ચેન્નાઇ, તા. 12 (પીટીઆઇ) : સ્પિનરોને મદદરૂપ પીચ પર ઇંગ્લેન્ડ સામે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભુલોમાંથી પાઠ ભણીને સીરિઝમાં વાપસીની આશા સાથે મેદાને પડશે, કારણકે કેપ્ટન વિરાટ કોહલીને એ ખબર જ છે કે જો અહીં થોડી પણ ભુલ થશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી સીધા આઉટ થઇ જવાશે. આ મેચથી સ્ટેડિયમમાં પ્રેક્ષકો પાછા ફરશે જે ભારતીય ટીમ માટે ટોનિકનું કામ કરી શકે છે.
ઇંગ્લેન્ડની ટીમમાં નવા વિકેટકીપર તરીકે બેન ફોક્સને સામેલ કરાયો છે, જ્યારે એન્ડરસનના સ્થાને સ્ટુઅર્ટ બ્રોડ અને સ્પિનર ડોમ બેસના સ્થાને મોઇન અલીનો સમાવેશ કરાયો છે. જોફ્રા આર્ચર પણ કોણીની ઇજાને કારણે આ ટેસ્ટ રમી શકશે નહીં અને તેનું સ્થાન ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ લઇ શકે છે. ભારતીય ટીમમાં ફિટ થયેલો અક્ષર પટેલ રમશે એ નક્કી મનાઇ રહ્યું છે. ટર્નિંગ પીચ પર વોશિંગ્ટન સુંદર કરતાં કુલદીય યાદવ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે પણ ટીમ મેનેજમેન્ટ ઓલરાઉન્ડર હાર્દિકનો ટીમમાં સમાવેશ કરે તેવી સંભાવના છે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલા વિજયનો ખુમાર ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં મળેલા 227 રનના પરાજયથી ઉતરી ગયો છે. ત્યારે હવે પછીની ત્રણ મેચમાં ભારતીય ટીમ માટે કોઇ ભુલ કે આત્મમુગ્ધતાને કોઇ અવકાશ નહીં રહે. સામાન્ય પણે પ્રેશરમાં સારું પ્રદર્શન કરનારા કોહલીએ પણ કેપ્ટન તરીકેની પોતાની કાબેલિયત દાખવવી પડશે. મેચ સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે.
બીજી ટેસ્ટ માટેની પીચ સાવ અલગ, પહેલા દિવસથી ટર્ન મળવાની આશા : અજિંકેય રહાણે
ચેન્નાઇ, તા. 12 (પીટીઆઇ) : શનીવારથી અહીં શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેએ આશા વ્યક્ત કરી હતી કે ચેપોકની પીચ પહેલા દિવસથી જ સ્પિન બોલરોને મદદરૂપ થઇ શકે છે. શનિવારથી શરૂ થઇ રહેલી ટેસ્ટ જે પીચ પર રમાવાની છે તેના પર ઘાસ ઘણું ઓછું હોવાની સાથે જ તેમાં ભીનાશ પણ ઓછી છે અને તેના કારણે સ્પિનરોને મદદ મળવાની સંભાવના છે. રહાણેએ મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હાં આ પીચ સંપૂર્ણપણે અલગ જણાઇ રહી છે. મને વિશ્વાસ છે કે પહેલા દિવસથી જ સ્પિનરોને મદદ મળશે. જો કે મે શરૂઆતની ટેસ્ટ પહેલા કહ્યું હતું તેમ તમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે પહેલું સેશન કેવું રહે છે.