Sports

સેમિફાઇનલનું સપનું જાળવી રાખવા ભારતે જીતવું જ પડશે, આવતીકાલે ઝિમ્બાબ્વે સામે નિર્ણાયક મેચ

T20 વર્લ્ડ કપ 2026માં ખિતાબના સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉતરેલી ટીમ ઇન્ડિયા હાલમાં ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે જંગ લડી રહી છે. બેટિંગ લાઇનઅપની નિષ્ફળતા ટીમ માટે મોટી ચિંતા બની છે. ખાસ કરીને ઓપનર અભિષેક શર્માનું સતત નિરાશાજનક પ્રદર્શન ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. હવે પ્રશ્ન ઊભો થયો છે કે અભિષેકને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવશે કે પછી તેને બેટિંગ ક્રમમાં નીચે રાખવામાં આવશે? દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચમાં ટીમ ઇન્ડિયાને 76 રનની હાર સહન કરવી પડી હતી. આ પરાજય બાદ સેમિફાઇનલમાં ટકી રહેવાની આશા જાળવી રાખવા માટે ઝિમ્બાબ્વે સામેની આગામી મેચમાં મોટી જીત અનિવાર્ય બની છે. 26 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં રમાનારી આ મેચ પહેલા ટીમે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ સેશન યોજાયું હતું, જ્યાં કેટલાક દ્રશ્યોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અહેવાલો મુજબ, મુખ્ય નેટ સેશન દરમિયાન સંજુ સેમસન ઇશાન કિશન સાથે બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. સામાન્ય રીતે ટીમ જે બેટિંગ ક્રમમાં મેદાનમાં ઉતરે છે, તે જ ક્રમમાં નેટ પ્રેક્ટિસ પણ કરે છે. આવી સ્થિતિમાં સંજુ અને ઇશાનની જોડીને સાથે બેટિંગ કરતા જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ મેનેજમેન્ટ ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહ્યું છે. બીજી તરફ, અભિષેક શર્મા પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરતો જોવા મળ્યો, જેના કારણે તેના સ્થાન અંગે શંકા વધુ ગાઢ બની છે. તિલક વર્મા, જે પોતે પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે, એ શરૂઆતના નેટ સેશનમાં સામેલ હતો. અભિષેક પછીથી અલગથી બેટિંગ માટે આવ્યો હતો અને તેણે મુખ્ય બોલરોની બદલે વધુ નેટ બોલરો, ખાસ કરીને સ્પિનરોનો સામનો કર્યો હતો.

વર્તમાન વર્લ્ડ કપમાં અભિષેકનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. ચાર ઇનિંગ્સમાંથી ત્રણમાં તે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે તેણે 15 રન બનાવ્યા હતા, પરંતુ તે ઇનિંગ દરમિયાન પણ તે આત્મવિશ્વાસહીન દેખાયો હતો. હાલની, ટીમ તેને તરત જ બહાર કરે તેવી શક્યતા ઓછી લાગી રહી છે. શક્યતા એ પણ છે કે તિલક વર્માને બહાર રાખીને સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવે. આવી સ્થિતિમાં અભિષેક અથવા ઇશાનમાંથી કોઈ એકને ઓપનિંગમાંથી હટાવી ત્રીજા ક્રમે મોકલવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હવે ઝિમ્બાબ્વે સામેની મેચમાં ટીમ મેનેજમેન્ટ શું નિર્ણય લે છે, તે તો કાલે થનારી મેચમાં જ ખબર પડશે. ઓલ ધ બેસ્ટ ટીમ ઇન્ડિયા.

Most Popular

To Top