકમાં ઓમિક્રોનના ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોન પોઝિટિવ મળી આવેલ આ 34 વર્ષીય વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. જ્યારે, આંધ્ર પ્રદેશ અને ચંદીગઢમાં પણ ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યા છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ.કે.સુધાકરે કહ્યું કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા 5 પ્રાથમિક અને 15 સેકન્ડરી સંપર્કોને શોધી કાઢવામાં આવ્યા છે. તેમના સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. સંક્રમિત વ્યક્તિને આઇસોલેશન કરીને તેને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ચંદીગઢમાં 20 વર્ષીય યુવકનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, આ યુવક 22 નવેમ્બરે ઈટાલીથી પરત આવ્યો હતો અને 1 ડિસેમ્બરે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને ફાઈઝરની વેક્સિનના બંને ડોઝ મળ્યા છે. ચંદીગઢના આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે આજે ફરી યુવકનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

Most Popular

To Top