Sports

ચેન્નાઈ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને મુશ્કેલ ટાર્ગેટ આપ્યોઃ ગિલ-પંતની ધમાકેદાર સદી

ચેન્નાઈ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર તા. 19 સપ્ટેમ્બર) થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી. આ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતે 287/4 પર ઈનિંગ ડિકલેર કરી હતી. ભારતે 515 રનનો મુશ્કેલ ટાર્ગેટ બાંગ્લાદેશને સોંપ્યો છે. શુભમન ગિલ 119 અને કે.એલ. રાહુલ 22 રન પર અણનમ રહ્યાં હતાં. બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં સારી શરૂઆત કરી છે. ટી બ્રેક સુધીમાં 13 ઓવરમાં બાંગ્લાદેશે વિના વિકેટે 56 રન બનાવી લીધા છે.

આ અગાઉ આજે મેચના ત્રીજા દિવસે સવારે ગઈકાલના સ્કોરથી ગિલ અને પંતે ઈનિંગ આગળ વધારી હતી. બંને બેટ્સમેનોએ પોતાના અંદાજમાં ધૂંઆધાર બેટિંગ કરી બાંગ્લાદેશના બોલરોને ચારે તરફ ફટકાર્યા હતા. લંચ બાદ સદી બનાવી પંત આઉટ થયો હતો. પંત 109 રન બનાવી મહેડી હસનનો શિકાર બન્યો હતો.

ત્યાર બાદ ગિલનો સાથ આપવા કે.એલ. રાહુલ ક્રિઝ પર આવ્યો હતો. ગિલે પણ પોતાની સદી પુરી કરી હતી. ગિલે પોતાના કેરિયરની પાંચમી ટેસ્ટ સેન્ચુરી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ફટકારી હતી. લાંબા સમય બાદ ગિલના બેટમાંથી રન નીકળતા ભારતીય ટીમે હાશકારો અનુભવ્યો હતો.

આ અગાઉ ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 227 રનની લીડ મળી હતી. જોકે બીજી ઈનિંગમાં પણ ભારતની શરૂઆત સારી રહી નહોતી.

ભારતને તેનો પહેલો ફટકો બીજી ઇનિંગમાં ત્રીજી ઓવરમાં જ લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા ફાસ્ટ બોલર તસ્કીન અહેમદના બોલ પર ઝાકિર હસનના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે માત્ર 5 રન બનાવ્યા હતા. ત્યાર બાદ પહેલી ઈનિંગમાં હાફ સેન્ચુરી ફટકારનાર યશસ્વી જયસ્વાલ ફાસ્ટ બોલર નાહિદ રાણાના બોલ પર વિકેટકીપર લિટન દાસના હાથે કેચ આઉટ થયો હતો.

ત્યારબાદ ભારતે 67 રનના સ્કોર પર વિરાટ કોહલીની વિકેટ પણ ગુમાવી દીધી હતી. કોહલી સ્પિન બોલર મેહદી હસન મિરાજના બોલ પર LBW આઉટ થયો હતો. કોહલીએ 37 બોલનો સામનો કરીને 17 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા સામેલ હતા. આ પછી શુભમન ગિલ અને રિષભ પંતની જોડી ક્રિઝ પર સ્થિર થઈ ગઈ છે. બંને વચ્ચે સદીની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. શુભમન અને ઋષભે પણ પોતાની અર્ધી સદી પૂરી કરી લીધી છે.

જયસ્વાલે ગાવસ્કરનો 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
યશસ્વી જયસ્વાલે ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 56 અને બીજી ઈનિંગમાં 10 રન બનાવ્યા છે. આ સાથે જ યશસ્વીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે પોતાના કેરિયરની પહેલી 10 ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ આ સાથે જ યશસ્વીએ સુનિલ ગવાસ્કરનો 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

ગવાસ્કરે પોતાના કેરિયરની પહેલી 10 ટેસ્ટ મેચમાં 978 રન બનાવ્યા હતા, જ્યારે યશસ્વીએ પોતાના કેરિયરની પહેલી 10 ટેસ્ટ મેચમાં 1094 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 64.35 ટકાની રહી છે. યશસ્વીએ ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી અને 5 અર્ધસદી ફટકારી છે. તેનો સ્ટ્રાઈક રેટ 68.28 રહ્યો છે.

Most Popular

To Top