Business

ચીનની ઘરઆંગણે શસ્ત્રોના ઉત્પાદનની કવાયતથી ભારતે સતર્ક થવું અતિજરૂરી

છેલ્લા દાયકાઓમાં જો કોઈએ પોતાની વિસ્તારવાદી નીતિને પુરો અંજામ આપ્યો હોય તો તે ચીન છે. આખી દુનિયાના જમાદાર બનવા નીકળેલા ચીને પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશને કંગાળ બનાવી દીધા છે. જે દેશ તેના તાબે થતો નથી, ચીન તે દેશની સરહદોમાં ઘૂસીને તેની જગ્યા હડપ કરવાની કોઈ જ તક છોડતું નથી. ચીને નેપાળને પોતાના હાથમાં લઈ લીધું તો ભૂટાનને પણ ગમે ત્યારે ગળી જાય તેમ છે. ભારતમાં પણ પોતાના ધંધાને વિકસાવવા માટે ચીન ક્યારેક ડોકલામ તો ક્યારેય સરહદ પર છમકલા કરતું જ રહે છે.

ભલે સત્તાવાર રીતે ઈન્કાર કરવામાં આવતો હોય પરંતુ ચીન દ્વારા ભારતની લાખો ચો.કિ.મી. જગ્યા દબાવી દેવામાં આવી જ છે અને તે હકીકત છે. ચીનમાં થોડા સમય પહેલા મંદીનો માહોલ હતો. પરંતુ પોતાના દેશનો વિસ્તાર કરવા માટેના આયોજનો ચીન કરતું જ રહે છે. તાજેતરમાં ચીન દ્વારા પોતાના સંરક્ષણ બજેટમાં મોટો વધારો કરવામાં આવ્યો. ચીને પોતાનું સંરક્ષણ બજેટ 7.2 ટકા વધારીને તેને 232 બિલિયન યુએસ ડોલરનું કર્યું છે. જે ભારતના સંરક્ષણ બજેટની સરખામણીમાં ત્રણ ગણું છે. ભારતે આના પરથી સતર્ક થવાની સાથે સાથે ચીનની મેલી મથરાવટીથી પણ વાકેફ થવાની જરૂરીયાત છે.

ચીન એક એવો દેશ છે કે જે ક્યારેય સુધરે તેમ નથી.  ચીનને અમેરિકાથી આગળ નીકળવું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખૂદ કહી રહ્યા છે કે, 2050 સુધીમાં તેઓ ચીનને વિશ્વની સૌથી શક્તિશાળી સેના બનાવશે. ચીન આ માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવા માટે મહેનત કરી રહ્યો છે. ચીન એવું કરવા માંગે છે કે હથિયારો દેશમાં જ તૈયાર થાય કે જેથી અન્ય દેશ પાસેથી ખરીદવા પડે નહીં અને પોતે નવીન ટેકનોલોજીના હથિયારો બનાવી શકે. ચીન હાલમાં પોતાના દેશમાં હથિયારો, વિમાનો, યુદ્ધ જહાજો, મિસાઈલો, પરમાણું હથિયાર દેશમાં જ બનાવી રહ્યું છે.

ચીનનો અમેરિકા, તાઈવાન અને જાપાન સાથે સતત તણાવ વધી રહ્યો હોવાથી તે પોતાનું સંરક્ષણ બજેટ વધારીને હથિયારોમાં વધારો કરતું જ રહે છે. ચીન પોતાના સૈન્યમાં ઉચ્ચ તકનિકથી માંડીને નવા શસ્ત્રો બનાવી રહ્યું છે. ચીન આ રીતે પોતાની ત્રણેય પાંખની સેનાઓને મજબૂત કરી રહ્યું છે. એરક્રાફ્ટ કેરિયર્સ અને પરમાણું હથિયારો પણ વધારી રહ્યું છે. હથિયારોના મામલે સંશોધન અને ડિઝાઈનનું કામ પણ ચીન જાતે જ કરી રહ્યું છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ગ્લોબલ કોન્ફિલ્ક્ટના ડાયરેકટર તાઈ મિગ ચેંગે કહે છે કે, જિનપિંગ સંરક્ષણને આધુનિક બનાવવા ઈચ્છે છે અને તેને કારણે તેઓ સુધારા લાવી રહ્યા છે. આ માટે સંરક્ષણ બજેટમાં મોટો વધારો કરવામાં આવી રહ્યું છે.

ચીન એવી તૈયારી કરીને બેઠું છે કે હાલમાં જે સંરક્ષણ બજેટ ફાળવવામાં આવ્યું છે તેના કરતાં 30થી 35 ગણો વધારે ખર્ચો પોતાના સૈન્ય પર કરે. ચીન છેલ્લા 3 દાયકાથી હથિયારોના મામલે સંશોધન અને વિકાસ માટે વ્યસ્ત છે. ચીન સૈન્ય અને નાગરિકોને જોડીને મજબૂત સૈન્ય બનાવવા માટે ધ્યાન આપી રહ્યું છે. જેમાં ચીન નાગરિક ઉદ્યોગને પણ જોડવા માંગે છે અને તેના માટે પ્રયત્નો પણ કરી રહ્યું છે.

ચીન જે રીતે પોતાની સૈન્ય તાકાત વધી રહ્યું છે તે મુદ્દે ભારતે પણ ચિંતા રાખવાની જરૂરીયાત છે. ભારત કરતાં ચીનનું સંરક્ષણ બજેટ વધારે છે તે તો ઠીક છે પરંતુ તેનાથી વધારે ઘાતક એ છે કે ચીન પોતાને ત્યાંજ હથિયારો બને તેવા સંશોધનો કરી રહ્યું છે. જેને પગલે આ હથિયારોની મારક શક્તિથી માંડીને તેની ટેકનોલોજીની કોઈને જ ખબર નહીં પડે અને તેનો તોડ પણ શોધી શકાશે નહીં. જે રીતે ચીન દ્વારા ઘરઆંગણે જ શસ્ત્રોના ઉત્પાદનો થાય તે માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે તે જોતાં હવે સમય પાકી ગયો છે ભારત પણ ઘરઆંગણે જ શસ્ત્રો તૈયાર કરે અને તેનો ઉપયોગ દેશના રક્ષણ માટે કરે. જો ભારત ઝડપથી નહીં જાગે તો ચીન ગમે ત્યારે ભારતના પ્રદેશો પણ ઓળવી જશે તે નક્કી છે.

Most Popular

To Top