Editorial

ભારતે વૈજ્ઞાનિક સંશોધનો માટે વધુ ભંડોળો ફાળવવાની જરૂર છે

ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં અનેક વૈજ્ઞાનિક સિદ્ધીઓ હાંસલ કરી છે અને તેમાં પણ અવકાશ ક્ષેત્રે તો તેણે ગજબની હરણફાળ ભરી છે. ગયા વર્ષે ભારતે ચંદ્ર પર પોતાનું યાન તો સફળતાપૂર્વક ઉતાર્યું જ, પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર યાનનું સફળતાપૂર્વક ઉતરાણ કરાવનાર તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો એ આજે તો વિશ્વની ટોચની અવકાશ સંસ્થાઓમાંની એક બની ગઇ છે જે વ્યાપારી ધોરણે પણ અનેક દેશોના ઉપગ્રહો અવકાશમાં ચડાવી આપે છે.

તબીબી ક્ષેત્ર હોય કે કૃષિ ક્ષેત્ર હોય ભારતે અનેક વૈજ્ઞાનિક સિદ્ધીઓ હાંસલ કરી છે અને એ સિદ્ધીઓની પાછળ સ્વતંત્રતા પછી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરૂએ દૂરંદેશી અપનાવીને શરૂઆતથી જ વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોને આપેલું પ્રોત્સાહન જવાબદાર છે. ત્યારબાદની એકપછી એક સરકારોએ વિજ્ઞાનને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું અને આજે ભારત ઘણી ગૌરવશાળી સ્થિતિમાં આવી પહોંચ્યું છે. જો કે આમ છતાં હજી વૈજ્ઞાનિક સંશોધનો માટે  તેણે સંસાધનો અને સ્ત્રોતો વધારવાની જરૂર છે.

વિશ્વના એક અગ્રણી વિજ્ઞાન મેગેઝીને પણ આ મુજબનો મત ઉચ્ચર્યો છે. વિજ્ઞાન જર્નલ ‘નેચર’ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત આર્થિક સત્તા બનવાની સાથે એક વિજ્ઞાન પાવરહાઉસ બનવાની દિશામાં આગામી પગલું માંડવા માટે તૈયાર કરતા પણ વધુ સજ્જ છે. આ વિજ્ઞાન સામયિકે દેશના સંશોધન અને વિકાસ પાછળના ખર્ચમાં, ખાસ કરીને ખાનગી સેકટરમાં વધારો કરવા માટે હાકલ કરી હતી.

આ પ્રતિષ્ઠિત બ્રિટિશ સાપ્તાહિકે ભારત કઇ રીતે એક સાયન્સ પાવરહાઉસ બની શકે છે એ મથાળા વાળા તેના તંત્રીલેખમાં એ દર્શાવવા સંશોધકોને ટાંક્યા હતા કે  પાયાના સંશોધનોની એકપછી સરકારોએ ઉપેક્ષા કરી હતી અને એક વિકસતી સંશોધન સિસ્ટમને વધુ સ્વાયત્તતાની જરૂર છે. એક આર્થિક સત્તા બનવાની સાથે ભારત એક સાયન્સ પાવરહાઉસ બનવાની દિશામાં આગામી પગલું ભરવા માટે તૈયાર કરતા પણ વધુની સ્થિતિમાં છે. આ હજી બન્યું નથી પણ તે બની શકે છે એ મુજબ તેણે કહ્યું હતું. આ સામયિકની વાત સાચી છે. ભારત અનેક વૈજ્ઞાનિક સિધ્ધીઓ હાંસલ કરવા છતાં હજી પણ સાયન્સ પાવરહાઉસ કહી શકાય તે સ્થિતિમાં પહોંચ્યું નથી.

તે માટે હજી તેણે કેટલાક પ્રયાસો કરવાની જરૂર છે. નેચર જર્નલના તંત્રીલેખમાં કઇ રીતે ભંડોળોની ખાઇ પુરવી તે બાબતે ચર્ચા કરવામાં આવી છે. ભારતની સરકાર એક બાબત કરી શકે છે અને તે એ કે તે ધંધા-ઉદ્યોગોને વધુ ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરીને વિજ્ઞાન પાછળના ખર્ચને ઉત્તેજન આપી શકે છે, જેવું કે અન્ય અગ્રણી અર્થતંત્રોની બાબતમાં બન્યું છે. જો નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગપતિઓ આ યોગ્ય રીતે કરી શકે તો દેશની પ્રભાવશાળી વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓને રોકેટ ગતિ આપવાની તક છે એ મુજબ આ જર્નલે કહ્યું હતું.

નેચર જનરલે ભારતે મેળવેલી હાલની કેટલીક નોંધપાત્ર વૈજ્ઞાનિક સિદ્ધીઓની પણ ચર્ચા કરી છે. તંત્રીલેખમાં નોંધવામાં આવ્યું છે કે ૨૦૨૧-૨૨માં સરકારી આંકડાઓ મુજબ ભારત વોલ્યુમની દષ્ટિએ વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ધરાવતો હતો અને તે વાજબી ભાવની દવાઓ અને જેનેરીક દવાઓનો અગ્રણી સપ્લાયર દેશ હતો, જેમાંની કેટલીક તો વિશ્વવ્યાપી કોવિડ-૧૯ રોગચાળા સામે લડવા માટે મહત્વની હતી. ગયા વર્ષે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની સિધ્ધી હાંસલ કરનાર વિશ્વનો ચોથા ક્રમનો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. તેણે વધુમાં કહ્યું કે ભારત રિમોટ સેન્સિંગ સેટેલાઇટોનું વિશ્વનું સૌથી મોટું ઝુમખું અવકાશમાં ધરાવે છે.

હવે વિચારો કે આ સિદ્ધીઓ એક એવા દેશ દ્વારા હાંસલ કરવામાં આવી છે જેણે વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન સંશોધન અને વિકાસ પાછળ તેની કુલ ઘરેલુ પેદાશ(જીડીપી)ના માત્ર ૦.૬૪ ટકા ખર્ચ્યા હતા એમ આ લેખમાં કહેવાની સાથે એમ કહેવામાં આવ્યું હતું કે હાલ ચાલી રહેલી ચૂંટણીમાં કોઇ પણ સરકાર આવે, તેણે એ વિચારવું જ જોઇએ કે કઇ રીતે સંશોધન અને વિકાસ પાછળ દેશનો ખર્ચ વધારી શકાય અને સાથો સાથ વધુ નાણાથી શું હાંસલ કરી શકાય એમ તેણે કહ્યું છે અને આ સાચું જ છે. ભારતે ખાનગી-સરકારી ભાગીદારીને વધુ વેગ આપીને વૈજ્ઞાનિક સંશોધનો પાછળના ખર્ચનું પ્રમાણ વધારવાની જરૂર છે.

Most Popular

To Top