નવી દિલ્હી: ચંદ્રયાન-3 અને આદિત્ય-L1 જેવા સફળ મિશન બાદ હવે ભારતની (India) નજર શુક્ર ગ્રહ પર છે. ઇસરો (ISRO) શુક્રયાનની (Shukrayaan) તૈયારી પણ કરી રહ્યું છે. જો કે આ મિશનનો પહેલો વિચાર 2012માં આવ્યો હતો. પરંતુ ઇસરોએ પાંચ વર્ષ પછી પ્રાથમિક અભ્યાસ શરૂ કર્યો હતો. હવે મિશન તૈયાર છે પણ કેંન્દ્ર સરકાર તરફથી હજુ પરવાનગી મળી નથી. જો ઇસરોને સમયસર પરવાનગી નહીં મળે તો સાત વર્ષ પછી એટલે કે 2031માં શ્રેષ્ઠ લોન્ચ વિન્ડો મળશે. આ ઉપરાંત નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ વર્ષ 2031માં પોતાના શુક્ર મિશનનું આયોજન કર્યું છે.
ઈસરોના પ્રમુખ ડૉ. એસ. સોમનાથે કહ્યું છે કે, શુક્રના વાયુમંડળ અને તેના એસિડિક વ્યવહારને સમજવા માટે ત્યાં એક મિશન મોકલવું જરૂરી છે. જેથી ત્યાંના વાતાવરણીય દબાણનો અભ્યાસ કરી શકાય. શુક્રનું વાતાવરણીય દબાણ પૃથ્વી કરતા 100 ગણું વધારે છે. સોમનાથ ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA)માં લેક્ચર આપી રહ્યા હતા. સોમનાથે કહ્યું કે, અમને હજુ સુધી ખબર નથી કે આટલા દબાણનું કારણ શું છે. વાદળોનું સ્તર જે શુક્ર ગ્રહની આસપાસ છે. તે એસિડથી ભરપૂર છે. તેથી, કોઈપણ અવકાશયાન અથવા વાહન તેના વાતાવરણને પાર કરીને સપાટી પર પહોંચી શકતું નથી. સૂર્યમંડળની ઉત્પત્તિ વિશે માહિતી મેળવવા માટે શુક્રનો અભ્યાસ જરૂરી છે. શુક્ર અને મંગળનો ધ્યાનથી અભ્યાસ કરીશું તો ખબર પડશે કે ત્યાં જીવન કેમ નથી. આને વધુ ઊંડાણથી સમજવા માટે જરૂરી છે કે ત્યાં મિશન મોકલવામાં આવે. સોમનાથના આ નિવેદનના થોડા મહિના પહેલા ઈસરોના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે શુક્રયાન મિશનમાં વિલંબ થઈ શકે છે. ઈસરો તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર પરવાનગી મળી નથી.
ભારતનું પહેલું શુક્ર મિશન છે શુક્રયાન
તે વૈજ્ઞાનિકે કહ્યું હતું કે, જો અમને સમયસર પરવાનગી નહીં મળે તો અમે આવતા વર્ષે એટલે કે 2024માં શુક્રયાન લોન્ચ નહીં કરી શકીશું. જો આમ નહીં થાય, તો અમને સાત વર્ષ પછી એટલે કે 2031માં શ્રેષ્ઠ લોન્ચ વિન્ડો મળશે. શુક્રયાન શુક્ર પર ભારતનું પહેલું મિશન હશે. શુક્રયાન એક ઓર્બિટર મિશન છે. એટલે કે અવકાશયાન શુક્રની ચારેતરફ ફરતી વખતે તેનો અભ્યાસ કરશે. તેમાં ઘણા વૈજ્ઞાનિક પેલોડ હશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બે પેલોડ્સ હાઇ રિઝોલ્યુશન સિન્થેટિક એપર્ચર રડાર અને ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર હશે. શુક્રયાન અંતરિક્ષમાંથી શુક્રની ભૌગોલિક સંરચના અને જ્વાળામુખીઓની ગતિવિધિઓનો અભ્યાસ કરશે. આ ઉપરાંત તેના જમીની ગેસનું ઉત્સર્જન, પવનની ગતિ, વાદળો અને અન્ય બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવશે. શુક્રયાન લંબગોળ ભ્રમણકક્ષામાં શુક્રની આસપાસ ફરશે.
જો આ લોન્ચ વિન્ડો ચૂકી જશું તો સીધી 2031માં મળશે તક
સામાન્ય રીતે જ્યારે પૃથ્વીથી બીજા ગ્રહ પર મિશન લોન્ચ કરવામાં આવે છે, ત્યારે પ્રક્ષેપણ વિન્ડો જોવામાં આવે છે. એટલે કે તે સમય જ્યારે બીજો ગ્રહ પૃથ્વીની નજીક હોય છે. શુક્ર માટે શ્રેષ્ઠ પ્રક્ષેપણ વિન્ડો દર 19 મહિને આવે છે. પરંતુ જો પરવાનગી મેળવવામાં વિલંબ થશે તો પેલોડ તૈયાર કરવામાં અને રોકેટ નક્કી કરવામાં સમય લાગશે. જેથી પ્રક્ષેપણમાં મોડું થશે. એવું નથી કે વચ્ચે સમય નહીં મળશે. શુક્રયાનના પ્રક્ષેપણ માટે ઈસરોએ બેકઅપ પ્લાન પણ તૈયાર રાખયો છે. વર્ષ 2026 અને 2028માં ઈસરોને બે લોન્ચ વિન્ડો મળશે. પરંતુ આ વિન્ડો 2024 કરતાં વધુ સારી નથી. કારણ કે ન્યૂનતમ ઇંધણ અને ટૂંકા અંતરને ધ્યાનમાં લેતા, આગામી શ્રેષ્ઠ લોન્ચ વિન્ડો 2031 માં મળશે.
ચાર વર્ષ સુધી કરશે શુક્રનો અભ્યાસ
શુક્રયાન મિશનનું આયુષ્ય ચાર વર્ષનું હશે. એટલે કે આટલા સમયગાળા માટે અવકાશયાન બનાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, શુક્રયાનને GSLV માર્ક II રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. શુક્રયાનનું વજન 2500 કિલોગ્રામ હશે. થોડા દિવસો પહેલા ઈસરોના પ્રોફેસર સતીશ ધવન અને સ્પેસ સાયન્સ પ્રોગ્રામ એડવાઈઝર પી શ્રીકુમારે જણાવ્યું હતું કે, શુક્રયાનને લઈને ઈસરોની પાસે હજુ પણ સરકારની મંજૂરી નથી. શક્ય છે કે આ વિલંબને કારણે શુક્રયાન મિશનને વર્ષ 2031 સુધી સ્થગિત કરવું પડશે.