નવી દિલ્હી : દેશમાં મોટર સ્પોર્ટસ (Motor sports) માટે એક મોટું પ્રોત્સાહક આયોજન ભારતને દરવાજે ટકોરા મારી રહ્યું છે. આવતા વર્ષે ગ્રેટર નોઈડામાં (Greater Noida) બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે પ્રથમ મોટો ગ્રાન્ડ પ્રી (મોટો જીપી) વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસનું આયોજન કરવામાં આવશે. તેને ‘ગ્રાન્ડ પ્રિકસ ભારત’ નામ આપવામાં આવ્યું છે.
મોટો ગ્રાન્ડ પ્રિકસ ઓર્ગેનાઇઝર્સ ડોર્ના અને નોઈડા સ્થિત રેસ પ્રમોટર ફેરસ્ટ્રીટ સ્પોર્ટ્સે બુધવારે ભારતમાં આગામી સાત વર્ષ માટે પ્રીમિયર ટુ-વ્હીલર રેસિંગ ઈવેન્ટનું આયોજન કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા પણ ગ્રાન્જ પ્રિક્સ ભારત તરીકે નામાંકન કરાયેલી પહેલી રેસ માટે તેમણે કોઇ તારીખ નક્કી કરી નથી. જો 2023માં આ રેસ યોજવા માટેની તૈયારી પુરતી નહી થઇ શકે તો 2024માં ઉદ્દઘાટન રાઉન્ડ પહેલા 2023માં એક ટેસ્ટીંગ ઇવેન્ટ યોજવાનું આયોજન છે.
ડોર્ના સ્પોર્ટસના એમડી ચાર્લોસ એઝ્પેલ્ટા અને ભારતીય પ્રમોટર ફેરસ્ટ્રીટ સ્પોર્ટસના સીઓઓ પુષ્કર નાથ અને ડિરેક્ટર અમિત સેન્ડીલની હાજરીમાં આ એમઓયુની જાહેરાત થઇ હતી. જ્યારે પણ રાઉન્ડ થશે ત્યારેતેમાં જૂનિયર કેટેગરીની મોટો-2 અને મોટો-3ની રેસનું પણ આયોજન કરવામાં આવશે.
ભારતમાં યોજાનારી મોટો જીપીમાં 19 દેશોના સ્પર્ધકો ભાગ લેશે
ગ્રાન્ડ પ્રિક્સ મોટો જીપી સ્પર્ધામાં 19 દેશોના સ્પર્ધકો ભાગ લેશે. ટૂર્નામેન્ટના પ્રમોટરે એક રિલીઝમાં આ જાણકારી આપી. “મોટો ગ્રાન્ડ પ્રિકસ ‘મોટો ઇ’ લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે જે માત્ર એશિયામાં પ્રથમ જ નહીં પરંતુ કુલ ‘ઝીરો કાર્બન ઉત્સર્જન’ સાથેની પ્રથમ ગ્રીન પહેલ પણ હશે.
મોટો જીપી ઇવેન્ટથી 50 હજારથી વધુ લોકોને રોજગાર મળવાની આશા
મોટો જીપીથી રોજગાર ઉપરાંત દેશમાં પ્રવાસન અને વેપારને વેગ મળવાની સંભાવના છે ત્યારે વિશ્વના સર્વોચ્ચ સ્તરની ટુ-વ્હીલર રેસિંગ હોસ્ટ કરવા માટે તેને યોગ્ય બનાવવા માટે કેટલાક ફેરફારોની જરૂર પડી શકે છે. આ ઈવેન્ટથી 50 હજારથી વધુ લોકોને રોજગાર મળવાની આશા છે.
બુદ્ધ સર્કિટ પર ફોર્મ્યુલા-1નું આયોજન અવરોધોને કારણે રૂંધાયું હતું
જે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ મોટો ગ્રાન્ડ પ્રિકસ રેસનું આયોજન કરવાનું નક્કી થયું છે ત્યાં 2011 થી 2013 દરમિયાન ફોર્મ્યુલા વન ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ યોજવામાં આવી હતી પરંતુ નાણાકીય, આવકવેરા અને અમલદારશાહી અવરોધોને કારણે તેને રદ કરવામાં આવી હતી.