નવી દિલ્હી : ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે (India) કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં 10 ખેલાડીઓ (Players) સાથે રમી રહેલા નેપાળને 4-0થી હરાવીને સાફ અંડર-17 ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. ભારત તરફથી બોબી સિંઘ, કોરો સિંહ, કેપ્ટન વનલાલપેકા ગિટે અને અમાને એક-એક ગોલ કર્યો હતો. લીગ તબક્કામાં ભારતને 3-1થી હરાવનાર નેપાળ ફાઇનલમાં કોઇ ગોલ કરી શક્યું નહોતું.
ફાઇનલમાં ભારતીય ટીમ શરૂઆતથી જ પ્રભુત્વ જમાવવા ઉત્સુક હતી બોબીએ 18મી મિનિટે હેડરથી ગોલ કરીને ભારતને શરૂઆતમાં જ સરસાઇ અપાવી હતી. બોબીના ગોલમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુઇટેના પાસ પર કોરો સિંહે 12 મિનિટ પછી ગોલ કર્યો હતો. તે પછી નેપાળ ગોલ કરવા માટે આતુર બન્યું હતું અને તેનું પરિણામ એ આવ્યું કે તેના કેપ્ટન પ્રશાંત લક્ષ્મણે 39મી મિનિટમાં ડેની લશરામને કોણી મારતા તેને રેડ કાર્ડ બતાવાયું હતું. હાફ ટાઈમ પછી 63મી મિનિટે ગુઈટે ભારતનો ત્રીજો ગોલ કર્યો, જ્યારે અમાને ઈન્જરી ટાઈમમાં ચોથો ગોલ કરીને ભારતની મોટી જીત સુનિશ્ચિત કરી હતી.
ડેવિસ કપ ફાઇનલ્સ : સ્પેને સર્બિયાને 3-0થી હરાવ્યું
વેલેન્સિયા: યુએસ ઓપન ચેમ્પિયન કાર્લોસ અલ્કારેઝ વિના પણ ડેવિસ કપ ફાઇનલ્સ ટેનિસ મેચમાં સર્બિયા સામે 3-0થી જીત મેળવીને સ્પેન ડેવિસ કપ ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાના ગ્રુપમાં ટોચના સ્થાને રહ્યું હતું. વિશ્વનો નંબર વન અલ્કારેઝ એક દિવસ પહેલા અહીં પહોંચ્યો હતો અને પ્રથમ રાઉન્ડમાં રમ્યો નહોતો.
આલ્બર્ટ રામોસ વિનોલાસે લાસ્લો સેરેને 2-6, 7-6, 7-5થી હરાવ્યો જ્યારે રોબર્ટો બૌટિસ્ટા અગુટે મિઓમીર કેકમાનોવિક કોરને 7-6, 7-6થી હરાવી સ્પેનને શાનદાર શરૂઆત અપાવી હતી. માર્સેલ ગ્રાનોલર્સ અને પેડ્રો માર્ટિનેઝે ત્યારબાદ ડબલ્સમાં નિકોલા કાસિચ અને ડુસાન લાજોવિકને 6-7, 6-2, 6-2થી હરાવ્યા હતા. સર્બિયા નોવાક જોકોવિચ વિના આ મેચ રમવા ઉતર્યું હતું. બોલોગ્નામાં ઇટાલીએ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું. ક્રોએશિયા ગયા વર્ષે ફાઇનલમાં રશિયા સામે હારી ગયું હતું. યુક્રેન પર હુમલો કરવાને કારણે રશિયાને આ વખતે પોતાના ખિતાબની રક્ષા કરવાની તક મળી નથી.
ડેવિસ કપ ગ્રુપ ડીમાં અમેરિકાએ બ્રિટનને 2-1થી હરાવ્યું
ગ્લાસગો, તા. 15 : અહીં રમાયેલી ડેવિસ કપ ગ્રુપ ડીની મેચ દરમિયાન ડેવિસ કપમાં એન્ડી મરેની વાપસી નિરાશાજનક રહી હતી. આ મેચમાં અમેરિકાએ બ્રિટનને 2-1થી હરાવ્યું હતું. ટોમી પોલે ડેન ઇવાન્સને 6-4, 4-6, 6-4થી હરાવી અમેરિકાને પ્રારંભિક લીડ અપાવી હતી પરંતુ કેમેરોન નોરીએ પ્રથમ સેટ ગુમાવ્યા બાદ શાનદાર પુનરાગમન કરીને ટેલર ફ્રિટ્ઝને 2-6, 7-6, 7-5થી હરાવ્યો હતો. મરે 2016 પછી તેની બીજી ડેવિસ કપ મેચ રમ્યો અને ડબલ્સમાં જો સેલિસ્બરી સાથે જોડી બનાવી, પરંતુ જેક સોક અને રાજીવ રામની જોડીએ તેમને 5–7, 6–4, 7–5થી પરાજય આપ્યો હતો.
ડેવિસ કપ ગ્રુપ સીમાં જર્મનીએ 84 વર્ષ પછી ફ્રાન્સે હરાવ્યું
હેમ્બર્ગ, તા. 15 : અહીં રમાયેલી ડેવિસ કપ ગ્રુપ સીની મેચમાં, જર્મનીએ 1938 પછી અર્થાત 84 વર્ષ પછી ફ્રાન્સ સામે તેની પ્રથમ જીત નોંધાવી હતી. આ મેચમાં જેન લેનાર્ડ સ્ટ્રફે બેન્જામિન બોન્ઝીને 6-4, 2-6, 7-5થી હરાવ્યો હતો પરંતુ એડ્રિયન મન્નારિનોએ ઓસ્કાર ઓટ્ટે સામે 6-4, 6-3થી જીત મેળવી મેચને બરાબરી પર મૂકી હતી. કેવિન ક્રેવિટ્ઝ અને ટિમ પુટ્ઝની જોડીએ ડબલ્સમાં નિકોલસ માહુત અને આર્થર રિન્ડરકનેક્ટની જોડીને 6-2, 3-6, 7-6થી હરાવી જર્મનીને જીત અપાવી હતી.