National

દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ: ભારત 15 વર્ષ પછી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે હાર્યું

કોલકાતા ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 30 રનથી હારનો સામનો કરવો પડ્યો. 15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે મેચ હારી છે. છેલ્લી હાર 2010 માં નાગપુરમાં ગ્રેમ સ્મિથની કેપ્ટનશીપમાં મળી હતી.

રવિવારે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે 124 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 9 વિકેટે 93 રન જ બનાવી શકી. કેપ્ટન શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યો ન હતો, તેણે ગરદનના ખેંચાણને કારણે આગલા દિવસે નિવૃત્તિ લીધી હતી.

વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 31 રન બનાવ્યા. સિમોન હાર્મરે મેચમાં કુલ 8 વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ મેચમાં એકમાત્ર ફિફ્ટી ફટકારી. તે બીજી ઇનિંગમાં 55 રન બનાવીને અણનમ રહ્યો. અગાઉ દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શુક્રવારે ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં પ્રથમ ઇનિંગમાં 159 રનનો સ્કોર હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 189 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગમાં ભારતની બેટિંગ સંપૂર્ણપણે પડી ભાંગી હતી. ટોચના ક્રમે શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. ટીમને 1 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. કેએલ રાહુલ 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલે ઇનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ઇનિંગની સૌથી મોટી ભાગીદારી 32 રનની કરી. જોકે સાઈમન હાર્મરે જુરેલને આઉટ કર્યો તે પછી મિડલ ઓર્ડક ટકી શક્યો નહીં. દક્ષિણ આફ્રિકાના બોલરોએ સચોટ લાઇન અને લેન્થ જાળવી રાખી ભારતીય બેટ્સમેન પર સતત દબાણ બનાવ્યું.

સ્પિનર ​​સાઈમન હાર્મરે મેચમાં શાનદાર બોલિંગ કરી મેચમાં 8 વિકેટ લીધી, બંને ઇનિંગમાં 4-4 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. હાર્મરે પહેલી ઇનિંગમાં ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની વિકેટ લીધી હતી જ્યારે બીજી ઇનિંગમાં તેણે જુરેલ, પંત, જાડેજા અને કુલદીપને આઉટ કર્યા હતા.

Most Popular

To Top