Business

ભારત: ‘રાષ્ટ્ર’ કે ‘રાજ્યોનો સંઘ’?

ચાલુ વર્ષના બજેટની ચર્ચા દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં એવું કહીને શાસક ભારતીય જનતા પાર્ટીમાં હલચલ પેદા કરી દીધી હતી કે સત્તા પક્ષ ભારતને ‘કિંગડમ’ની જેમ ચલાવવા માંગે છે પરંતુ ભારત એક ‘રાષ્ટ્ર’ નથી, ‘રાજ્યોનો સંઘ’ છે. “તમે જો બંધારણ વાંચશો તો સમજશો કે ભારતને રાજ્યોના સંઘના રૂપમાં વર્ણિત કરવામાં આવ્યો છે. તેને એક રાષ્ટ્રના રૂપમાં બતાવવામાં આવ્યો નથી. તેનો અર્થ એ થયો કે તમિલનાડુના એક ભાઈની પાસે મહારાષ્ટ્રના મારા ભાઈના સમાન અધિકાર છે. આ જ વાત જમ્મુ-કાશ્મીર, મણિપુર, લક્ષદ્વિપ પર પણ લાગુ થાય છે,” એમ રાહુલે કહ્યું હતું. રાહુલનો આરોપ એવો હતો કે મોદી સરકાર દેશનું સંઘીય માળખું ખતમ કરી રહી છે, તે રાજ્યોની ફરિયાદો સાંભળતી નથી, જનતાનો અવાજ આવવા દેતી નથી અને તેનાં પરિણામો સારાં નહીં આવે.

આ વાત સાચી છે.  બંધારણમાં, ભારતનું વર્ણન ‘યુનિયન ઓફ સ્ટેટ્સ’ એટલે કે ‘રાજ્યોનો સંઘ’ તરીકે છે. જનસંખ્યાની દ્રષ્ટિએ વિશાળ અને અનેક વિવિધતાઓથી ભરેલા ભારતમાં સંઘાત્મક શાસન વ્યવસ્થા અપનાવવામાં આવે તે સ્વાભાવિક હતું. બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર અનુસાર, ભારત ‘ફેડરેશન ઓફ સ્ટેટ્સ’ને બદલે ‘યુનિયન ઓફ સ્ટેટ્સ’ છે. ગયા વર્ષે, તમિલનાડુ સરકારે  સરકારી કામકાજમાં ‘કેન્દ્ર સરકાર’નો પ્રયોગ હટાવીને ‘સંઘ સરકાર’ને સ્થાન આપ્યું છે. બંધારણ લાગુ થયા પછી વ્યવહારિક હેતુઓ માટે ‘કેન્દ્ર સરકાર’નો અર્થ રાષ્ટ્રપતિ થતો હતો. રાહુલ ગાંધીએ નવી વાત નથી કરી. ઇન ફેક્ટ, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે તેઓ દિલ્હીની કેન્દ્ર સરકાર પર એ જ આરોપ લગાવતા હતા કે તે રાજ્યોને સાંભળતી નથી અને કેન્દ્ર-રાજ્યોના સંઘીય માળખાને તોડી રહી છે. મૂળે આ વિવાદ ‘રાષ્ટ્ર’ અને ‘રાજ્યોના સંઘ’ની વ્યાખ્યાને લઈને છે. રાષ્ટ્રની પાયાની વ્યાખ્યા પ્રમાણે “એવા લોકોનો સમૂહ જેમનો એક વારસો, એક ઈતિહાસ, એક સંસ્કૃતિ કે એક ભાષા છે અને જે એક ઇલાકામાં વસવાટ કરે છે.” ભારતમાં આ વ્યાખ્યા બંધબેસતી નથી. ઉદાહરણથી સમજીએ:

ગુજરાતીઓ અને મલયાલીઓનો ઈતિહાસ એક નથી, તેમની સંસ્કૃતિ એક નથી તેમની ભાષા એક નથી. ગુજરાત અને કેરળ બે અલગ ‘રાષ્ટ્ર’ છે અને તે ભારત નામના દેશમાં રહે છે. અહીં, રાષ્ટ્ર એટલે એક જાતિ, એક ભાષા, એક ક્ષેત્રનો સમૂહ, જયારે દેશ એટલે વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રોનો સમૂહ. દેશની રાજકીય સીમાઓ હોય છે, રાષ્ટ્રની સાંસ્કૃતિક સીમાઓ હોય છે. સ્વતંત્રતા પહેલાં ભારતમાં ૫૬૫ રજવાડાં હતાં, તે પોતપોતાની રીતે રાષ્ટ્ર કહેવાતાં હતાં, કારણ કે તેમની સંસ્કૃતિ, ભાષા, ઈતિહાસ અલગ હતાં. બ્રિટિશ રાજમાં અંગ્રેજોનો આરોપ પણ એવો જ હતો કે તેના સાંસ્કૃતિક વૈવિધ્યના કારણે ભારત એક રાષ્ટ્ર નથી. ફ્રાંસ, ઈજીપ્ત, જર્મની કે જાપાન નેશન-સ્ટેટ છે પણ અમેરિકા ૫૦ રાજ્યોનું સ્ટેટ-નેશન છે. એ પ્રમાણે ભારત પણ અલગ-અલગ જાતિ, ભાષા, ધર્મ, સંસ્કૃતિના લોકોનો સમૂહ છે. ભારત, યુરોપની નેશન-સ્ટેટની ધારણા પ્રમાણે, એક રાષ્ટ્ર છે કે નહીં તે ચર્ચા આજકાલની નથી. જોહ્ન સ્ટ્રેચી નામના બ્રિટિશ એડમિનિસ્ટ્રેટરે છેક 1888માં લખ્યું હતું:

