નવી દિલ્હી: કોરોનાનો (Corona) ખતરો હજુ ટળ્યો નથી, ત્યારે કોરોના નવા સ્વરૂપો હજી પણ સામે આવી રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં (India) કોરોનાના (Corona) કેસમાં ઘટાડો થયો છે. પરંતુ આ દરમિયાન કોરોનાના નવા પ્રકારે (New Variant) ભારતમાં એન્ટ્રી કરી છે. હૈદરાબાદમાં (Hyderabad) BA.4 ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આ માહિતી ભારતીય દર્દીઓમાં કોવિડના નવા પ્રકારોની ઓળખ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોના (Scientists) ડેટામાંથી મળી છે. કોવિડ-સંક્રમિત દર્દીના સેમ્પલ કે જેમાં BA4 ઓમિક્રોન વેરિયન્ટ મળી આવ્યો છે તે 9 મેના રોજ લેવામાં આવ્યો હતો. જાન્યુઆરીથી યુએસ અને યુરોપમાં ઓમિક્રોનના કેટલાક પ્રકારો સામે આવ્યા છે. ભારતમાં આ પહેલીવાર BA4 વેરિઅન્ટનો કેસ નોંધવામાં આવ્યો છે.
ભારતમાં કોવિડ રોગચાળાના કુલ કેસોની સંખ્યા વધીને 4,31,31,822 થઈ ગઈ છે જેમાં એક દિવસમાં વધુ 2,259 કોરોના કેસો નોંધાયા છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 15,044 થઈ ગઈ છે. આ મામલાઓની વચ્ચે ભારતમાં કોરોનાનું નવું વેરિયન્ટ આવવાની વાત ચાલી રહી છે.
BA4 અને BA5ને ‘ચિંતાના પ્રકારો’ તરીકે જાહેર કર્યા
12 મેના રોજ ચેપી રોગોની દેખરેખ માટેની યુરોપીયન એજન્સીએ BA4 અને BA5 ઓમિક્રોન વેરિયન્ટ્સને ‘ચિંતાનાં પ્રકારો’ તરીકે જાહેર કર્યા છે. ECDPC એ માન્યતા આપી છે કે આ પ્રકારો ગંભીર અસરો અને દેશમાં રોગચાળાની સ્થિતિ પર અસર કરી શકે છે. BA4 અને BA5 ઓમિક્રોન વેરિયન્ટ સૌપ્રથમ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યા હતા. ત્યાર બાદ આ બે પ્રકારોને કારણે દક્ષિણ આફ્રિકા, અમેરિકા, યુકે અને જર્મની-ડેનમાર્ક જેવા યુરોપિયન દેશોમાં કોરોનાની નવી લહેર આવી હતી.
BA2નું સ્થાન લેશે આ નવો વેરિયન્ટ
BA4 અને BA5 બંને વેરિયન્ટ ઓમિક્રોનના મૂળ સંસ્કરણથી સંપૂર્ણપણે અલગ છે. તેથી આ નવા વેરિયન્ટ્સ અગાઉના ચેપથી સર્જાયેલી પ્રતિરક્ષાને ટાળવાની ક્ષમતા ધરાવે છે. આ નવા વેરિયન્ટ્સ BA4 અને BA5એ ઓમિક્રોનના BA2 વેરિયન્ટને બદલ્યું છે, જે અગાઉ ઘણા દેશોમાં ફેલાઈ રહ્યું હતું. હાલમાં BA2 વેરિયન્ટ ભારતના કેટલાક રાજ્યોમાં સક્રિય છે.