Sports

એક પણ બોલ ફેંકાયા વિના ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી T-20 મેચ વરસાદના લીધે રદ

વેલિંગ્ટન: ભારત અને ન્યુઝીલેન્ડ (IndiaNewzealand) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ્દ થઈ ગઈ છે. વરસાદના (Rain) કારણે ટોસ પણ શક્ય બન્યો નહોતો. આ સિરીઝની આગામી T20 મેચ રવિવારે માઉન્ટ મૌંગાનુઇ ખાતે રમાશે. ભારતે હવે આ પ્રવાસમાં વધુ બે T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં T20 વર્લ્ડ કપમાંથી સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ બંને ટીમો આ શ્રેણીમાં નવી શરૂઆત કરવા માટે વિચારશે.

વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડને રનર્સ અપ પાકિસ્તાને પરાજય આપ્યો હતો. નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં, અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારતીય T20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે જ્યારે વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત વાઈસ કેપ્ટન છે.

રોહિત ઉપરાંત અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને ઓપનર લોકેશ રાહુલને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમન ગિલ, ઉમરાન મલિક, ઈશાન કિશન અને સંજુ સેમસનને ટીમમાં તક આપવામાં આવી છે. T20 વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત સમગ્ર કોચિંગ સ્ટાફને પણ આરામ આપવામાં આવ્યો છે. નેશનલ ક્રિકેટ એકેડમીના વડા અને ભૂતપૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણને આ પ્રવાસ માટે ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

2024ના વર્લ્ડ કપની તૈયારીમાં ટીમ ઈન્ડિયા
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે ટી20 વર્લ્ડ કપ 2022માં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા આગામી વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દીધી છે. બે વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના ઘણા મોટા નામ T20 ટીમમાંથી બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં હવે ટીમ મેનેજમેન્ટ હવેથી જ આગામી વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાનો પ્રયાસ કરશે. અને તે પહેલા ભારતમાં આવતા વર્ષે જ ODI વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. તે સંદર્ભમાં પણ ટીમ ઈન્ડિયા તેની તૈયારીને વધુ નક્કર બનાવવા ઈચ્છશે.

વરસાદના લીધે મેચ રદ્દ થતાં ખેલાડીઓ ફૂટબોલ રમ્યા
ભારતીય ક્રિકેટ ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. બંને ટીમો વચ્ચેની મેચ વેલિંગ્ટનમાં રમાવાની હતી પરંતુ સતત વરસાદને કારણે ટોસ સમયસર થઈ શક્યો નહોતો. જેના કારણે બંને ટીમના ખેલાડીઓ વરસાદ રોકવાની રાહ જોવા લાગ્યા હતા. જોકે, રાહ વધુ લાંબી થતી જોઈને ખેલાડીઓએ ક્રિકેટ છોડીને ફૂટબોલ રમીને પોતાનું મનોરંજન કરવાનું નક્કી કર્યું. આ ફૂટબોલ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ બંને કેમ્પના ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં ખેલાડીઓ ઈન્ડોર ફૂટબોલની મજા માણી રહ્યાં છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટા હોલમાં ભારત અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ છે. હોલની વચ્ચે ખુરશી મૂકીને એક લાઈન બનાવવામાં આવી છે, જેમાં એક તરફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને બીજી તરફ કિવી ખેલાડીઓ છે.

Most Popular

To Top