નવી દિલ્હી: (New Delhi) રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે (Ministry of Road Transport and Highways) બુધવારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટુ-વ્હીલર (Two Wheeler) પર લઈ જવા માટે નવા સુરક્ષા નિયમો (Safety Rules) જાહેર કર્યા છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નવા નિયમો અનુસાર હવે બાઇક (Bike) પર સવાર નાના બાળકો માટે પણ હેલ્મેટ ફરજિયાત હશે. જો 4 વર્ષથી ઓછી ઉંમરનું બાળક ટુ-વ્હીલર પર સાથે હોય તો તેણે ક્રેશ હેલ્મેટ પહેરવું જરૂરી છે. આટલું જ નહીં કેટલાક વધુ રોડ સેફ્ટી નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિયમો સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, 2022 ના પ્રકાશનની તારીખથી એક વર્ષ પછી અમલમાં આવશે.
અવારનવાર એવું જોવા મળી રહ્યું છે કે લોકો કોઈ સલામતીનાં પગલાં લીધા વિના બાળકોને મોટરસાઈકલ કે સ્કૂટર પર લઈ જાય છે. સોશિયલ મીડિયા પર આવી તસવીરો આવતી રહે છે. જેમાં એકસાથે એક જ બાઇક પર 4થી 5 બાળકો બેઠેલા હોય છે, પરંતુ આનાથી તેમની સુરક્ષા અંગે મોટો પ્રશ્ન ઉભો થાય છે, જેના કારણે પરિવહન મંત્રાલયે નવા નિયમો બનાવ્યા છે. સૂચના અનુસાર, નવા નિયમો 15 ફેબ્રુઆરી 2023 થી લાગુ થશે.
- નાના બાળકો માટે ક્રેશ હેલ્મેટ જરૂરી
- સલામતી હાર્નેસ બેલ્ટ અનિવાર્ય
- 40 કિમીની ઝડપ મર્યાદા
4 વર્ષથી નાની ઉંમરના બાળકોએ ટુ-વ્હીલ વાહન પર લઇ જતી વખતે ક્રેશ હેલ્મેટ પહેરવું જરૂરી છે. ક્રેશ હેલ્મેટ એ હેલ્મેટ છે જે માત્ર કેપ તરીકે પહેરવામાં આવતું હેલ્મેટ નથી પરંતુ સંપૂર્ણપણે માથું ઢાંકે છે. જો બાઈક પર સવાર વ્યક્તિની પાછળ બાળક બેઠું હોય તો તેના માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોવી જરૂરી છે. આ હેઠળ, બાળક માટે સલામતી હાર્નેસ બેલ્ટ હોવું પણ જરૂરી છે જેથી બાળક પાછળથી પડી ન જાય. સેફ્ટી હાર્નેસ બાળકને રાઇડર સાથે જોડી દે છે અને તે 30 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ટુ-વ્હીલર પર 4 વર્ષથી નાનું બાળક બેઠેલું હોય તો બાઇકની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. જો સ્પીડ ખૂબ જ ઝડપી હોય, તો બાળક પડી શકે છે અને હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઈજાગ્રસ્ત થઈ શકે છે. આટલું જ નહીં સેફ્ટી હાર્નેસ હોવા છતાં હાઇસ્પીડ બાઇક પરથી નીચે પડી જવાથી નાનું બાળક ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે, તેથી સ્પીડ પર પણ અમુક મર્યાદા મૂકવામાં આવી છે. આ નવા નિયમોની રજૂઆત પછી ભારત પણ પસંદગીના દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં વય અનુસાર સલામતીનાં પગલાં છે અને બાળકો માટે પણ સલામતીનાં પગલાં લેવામાં આવ્યા છે.