નવી દિલ્હી: આર્થિક સંકટથી ઘેરાયેલું હોવા છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી ઊંચુ નથી આવી રહ્યું. ભારતે પાકિસ્તાનને સિંધુ જળ સંધિમાં સુધારો કરવા નોટિસ પાઠવી છે. ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સમજુતીમાં સમીક્ષા મામલે પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. આ નોટિસ 25 જાન્યુઆરીએ સિંધુ જળ સાથે જોડાયેલા કમિશનર્સને પાઠવવામાં આવી છે. આ સંધિ સપ્ટેમ્બર 1960માં થઈ હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા પગલાંથી સિંધુ જળ સંધિની જોગવાઈઓને પ્રતિકૂળ અસર થઈ છે.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાનની વારંવારની વિનંતી પર, વિશ્વ બેંકે હાલમાં ન્યુટ્રલ એક્સર્ટ અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન પ્રક્રિયા પર કાર્યવાહી શરૂ કરી છે. IWTની કોઈપણ જોગવાઈઓ હેઠળ આ મુદ્દાઓ પર કોઈપણ સમાંતર વિચારણાને આવરી લેવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનું કહેવું છે કે ભારત પાકિસ્તાન સાથે જળ સંધિને પત્ર સહાયક અને જવાબદાર ભાગીદાર રહ્યું છે. પરંતુ પાકિસ્તાનની કાર્યવાહીથી ભારતને જરૂરી નોટિસ ફટકારવાની ફરજ પડી હતી. ત્યારે આ મામલે IWTમાં સંશોધન બાબતે પાઠવવામાં આવેલી ભારતની આ નોટિસ દ્વારા પાકિસ્તાનને IWTના ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર સરકાર સાથે વાતચીત કરવા માટેની તક આપવામાં આવી છે.
પાકિસ્તાન 90 દિવસમાં જવાબ આપે
ભારત સરકાર દ્વારા ફટકારેલી નોટિસનો મુખ્ય હેતુ પાકિસ્તાનને કરારના ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસનો સમય આપવાનો છે. આ પહેલીવાર છે જ્યારે ભારતે સિંધુ જળ સંધિમાં સુધારો કરવાની માંગ કરી છે. હવે પાકિસ્તાન પાસે ભારત સરકાર સાથે વાતચીત કરવાનો 90 દિવસનો સમય છે.
પાકિસ્તાનની કાર્યવાહીએ ભારતને મજબૂર કર્યું
ભારતે 25 જાન્યુઆરીએ સંબંધિત કમિશનરો દ્વારા પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. પાકિસ્તાનને આ નોટિસ 1960ની સિંધુ જળ સંધિ (IWT)ની કલમ XII (3) મુજબ જાહેર કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે નવ વર્ષની વાટાઘાટો બાદ 19 સપ્ટેમ્બર 1960ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ બેંક પણ આ સંધિ પર હસ્તાક્ષર કરનાર છે.
ભારતે નોટિસમાં શું કહ્યું?
ભારત દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં ભારતે કહ્યું છે કે, “ભારતે હંમેશા સિંધુ જળ સંધિનો જવાબદારીપૂર્વક અમલ કર્યો છે. પરંતુ પાકિસ્તાનના પગલાંથી IWTની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર પડી છે. સુધારા માટે તાત્કાલિક નોટિસ જાહેર કરવી પડી હતી.
શા માટે ભારતે નોટિસ ફટકારી કરી
2015 માં પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ (HEPs) પરના તેના તકનીકી વાંધાઓની તપાસ કરવા માટે તટસ્થ નિષ્ણાતની નિમણૂકની વિનંતી કરી હતી. પરંતુ 2016 માં, પાકિસ્તાને એકપક્ષીય રીતે વિનંતી પાછી ખેંચી લીધી અને પ્રસ્તાવ મૂક્યો કે મધ્યસ્થતા કોર્ટ તેના વાંધાઓનો નિર્ણય કરે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સિંધુ જળ સંધિની કલમ IXનું ઉલ્લંઘન છે. તેથી ભારતે આ મામલો તટસ્થ નિષ્ણાતને મોકલવા વિનંતી કરી હતી. ભારત દ્વારા પરસ્પર મધ્યસ્થી કરવાના વારંવાર પ્રયાસો છતાં પાકિસ્તાને 2017 થી 2022 સુધીની સ્થાયી સિંધુ કમિશનની પાંચ બેઠકોમાં આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. આ રીતે, પાકિસ્તાન દ્વારા સિંધુ જળ સંધિની જોગવાઈઓના સતત ઉલ્લંઘનને કારણે ભારતને સુધારાની નોટિસ જારી કરવાની ફરજ પડી હતી.
શું છે સિંધુ જળ સંધિ
ભારત અને પાકિસ્તાન વચ્ચે નવ વર્ષની વાટાઘાટો બાદ 19 સપ્ટેમ્બર 1960ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ બેંક પણ આ સંધિ પર હસ્તાક્ષર કરનાર છે. આ કરાર સિંધુ નદી અને તેની સહાયક નદીઓમાંથી બંને દેશો વચ્ચે પાણી પુરવઠાની વહેંચણીનું નિયમન કરે છે. આ કરારની જોગવાઈઓ હેઠળ, સતલજ, બિયાસ અને રાવી જેવી પૂર્વીય નદીઓના વાર્ષિક પાણીના વપરાશના આશરે 33 મિલિયન એકર ફીટ (MAF) ભારતને ફાળવવામાં આવ્યા છે. તે જ સમયે, સિંધુ, ઝેલમ અને ચિનાબ જેવી પશ્ચિમી નદીઓનું લગભગ 135 મિલિયન એકર ફૂટ વાર્ષિક પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું છે. તાજેતરના વર્ષોમાં, ભારતે ઘણી મહત્વાકાંક્ષી સિંચાઈ યોજનાઓ હાથ ધરી છે અને કેટલાક અપસ્ટ્રીમ ડેમનું નિર્માણ કર્યું છે. પાકિસ્તાને 2015માં આનો વિરોધ કર્યો હતો. જ્યારે ભારતનું કહેવું છે કે પાણીનો ઉપયોગ સંપૂર્ણપણે સંધિ અનુસાર છે.
પાકિસ્તાનને 80 ટકા પાણી મળે છે
સિંધુ જળ સંધિ મુજબ ભારતને કેટલીક શરતો સાથે પશ્ચિમી નદીઓ પર ‘રન ઓફ ધ રિવર’ પ્રોજેક્ટ દ્વારા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સિંધુ જળ કરાર હેઠળ પાકિસ્તાનને લગભગ 80 ટકા પાણી મળે છે. લગભગ 160 મિલિયન એકર-ફીટ પાણીમાંથી, લગભગ 33 મિલિયન એકર-ફીટ પાણી ભારતને ઉપલબ્ધ છે. તેમાં પણ, ભારત માત્ર 90 ટકા કરતાં થોડું વધારે પાણી વાપરે છે.