“ભારત અંગે સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત સમજવા જેવી એ છે કે ભૌતિક, રાજકીય, સામાજિક કે ધાર્મિક એકાઈના યુરોપિયન વિચાર પ્રમાણેનું ભારત જેવું કશું છે નહીં. પંજાબ, બંગાળ, નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સ અને મદ્રાસના માણસોને એક મહાન રાષ્ટ્ર સાથે જોડાયેલા હોવાનો અનુભવ થાય તે અશક્ય છે.” તે વખતે યુરોપિયન વિચારમાં રાષ્ટ્રનો અર્થ થતો હતો એક ભૌગોલિક સીમા, એક ભાષા, એક ધર્મ, એક નસ્લ અને એક સંસ્કૃતિ. યુરોપિયનો ભારતની વિવિધતા જોઈને સ્તબ્ધ થઇ ગયા હતા કે પૃથ્વી પર યુરોપ જેટલા વિસ્તારમાં ભાષા, સંસ્કૃતિ, ધર્મનાં આટલાં બધાં વૈવિધ્ય સાથે આટલા બધા લોકો એક સાથે કેવી રીતે રહેતા હોય. યુરોપિયનોએ જમીનો હડપવાનાં અનેક યુધ્ધો જોયાં હતાં અને જૂની સીમાઓ ભૂંસાતી અને નવી ખેંચાતી જોઈ હતી. તેમણે નસ્લોની શુધ્ધતા, ધાર્મિક વિચારો, સંસ્કૃતિક ઓળખો, ભાષા અને રાજકીય મહત્ત્વાકાંક્ષાઓના નામે રાષ્ટ્રો તૂટતાં અને બનતાં જોયાં હતાં. તાજેતરના ઈતિહાસમાં યુગોસ્લાવિયા, ચેકોસ્લોવાકિયા અને સોવિયત સંઘનું વિભાજન આ વાતની સાક્ષી પૂરે છે.

ભારતને સમજી શકવાની ક્ષમતાના અભાવમાં યુરોપિયનો અને બ્રિટિશરોએ દાવો કર્યો કે ભારત એક રાષ્ટ્ર નથી પણ અનેક રાષ્ટ્રોનો સમૂહ છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વિસર્જન પછી ભારતમાં તેમની રાજકીય સત્તા સ્થાપ્યા પછી બ્રિટિશર્સે એવો પણ દાવો કર્યો હતો ભારતને એક રાજકીય વ્યવસ્થા અને સીમામાં પરોવવાનું કામ તેમણે કર્યું હતું. એ પછી ઘણા ઈતિહાસકારો એવું લખતા રહ્યા હતા કે ભારત રાષ્ટ્ર નથી પરંતુ કોઈ એક ઈતિહાસ વગરના છૂટાછવાયા લોકોનો એક સમૂહ છે. બ્રિટિશર્સના આવા અભિગમથી નારાજ થઈને મહાત્મા ગાંધીએ ‘હિન્દ-સ્વરાજ’ સામયિકમાં લખ્યું હતું: “અંગ્રેજોએ આપણને ભણાવ્યું છે કે તેમની નજરમાં આપણે એક રાષ્ટ્ર નથી અને આપણે એક રાષ્ટ્ર બનીએ તેને સદીઓ લાગશે. આ વાતનો પાયો નથી. એ લોકો ભારત આવ્યા તે પહેલાંથી આપણે એક રાષ્ટ્ર હતા. આપણે એક વિચારથી પ્રેરિત હતા.

આપણા જીવનની ઢબ સમાન હતી. આપણે એક રાષ્ટ્ર હતા એટલે તો તેઓ એક સામ્રાજ્ય સ્થાપી શક્યા હતા. આપણા પુરોગામીઓ પગેથી કે બળદગાડામાં આખા ભારતમાં ફર્યા હતા… દક્ષિણમાં (રામેશ્વરમમાં) સેતુબંધ, પૂર્વમાં જગન્નાથ અને ઉત્તરમાં હરિદ્વાર યાત્રાધામો સ્થાપનારા આપણા પૂર્વજોનો શો હેતુ હશે? એટલું તો સ્વીકારશોને કે તેઓ મૂરખ નહોતા. તેમણે જોયું હતું કે ભારત અવિભાજિત જમીનનો ટુકડો છે એટલે એ એક રાષ્ટ્ર હોવું જ જોઈએ. એટલા માટે તેમણે ભારતમાં વિવિધ સ્થાનો પર પવિત્ર સ્થળો સ્થાપ્યાં હતાં અને લોકોમાં રાષ્ટ્રીયતાનો એક એવો વિચાર પેદા કર્યો હતો જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળ્યો ન હતો.” આઝાદીની ચળવળમાં આ વિવિધતાની તાકાત પર જ તો રાષ્ટ્રવાદીઓએ ગોરાઓ સામે સંઘર્ષ કર્યો હતો.

Most Popular

To Top