National

‘જય શ્રીરામ’ના જવાબમાં ‘અલ્લાહૂ અકબર’ના નારા લગાવનાર મુસ્કાન ખાન માટે જમીયતની રૂ. 5 લાખ ઇનામની જાહેરાત

સ્કૂલ કોલેજમાં (School College) છોકરીઓને હિજાબ (Hijab) પહેરવાને લઈને કર્ણાટકમાં સંગ્રામ ચાલુ થઈ ગયો છે. દરમિયાન હિજાબ પહેરેલી એક છોકરી સામે કેટલાક છોકરાઓએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. આના જવાબમાં છોકરાઓની સામે એક છોકરીએ ‘અલ્લાહૂ અકબર’ના (Allahu Akbar) નારા લગાવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં (Social Media) આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ જમીયત ઉલેમા-એ-હિન્દએ આ છોકરીને રૂપિયા 5 લાખ રોકડા ઇનામ આપવાની જાહેરાત કરી છે. છોકરીની હિંમતનાં વખાણ કરતાં જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ હજરત મૌલાના મહમૂદ અસદ મદનીએ વિદ્યાર્થિની મુસ્કાન ખાનને અભિનંદન પાઠવ્યા હતા. આ સંબંધમાં જમીયત ઉલેમા-એ-હિંદએ એક નિવેદન પણ જારી કર્યું છે.

નિવેદનમાં મૌલાના મદનીએ કહ્યું હતું કે,” મુસ્કાને આપણા ધાર્મિક અધિકારો અને બંધારણીય આઝાદીના વિરોધની મજબૂત અને ગરમ હવાનો હિંમતથી સામનો કર્યો છે. મહાત્મા ગાંધી કોલેજ ઉડુપીની બહાદૂર વિદ્યાર્થિની અને મોહંમદ હુસેન ખાનની પુત્રી બીબી મુસ્કાન ખાનને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.” મૌલાના મદનીએ ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું છે કે, જમીયત ઉલેમા-એ-હિન્દએ આ બહાદૂર બેટીને પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા પાંચ લાખ રોકડા ઇનામની જાહેરાત કરી છે.

પ્રિયંકા ગાંધીના બિકિનીવાળા નિવેદન પર ભાજપના ધારાસભ્યએ કહ્યું, મહિલાઓનાં કપડાંના લીધે બળાત્કારો થાય છે
કર્ણાટકમાં હિજાબ વિવાદ વકરી રહ્યો છે. હવે ભાજપના એક ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીના બિકિનીવાળા નિવેદન પર ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે, મહિલાઓનાં કપડાંઓના કારણે જ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે બુધવારે સવારે ટ્વિટ કરતાં લખ્યું હતું કે, ”બિકિની હોય, બુરખો હોય, જિન્સ હોય કે હિજાબ હોય. શું પહેરવું એ નક્કી કરવાનો અધિકાર મહિલાનો છે. અમને ભારતીય બંધારણમાં ગેરેન્ટી આપવામાં આવી છે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો.”

પ્રિયંકા ગાંધીના આ નિવેદન પર કર્ણાટકના ભાજપના ધારાસભ્ય રેણુકાચાર્યએ ટ્વિટ કરતાં લખ્યું કે, ”બિકિની જેવા શબ્દનો પ્રયોગ કરવો એ નિમ્ન સ્તરનું નિવેદન છે. કોલેજમાં અભ્યાસ કરતી વખતે બાળકોએ પૂરાં કપડાં પહેરવાં જોઈએ. આજે મહિલાઓનાં કપડાંઓના કારણે જ બળાત્કારો વધી રહ્યા છે. કારણ કે, પુરુષો ઉત્તેજિત થાય છે. આ યોગ્ય નથી. આપણા દેશમાં મહિલાઓ માટે સન્માન છે” રેણુકાચાર્ય હોન્નાલી વિધાનસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તેમ જ મુખ્યમંત્રીના રાજનીતિક સચિવ પણ છે.

Most Popular

To Top